ભીંજાય તું મારી સાથે!!
ભીંજાય તું મારી સાથે!!




સાંજના સાત વાગ્યાનો સમય છે...ને વરસાદી મોસમ. આકાશમાં વાદળો ઘેરાયા છે. વીજળી કડાકા સાથે એવી ગર્જના કરી રહી છે કે હમણાં આભ તૂટી પડશે....લોકો બસ જેમ બને એટલાં જલ્દીથી ઘરે પહોંચવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.
કાવ્ય ફટાફટ પોતાની ઓફિસમાંથી બહાર આવીને પાર્કિંગમાંથી ગાડી બહાર નીકાળે છે.....અને ઘરે જવા નીકળે છે...એ સાથે જ રોડ પર એને લોકો ઠેરઠેર ઘરે પહોંચવાના પ્રયત્ન કરી રહેલા દેખાય છે...કારણ કે આજે પહેલો મોસમનો વરસાદ આવવાના એંધાણ છે.
આ બધું જોતાં જોતાં તે ગાડી ચલાવી રહ્યો છે ત્યાં જ એનું ધ્યાન જાય છે કે બહાર તો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે....લોકો ક્યાંક ઉભા રહેવા માટે જગ્યા શોધી રહ્યા છે. ત્યાં જ એક સ્ટોપ આવે છે...નામ લખેલું છે...ઝાંસીની રાણી...આ નામ વાંચતા જ તે એકદમ ચોંકીને ગાડીને બ્રેક મારે છે. સામે જ તેની નજર જાય છે તો એક સ્ત્રી કદાચ માંડ ત્રીસી વટાવી હશે...તેને જોતાં જ તે ઉભો રહી જાય છે અને એને એકીટશે જોતો રહે છે.
તે ધોધમાર વરસાદમાં સાડીમાં એક નાનકડું પર્સ લપેટીને ઉભી છે અને થરથર ધ્રુજી રહી છે...પણ આ વરસાદમાં ભીંજાયેલી તે અત્યંત સુંદર અને મોહક લાગી રહી છે...કાવ્ય એને જોતો જ રહે છે અને તેના મોઢામાંથી નીકળી જાય છે...અંજલિ..!!
એટલામાં જ એ વિચારોમાંથી બહાર આવે છે, તો તેને ખબર પડે છે કે વરસાદને કારણે પાછળ ટ્રાફિક જમા થઈ ગયો છે અને તે વચ્ચોવચ આમ ગાડી ઉભી રાખીને ઉભો રહ્યો છે એટલે પાછળથી બધા સતત હોર્ન મારી રહ્યા છે....એટલે તે જલ્દીથી તે બને તેમ થોડી આગળ જઈને ગાડી સાઈડમાં મૂકે છે અને ફરી પાછી એ જ જગ્યાએ આવે છે જ્યાં પેલી સ્ત્રી ઉભી હતી.
એ ત્યાં પાછળથી હાથ મૂકતાં જ એ સ્ત્રી પાછળ ફરીને એની સામે જુએ છે ત્યાં જ કાવ્ય બોલ્યો, અંજલિ !! તું આમ? ચાલ મારી સાથે.
અંજલિ દિલમાં છુપાયેલો પ્રેમ અને આંખોમાં નફરત સાથે બોલી, કેમ અચાનક મારા પર દયા આવી. લગ્નના ફક્ત બે વર્ષમાં ફક્ત ને ફક્ત તારા અહમ અને ગુસ્સાને કારણે તે મને છોડી દીધી. હવે કેમ આવ્યો મારી પાસે?
કાવ્ય રડમસ ચહેરે બોલ્યો, અંજલિ એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.. હું એ અભિમાનમાં તારા પ્રેમને ભૂલી ગયો... પ્લીઝ હવે ચાલ આપણા ઘરે..આજથી કાવ્યના સુખદુઃખ બધું જ આ કાવ્યનું.. પ્લીઝ મને માફ કરી દે!! તું આવા વરસાદમાં બિમાર થઈ જાય છે તને ખબર છે ને ?
આપણી આ વરસાદમાં શરૂ થયેલી આપણી કહાનીને ફરી શરૂ કરીએ જેનો કોઈ અંત ન હોય...
"આવી આજ મોસમ વરસાદની, આજે ભીંજવું હું તને મારા વ્હાલમાં."
અંજલિ : તું જા અહીંથી..આઈ હેટ યુ...તો પછી ફરીવાર તું કેમ ના આવ્યો આટલા સમય સુધી?
કાવ્ય: બસ એ જ અહમ...પણ આજે તો એ અહમ અને ગુસ્સાને ચકનાચૂર કરી આજે તારી પાસે આવ્યો છું...જો મને નફરત કરતી હોય તો હજુ પણ તું શું કામ એકલી છે? કેમ જીવનમાં આગળ વધી નથી?
એ સાથે જ અંજલિના આંખોમાંથી આંસુઓનો બંધ તુટી પડ્યો..તે કાવ્યને વળગીને રડી પડી.
મોસમના પહેલા વરસાદમાં બે હૈયા આજે ફરી હંમેશાં માટે એકબીજાના થઈ ગયાં... એજ મોસમના પહેલા વરસાદ સાથે ફરી એકવાર કદી અંત ન આવે એવા અતુટ પ્રેમની કહાની શરૂ થઈ!!