Rahul Makwana

Tragedy Crime Thriller

4  

Rahul Makwana

Tragedy Crime Thriller

ભિખારી

ભિખારી

9 mins
486


"દુનિયામાં જેણે જન્મ લીધેલ છે, તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે જ તે." આ વિધાન આપણાં ધર્મગ્રંથો, વેદો અને પુરાણોમાં ખૂબ સારી રીતે સમજાવેલ છે. મનુષ્ય આખી જિંદગી ભાગ દોડ કરે છે, લાખો કરોડો કે અબજો રૂપિયા કમાઈ છે, પરંતુ તેમાંથી તે એકપણ રૂપિયો પોતાની સાથે નથી લઈ જતો. મનુષ્યની સાથે આવે છે તો તેણે કરેલાં પુણ્યો કે ગરીબ, નિસહાય લોકોને કરેલી મદદ. આપણે જેવાં પણ કર્મો કરીએ છીએ તેવાં ફળો આપણે ભોગવવા જ પડે છે, આ એક કડવું સત્ય છે. આમ ભાગદોડ ભરેલ જીવનમાં આજનો મનુષ્ય એટલો વ્યસ્ત થઈ ગયેલો છે કે તે પોતાની જાતને જ જાણે વિસરી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજનાં મનુષ્યે એ એકવાર પોતાની જાતને "હું આખરે કોણ છું ?" આ પ્રશ્ન પૂછવાની જરૂર છે. જો વ્યક્તિ પોતાની જાતને માત્ર એકવાર આ પ્રશ્ન પૂછવામાં સફળ રહે તો મારું દ્રઢ પણે એવું માનવું છે કે તે વ્યક્તિનું જીવન સાચા અર્થમાં યથાર્થ નીવડેલ છે.

આજનો મનુષ્ય જાણે કોઈ મશીન માફક બની ગયો હોય તેવું લાગે છે. રૂપિયા કમાવવાની હાડમાં આજનો મનુષ્ય પોતાનાં માટે, પોતાની જાત માટે, પોતાનાં પરિવાર માટે પણ પૂરતો સમય નથી ફાળવી શકતો. જો તમારો રવિવાર ક્યાં પસાર થઈ જાય છે ? આ બાબતનો તમને ખ્યાલ ના રહેતો હોય તો તમે સમજી જજો કે તમે સાચા અર્થમાં રવિવાર પસાર કરેલો છે, અને તમારે હજુપણ આવા ઘણાં રવિવારની જરૂર છે.

આલોકની ગણતરી આ શહેરનાં એક સારા બીઝનેસમેનમાં ગણતરી થતી હતી, તેણે નાની ઉંમરમાં ખૂબ જ મોટી સફળતા મેળવેલ હતી. આજથી 10 વર્ષ પહેલાં આલોકે શરૂ કરેલ ડાયમંડ કંપનીએ આજે વિશ્વસ્તરે સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરેલ હતી. આલોક પોતાની પત્ની શ્રદ્ધા અને દસ વર્ષનાં પુત્ર રોહન સાથે ખૂબ જ જાહોજલાલીવાળું જીવન જીવ રહ્યો હતો. તેનાં ઘરમાં નાનામાં નાના કામ કરવાથી માંડીને મોટામાં મોટું કામ કરવાં માટે માણસો રાખેલ હતાં. આલોક રૂપિયા પાણીની જેમ વહાવી રહ્યો હતો. 

 આમ આલોક પાસે આટલો બધો રૂપિયો હોવાને કારણે આલોકને રૂપિયાનું ઘમંડ આવી ગયેલ હતું. આલોક આ દુનિયામાં રહેતાં ગરીબ લોકોને આ ધરતી પરનાં બોઝ સમાન ગણી રહ્યો હતો, તે એવું માનતો કે, "આ ગરીબ માણસો, કીડા મકોડાની માફક જન્મે છે અને કીડા મકોડાની માફક જ મરી જાય છે. તેઓને પોતાની કે પોતાનાં પરિવારની કાંઈ જ પડી નથી હોતી. આ બધાં કામચોર અને આળસુ બની ગયેલાં છે. તેઓને હરામનું ખાવાની આદત પડી ગઈ છે." 

 જ્યારે આલોક એ બાબતથી હાલ એકદમ અજાણ જ હતો કે તેનાં શહેરમાં જ વસતો એક ગરીબ વ્યક્તિ જ તેનાં જીવનમાં મોટો ધરખમ ફેરફાર લઈને આવશે, જે આલોકનું હૃદય અને મન મીણબત્તીની માફક પીગળાવી દેશે. પણ...ક્યારે…? કેવી રીતે…? શાં માટે..? વગેરે તો માત્ર આવનાર સમય જ જણાવી શકે તેમ હતો.

સ્થળ : સીટી પોલીસ સ્ટેશન.

સમય : સવારનાં 10 કલાક.

સીટી પોલીસ સ્ટેશનમાં બધાં જ પોલીસ કર્મચારીઓ પોત પોતાની ફરજ પર આવી પહોંચેલ હતાં, બરાબર એ જ સમયે એક પહાડી, અને મજબૂત શરીર ધરાવતો એક યુવક સફેદ રંગની સ્કોર્પિયો કારમાંથી ઉતરે છે, તેણે સફેદ રંગનો શર્ટ અને ખાખી રંગનું પેન્ટ પહેરેલ હતું, તેમાં પણ તેણે પહેરેલાં રેબનનાં બ્લેક ગોગલ્સ તેનાં દેખાવમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં. તેની અણીદાર મૂછો તેની વીરતા અને બહાદુરીનું જાણે પ્રતિનિધિત્વ કરતી હોય તેવું લાગી રહ્યું હતું. આ વ્યક્તિ એટલે સીટી પોલીસ સ્ટેશનનાં ડી.સી.પી અભિનવ પાટીલ.

 ત્યારબાદ અભિનવ પાટીલ સીટી પોલીસ સ્ટેશનમાં પ્રવેશીને પોતાની ચેમ્બરમાં રહેલ ખુરશી પર બેસે છે. એટલીવારમાં બાજુમાં ચા ની લારી પર કામ કરતો છોટુ ચા લઈને આવી પહોંચે છે. 

"સાહેબ ! તમારા માટે મસાલાથી ભરપુર ગરમાગરમ મસાલેદાર ચાય" છોટુ ચાની પ્યાલી ટેબલ પર મૂકતાં મૂકતાં અભિનવની સામે જોઈને બોલે છે.

"છોટુ ! આ લે...તારી દિવાળી બક્ષિસ !" છોટુના હાથમાં 500 રૂપિયાની નોટ આપતાં આપતાં અભિનવ બોલે છે.

"ખૂબ ખૂબ આભાર ! સાહેબ !" છોટુ 500 રૂપિયાની નોટ પોતાનાં હાથમાં લેતાં લેતાં બોલે છે.

બરાબર એ જ સમયે….

અભિનવના કાને કોઈ સ્ત્રી દુઃખને લીધે હૃદય ધ્રુજાવી દે તેવો વલોપાત કરી રહી હોય તેવો અવાજ સંભળાય છે. આ સાથે જ તેનાં કાને "કોણ છે તમારી આ ચોકીનાં હેડ…? એમને કહો કે આલોક સર આવેલાં છે. હું ડી.જી.પી. ને કોલ કરું તો ડી.જી.પી ને પણ દોડતાં દોડતાં આવવું પડે." આ વાક્ય સંભળાય છે. 

આથી અભિનવ થોડા ગુસ્સા સાથે પોતાની ચેમ્બરની બહાર આવી આલોકને મળે છે. આલોક અભિનવને મળીને જણાવે છે કે…

"આજ સાંજની મારો દિકરો રોહન ઘરે પરત નથી ફર્યો. મેં મારા બધાં સગાસંબંધીઓ અને રોહનના મિત્રોને પણ કોલ કર્યો પરંતુ રોહન તે કોઈનાં ઘરે ગયો નથી...મને એવું લાગે છે કે કોઈએ રૂપિયાની લાલચમાં આવીને મારા પુત્ર રોહનનું અપહરણ કરેલ હશે..? એટલે તમે આખી પોલીસ ફોર્સને કામે વળગાવી દો. અને મારે કાલ સાંજ સુધીમાં રોહન મારા ઘરે જોઈએ. જો તમારાથી આ કેસ સોલ્વ ના થાય તેમ હોય તો તમે મને અગાવથી જણાવજો તો હું મારી રીતે આ કેસ કોઈ ડિટેકટિવને સોંપી દઈશ." અમીરીનાં નશામાં ધૂત થતાં આલોક અભિનવની સામે જોઈને બોલે છે.

આલોકની વાત સાંભળીને અભિનવનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે, ગુસ્સાને લીધે તેની આંખો લાલચોળ થઈ જાય છે, કપાળ પર કરચલીઓ વળી જાય છે. બરાબર એ જ સમયે અભિનવનાં કાને શ્રદ્ધાની દુઃખ ભરેલ ચીસ ફરીવાર સંભળાય છે, શ્રદ્ધાની આ દર્દ ભરેલ વલોપાત સાંભળીને અભિનવનો ગુસ્સો જાણે પળભરમાં જ ઓગળી ગયો હોય તેવું અભિનવ અનુભવી રહ્યો હતો.

"અવર ટીમ વિલ ટ્રાય એટ બેસ્ટ લેવલ..!" અભિનવ ગુસ્સો ગળે ઉતારતાં આલોકની સામે જોઈને બોલે છે.

"ટ્રાય નહીં.. મારે ચોક્કસ પરીણામ જોઈએ." આલોક અભિનવની સામે જોઈને જણાવે છે.

"જી ! સર…!" આલોકની સામે ઉભેલ પી.એસ.આઈ રણજિત સિંહ આલોકની સામે જોઈને બોલે છે.

ત્યારબાદ આલોક પોતાનાં પુત્રનો તાજેટરનો ફોટો, સરનામું અને કોન્ટેકટ નંબર લખાવી પોતાનાં ઘર તરફ જવાં માટે રવાનાં થાય છે. જ્યારે આ બાજુ અભિનવ આ કેસ સોલ્વ કરવાં માટે પોતાનું મન મક્કમ કરી લે છે.

બીજે દિવસે સવારે

સ્થળ : શહેરની બહાર આવેલ હાઈ વે પરનો 

ફૂટપાથ.

સમય : સવારનાં 5 કલાક.

રાજુ ભિખારી છેલ્લાં 10 વર્ષથી શહેરની બહાર આવેલાં આ ફૂટપાથ પર જ રહેતો હતો. દસ વર્ષ પહેલાં કોઈ અકસ્માતમાં તેણે પોતાનાં પગ ગુમાવી દીધેલાં હોવાથી તે અહીં બેસીને ભીખ માંગી રહ્યો હતો, ત્યાંથી પસાર થતાં વાહનચાલકોમાંથી કોઈ રાજુને રૂપિયા, ખાવાનું, પાણી, કે નાસ્તો આપી જતાં હતાં, આમ રાજુ પોતાનાં જીવનનાં દિવસો પસાર કરી રહ્યો હતો. આજે રાજુ ફૂટપાથ પર સૂતેલો હતો, ત્યારે તેને પાણીની તરસ લાગતાં તે બાજુમાં રહેલ જુના માટલાંમાંથી એક વાટકામાં પાણી ભરે છે.

જ્યારે રાજુ પાણી પીતો હતો, ત્યારે તેની નજર પોતાની બાજુમાં ટૂંટિયું વળીને સુતેલા દસ વર્ષના બાળક પર પડે છે, આથી રાજુ એ બાળકને જગાડે છે.

"બેટા ! તું કોણ છે ? અહીં શું કરી રહ્યો છે ? તું અહીં કેવી રીતે આવી પહોચ્યો ?" આમ રાજુ તે બાળકને હેરાનીભર્યા અવાજે એકસાથે ઘણાં બધાં પ્રશ્નો પૂછે છે.

"કાકા ! મારું નામ રોહન છે અને મને કોઈ બુરા અંકલે ઉપાડી ગયાં હતાં, પણ હું ત્યાંથી ભાગીને માંડ માંડ અહીં સુધી પહોંચ્યો છું." રોહન રાજુની તરફ જોઈને પોતાની આપવીતી જણાવતાં બોલે છે.

"કાંઈ વાંધો નહીં બેટા, આ લે બિસ્કિટ અને પાણી, થોડું ખાય અહીં સૂઈ જા, તું અહીં મારી પાસે સૂતો હોઈશ તો બુરા અંકલને ખ્યાલ પણ નહીં આવે." રોહનને બિસ્કીટ અને પાણી ભરેલ વાટકો આપતાં આપતાં રાજુ જણાવે છે.

ત્યારબાદ સ્વાદિષ્ટ મીઠાઈ અને રાજભોગ ખાવાથી ટેવાયેલ રોહન રાજુએ આપેલ બિસ્કીટ ખાઈ પાણી પીવે છે, હાલ એનાં પેટમાં એટલી ટાઢક વળેલ હતી, કે આવો સ્વાદ રોહને હજુસુધી ક્યારેય અનુભવ્યો જ ના હતો. ત્યારબાદ રાજુ રોહનને પોતે જે ફાટેલો તૂટેલો ધાબળો ઓઢેલ હતો તે ધાબળો રોહનને ઓઢાડે છે, અને થોડી જ વારમાં રોહન ઘસઘસાટ ઊંઘી જાય છે.

ચાર કલાક બાદ 

હવે આ હાઈવે પર ધીમે ધીમે લોકોની દરરોજની માફક અવર જવર વધી રહી હતી, આથી રાજુ ઢસડાતાં ઢસડાતાં હાઈવેની નજીક જાય છે, અને મદદ માટે ઈશારો કરે છે, પણ ત્યાંથી પસાર થતાં લોકોને તો રાજુ ભીખ માંગવા માટે ઈશારો કરી રહ્યો હશે એવું લાગી રહ્યું હતું. આથી ત્યાં પસાર થતાં એકપણ વાહનચાલક પોતાનું વહાન ઊભાં રાખતાં નથી. એવામાં એક સજ્જન ત્યાંથી પસાર થાય છે, જે રાજુને જોઈને પોતાની કાર ઊભી રાખે છે, અને આખી વિગત જણાવે છે. આથી તે કારચાલક પોતાનાં મોબાઈલ ફોનમાંથી સીટી પોલીસ સ્ટેશને કોલ કરીને આખી બાતમી આપે છે. 

 ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં હાજર રહેલ કર્મચારી આ બાબતની જાણ અભિનવને કરે છે, આથી અભિનવ જે પોલીસ સ્ટેશનનાં રસ્તા પર પોતાની કાર ચલાવી રહ્યો હતો, તે કાર શહેરની બહાર આવેલ હાઈ વે તરફ પુર ઝડપથી ભગાવે છે. હાઈ વે પાસે પહોંચીને અભિનવ ફૂટપાથ પાસે પોતાની "પોલીસ" લખેલ સ્કોર્પિયો કાર ઊભી રાખે છે, આ જોઈ રોહન દોડતાં દોડતાં અભિનવને વળગી જાય છે. અને જોર જોરથી રડવા માંડે છે.

"બેટા હવે તારે ડરવાની કોઈ જ જરૂર નથી હું આવી ગયો છું હવે." રોહનની પીઠ પર વ્હાલપૂર્વક હાથ ફેરવતાં ફેરવતાં અભિનવ બોલે છે.

બરાબર એ જ સમયે આલોક અને તેની પત્ની શ્રદ્ધા ત્યાં હાઈ વે પર આવી પહોંચે છે. અને અભિનવ અને રોહન જ્યાં ઉભેલ હતાં એ તરફ દોટ મૂકે છે.

"અંકલ ! હું બચી ગયો અથવા મારી સાથે પેલાં અંકલે ખરાબ કર્યું એનું મને જરાપણ દુઃખ નથી, પરંતુ દુઃખ એ વાતનું છે કે મને જે રાજુ અંકલે પોતાનાં હાથે બિસ્કિટ ખવડાવ્યા, પાણી પીવડાવ્યું, અને પોતાનો ધાબળો મને ઓઢાડીને આખી રાત ઠંડીમાં મારું રક્ષણ કર્યું એ રાજુ અંકલ કે જેને લોકો "ભિખારી" એવાં કઈક નામથી બોલાવી રહ્યાં હતાં, તેઓએ મારા માટે પોતાનો જીવ પણ આપી દીધો, તેઓ જ્યારે પોલીસ સ્ટેશને ફોન કરીને પરત ફરી રહ્યાં હતાં, ત્યારે જ પુરઝડપે આવી રહેલાં એક ટ્રકે તેને હડફેટમાં લઈ લીધેલાં હતાં, જોત જોતામાં તેઓ હવામાં ઊંચે સુધી ફંગોળાય ગયાં, અને તેઓએ મારા માટે કોઈપણ પ્રકારનાં સંબંધ વગર નિસ્વાર્થભાવે પોતાનાં પ્રાણનું બલિદાન આપી દીધું...કદાચ મારા પપ્પા પણ મારી માટે આવું કરોડપતિ હોવા છતાંય ના કરી શકયાં હોત..!" પોતાની વ્યથા અને દુઃખ જણાવતાં જણાવતાં રોહન અભિનવની સામે જોઈને બોલે છે.

હાલ રોહન દ્વારા બોલતાં શબ્દો સાંભળતાની સાથે જ આલોકનાં રોહન તરફ આગળ ધપી રહેલાં પગલાંઓ એકાએક થંભી જાય છે, રોહન દ્વારા બોલાયેલાં શબ્દો કોઈ તીક્ષ્ણ તીરની માફક હાલ આલોકનાં હૃદયની આરપાર સોંસરવો પસાર થઈ રહ્યાં હતાં...આ સાથે જ આલોકનાં મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે હું આખરે છું કોણ..? શું હું રોહનનો બાપ છું ? શું હું રોહનનો બાપ હોય તો શાં માટે તેની નજરમાં આજે મારા કરતાં ફૂટપાથ પર રહેતાં ભીખારીનું સ્થાન વધુ ઊંચું થઈ ગયું ? શું એક સફળ બિઝનેશમેન બનવાની તાલાવેલીમાં એક આદર્શ બાપ કે પિતા બનવાનું ચુકી ગયેલો છું ? આખરે હું છું કોણ..? રોડ પરનો એક ભિખારી કે જેને રોહન સાથે એકપણ પ્રકારનો સંબંધ ના હોવા છતાંય તેને કોઈ અંગત સ્વજનની માફક ખવડાવ્યું, પીવડાવ્યું, રક્ષા કરી અને અંતે રોહન માટે પોતાનો જીવ પણ ગુમાવ્યો, તો શું હું એ ભિખારી સાથે પણ મારી જાતને સરખાવવા માટે સક્ષમ નથી…?" આમ આવા બધાં વિચારોએ જાણે એક જ પળમાં આલોકને અને તેનાં ઘમંડને એક જ ઝાટકામાં આકાશમાંથી ધરતી પર પટકી દીધેલાં હોય તેવું હાલ આલોક અનુભવી રહ્યો હતો.

ત્યારબાદ અભિનવ રોહન આલોક અને તેની પત્નીને સોંપે છે, અને જણાવે છે કે, "સાહેબ ! ગરીબ માણસ માટે રૂપિયા કરતાં વધુ અગત્યની "માણસાઈ" કે "ઈન્સાનિયત" હોય છે, જેનાં માટે આ ગરીબ માણસો પોતાનો જીવ આપવામાં પણ ક્યારેય પાછા નથી પડતાં." 

"એકદમ સાચી વાત છે તમારી સાહેબ, આ વાસ્તવિકતા મને આજે મારા ખુદના જ સંતાને ખૂબ જ સારી રીતે સમજાવેલ છે." આલોક અભિનવની વાત સાથે સહમત થતાં બોલે છે.

ત્યારબાદ અભિનવ સીટી પોલીસ સ્ટેશન તરફ અને આલોક, શ્રદ્ધા અને રોહન ખુશ થતાં થતાં પોતાનાં ઘર તરફ જવાં રવાનાં થાય છે, આ બનાવના બીજા જ વર્ષે આલોક શહેરમાં મોટા મોટા અનાથગૃહ, વૃદ્ધાશ્રમ અને ગરીબો માટે નિરાશ્રિત ગૃહ પોતાના ખર્ચે બનાવડાવે છે, હાલ આલોકને એ બાબત સારી રીતે સમજાય ગઈ હતી કે "પોતે હકીકતમાં કોણ હતું ?" 

જ્યારે આપણી જાતને "હું વાસ્તવમાં કે હકીકતમાં કોણ છું ?" આ પ્રશ્નનો ઉત્તર જ્યારે મળે છે, ત્યારબાદ જ વ્યક્તિ સાચા અર્થમાં પોતાનું જીવન જીવવવાનું શરૂ કરે છે. બાકી આખી દુનિયાને પોતાનાં જોર કે બાવડાં બળ વડે જીતનાર સિકંદરને પણ "હું વાસ્તવના કોણ છું ?" આ પ્રશ્નનો જ્યારે ઉત્તર મળ્યો ત્યારે તેણે યુઘ્ધભૂમિમાં જ પોતાનાં હાથમાં રહેલ લોહીલુહાણ તલવાર હેઠી મૂકી દીધેલ હતી, જે બાબતની ખુદ ઈતિહાસ પણ આજે સાક્ષી પુરાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy