Leena Vachhrajani

Abstract Children Stories Inspirational

4  

Leena Vachhrajani

Abstract Children Stories Inspirational

બિરબલનીતિ

બિરબલનીતિ

2 mins
237


આખી ગલી ભેગી થઈ ગઈ. મોટાથી માંડીને કેડે લટકતાં બાળ સુધી બધા સમજી નહોતા શકતા કે નાનકો આટલું ગળું ફાડી ફાડીને કેમ રડે છે ! 

સમુ મુંઝાઈ ગઈ. નાનકાને બે ચાર ધોલધપાટ કરી લીધી.“મુઆ મુંગો મર ને ! નેહાર જઈને આયો તારનો રડ રડ કરે સે !”

ગબીકાકી વહારે આવી. “સમુડી તે ઓમ થયું સું એ કે જોઉં ! જરી હમજાય તો નાનકાને કહેવા થાય.”

“અરે કાકી વાત જોણે એમ સે કે નાનકો કાલથી એક વાત પર અડી જ્યો સે. આજે હો નેહાર જ્યો તાં હુધી ધડ કરતો જ્યો.”

“પણ લી કોંય હમજાય એમ કે.”

“કાકી આ નાનકાને સાયેબે પરમદાડે ભણાયેલું કે અકબર બાદશાહના દરબારમોં પેલો બો હોંશિયાર બિરબલ હતો. એ ગોમની હંધીય તકલીફ ઉકેલી આલતો.” 

“હા મેં હો હોંભર્યું સે હોં ! પણ તે એમોં નાનકાને સું?”

“અરે આ મુઓ પરમદાડાનો વાંહે પડી જ્યો સે કે તો પસે આ આપણને આ ગંદી ખોલીમોંથી બહાર નેકારે એવો ઉપાય બિરબલને પૂસી આય.”

કાલે એના માસ્તરનેય પૂસ્યું તે માસ્તરે કલાસની બહાર કાઢી મેલ્યો કે,“આવા ધડમાથા વગરના સવાલ ના કરીસ. નહીંતર નેહાર આવવાની જરુર નહીં.” 

હવે ગબીકાકીના ચહેરા પર દયા, લાચારી, ગુસ્સો વગેરે મિશ્ર રેખાઓ ઉપસી આવી. ત્યાં નાનકાએ વળી ભેંકડો તાણ્યો.“મારે આવા ગંદા ઘરમોં નહીં રહેવું. બિરબલને કો કે આપણનેય કોંય બીજો ઉપાય બતાવે.”

વળી સમુએ બે ઝીંકી દીધી.“ચુપ મર ને ! લા એમ કોંય એવા બિરબલ ફિરબલ આવે નઈ. હમજ્યો ! એ બધું પેલી ચોપડીમોં જ હોય.”

પણ જમાનાના અનુભવી ગબીકાકીએ નાનકાને સોડમાં લીધો.“હોંભર બકા, જો વાત જોણે ઈમ સે કે આપણે આયાં રઈએ સે એ બિરબલને ખબર નથી. તો તું મોટો થા પસે ભણીગણીને અકબરના દરબારમોં જા પસે બિરબલને તારી વાત હમજાવે પસે એ ઉકેલ લાવે કે ઈમ ને ઈમ બિરબલને સપનોં થોડી આવે? પેલાં તું મોટો સાયબ બન પસે બિરબલ પાંહે જવાય.”

અને નાનકો શાંત પડ્યો. સમુ અને આખી ગલીને થયું, “વાત તો હાચી હોં !”

માત્ર ગબીકાકી જ મનમાં બોલ્યાં,“અકબર બિરબલ મનમોં જ હોય ભઈ. નસીબમોં જેમ હોય એમોં ખુસ રહીએ તો બિરબલ પાંહે જવું જ ના પડે. હેંડ મારા રામ ! મારે તો હજી બે ઘેર વાહણ બાકી સે.”

ગલીમાં સોપો પડ્યો. નાનકો ઠાવકાઈથી ચોપડી ખોલીને બેઠો. સમુના મનમાં ઉજળા ભવિષ્યનાં સપનાં ચાલુ થયાં. “તે નાનકો હમજાવે સે એ પરમાણે તો ગબીકાકીનો હો બિરબલ જેવો જ ઉકેલ લાઈગ્યોં નઈ !“


Rate this content
Log in

Similar gujarati story from Abstract