"ભ્રમ"
"ભ્રમ"
સરિતા એટલે નદીના પ્રવાહ જેવી. બધા સાથે સાકરની જેમ ભળી જતી વર્કિંગ વુમન. ઘરની અને બેંકની જવાબદારી સંપૂર્ણ પણે સ:રસ ઊઠાવતી પોતાની જીંદગી મા પોતાને દુનિયાની
સૌથી સુખી સ્ત્રી માનતી હતી. આર્થિક રીતે તે સ્વતંત્ર હતી. બે બાળકો ની આદર્શ માતા અને ઉચ્ચ હોદો ધરાવતા પતિની આદર્શ પત્ની.
અને સ્ત્રી જ્યારે આદર્શ પત્ની અને આદર્શ માતા હોય પછી તો તેમાં કહેવાપણુ જ ન હોય. સમાજમાં તેમનું આગવું સ્થાન હોય. પતિ ને પ્રિય હોય. અને એટલે જ આસપાસના લોકો પણ સરિતાને સાગરની જોડીને ઉદાહરણ રૂપ માનતા હતા. કુટુંબમાં પણ રામ - સીતા સાથે સરખામણી થતી. અને આવા વિશેષણોથી સરિતા પોતાની જાતને ધન્ય માનતી.
આમ ને આમ તેમના લગ્નના પચ્ચીસ વર્ષ ક્યાં પસાર થઈ ગયા તે પણ ખબર પડી નહીં. તેમના બંને બાળકો પણ યુવાન થઈ ગયા હતા એન્જિનિયરિંગ ના અભ્યાસ અર્થે બહાર ભણવા ગયેલા.
સરિતા અને સાગર તેમના દીકરા માટે છોકરીની શોધમાં હતા પણ એ દરમિયાન તેમની દીકરીએ પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કરવા ઈચ્છે છે તેમ જણાવ્યું. સરિતાએ દીકરીને વિશ્વાસ અપાવ્યો સરિતાએ સાગર સાથે વાત કરી પણ તેણે તેની વાતને નકારી કાઢી. સરિતા અને સાગર વચ્ચે જીભાજોડી થઈ ગઈ.
છતાં પણ સરિતાએ સાગરથી ઉપરવટ જઈ તેની દિકરીને સાથ આપ્યો. દીકરીના કોર્ટ મેરેજ કર્યા. સાગર આ વાત સહન ન કરી શક્યો. તેની પત્ની તેનાથી ઉપરવટ જઈ કોઈ નિર્ણય લે એ જ તેને અતિશયોક્તિ ભર્યું લાગ્યું. બંને વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું..
સાગરનો અસલી સ્વભાવ તેમની સામે આવી ગયો. આજ સુધીના દરેક નિર્ણય સાગરે જ લીધા હતા સરિતાએ હંમેશા તેની હા મા હા કરી હતી. અને એટલે જ તો તે આદર્શ પત્ની હતી.
આજે તેણે પોતાની દીકરી માટે યોગ્ય નિર્ણય લીધો હતો છતાં પણ સાગરે સરિતાને કહ્યું 'તમને ખબર ન પડે, મારી જાણ બહાર તમારાથી નિર્ણય લઈ જ કેમ
શકાય, આ ઘર મારું છે, તું મારી પત્ની છો અને તારી મર્યાદા સાચવવી એ તારા હાથની વાત છે.'
સરિતા સાગરની વાત સાંભળી હતપ્રભ થઈ ગઈ. સાગરનો માલિકીભાવ જોઈ ડઘાઈ ગઈ.
તે તો આજ દિવસ સુધી એમ જ સમજતી હતી કે તેઓ એક બીજાના પૂરક છે!