Nayanaben Shah

Tragedy Classics

4  

Nayanaben Shah

Tragedy Classics

ભગત

ભગત

3 mins
251


આમ તો એનું નામ પ્રખર હતું.પરંતુ આખા ગામમાં બધા એને ભગતના નામે ઓળખતાં.જો કે એની ભક્તિ જોયા પછી લાગે કે એનું નામ યોગ્ય જ છે. પ્રખર અને પૌરવીની જિંદગી બિલકુલ ઇશ્વરને સમર્પિત. કોઈના પણ ઘરમાં કંઈ જ તકલીફ હોય તો પ્રખર પાસે જ ગામના લોકો જતાં જેથી એ ગામમાં ક્યારેય કોઈ કોર્ટમાં જતું નહીં. લોકો કહેતાં કે ભક્તિ તો ભગતની.

ભગત તથા પૌરવી સવારે ઉઠીને પ્રભાત ફેરીમાં જતાં.બધા શ્લોકો તથા પાઠ ભગતને કંઠસ્થ. પ્રભાતફેરીમાં રામરક્ષા સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રના પાઠ, વગેરે કરતાં જાય. પ્રભાતફેરીમાંથી પાછા ફરીને તરત ટી.વી.પર આવતાં આખ્યાન સાંભળતાં. ચાતુરમાસમાં કોઈને કોઇનું વ્યાખ્યાન હોય ચાહે એ જૈન ધર્મના સંતોનું હોય. ભાગવત સપ્તાહ હોય કે શિવપુરાણ કે દેવી ભાગવત ત્યાં ભગતની તથા એની પત્નીની હાજરી અચૂક હોય. ગામના દરેક મંદિરમાં દરરોજ દર્શન કરવા જવાનું. ત્યાં જો કોઇ સાધુનું આગમન થયું હોય તો એમની સાથે સત્સંગ કરવો એ બધા એના નિત્યક્રમ હતાં.

સાંજના તો એના ઘેર દરબાર ભરાતો. સંયુક્ત કુટુંબમાં ઝગડા થાય તો સમાધાન માટે બધા ભગતને ત્યાં જ આવતાં પછી એ ઝગડો સસરા વહુનો હોય કે પતિપત્નીનો હોય. ગામડાંમાં સાસુવહુ તો ઝગડીને થોડીવારમાં ભેગા પણ થઈ જતાં. પરંતુ પુરૂષોનો અહમ હોય કે મારૂ ઘરને બધા મારા કહ્યામાં રહે. જ્યારે આવો ઝગડો ભગત પાસે આવે ત્યારે કહે ગુજરાતીમાં કહેવત છે કે, "ભાભો ભારમાં તો વહુ લાજમાં."માટે પુત્રવધૂ સાથે દીકરીની જેમ વહેવાર કરો. ઘડપણમાં દીકરાની પત્નીની પાસે જ ચાકરી કરાવવી પડશે. થોડું મન મોટુ રાખી જતુ કરતાં શીખો. તે પણ સાનમાં સમજી જતાં. પતિ પત્નીના ઝગડામાં પણ એ હંમેશ કહેતાં,

"સ્ત્રીઓ માનભંગ થાય તે આખી જિંદગી ના ભૂલે. નનામી કાઢતાં સુધી એ રીસ સાબૂત હોય ! જીભનો ઉપયોગ જમવામાં કરવો મૌન રાખવું પણ બોલીને ક્યારેય વેરને વિસ્તૃત ના કરવું. આરાધના તો ક્ષમાના ભાવ સાથે થાય. તોજ ઈશ્વરની પ્રાપ્તિ થાય." ગામના કેટલાય લોકોને એમને વ્યસ્નમુક્ત કરી ભક્તિના માર્ગે વાળ્યા. કોઈના પણ ઘરમાં મૃત્યુ થાય તો કહે સારૂ પ્રભુનું નામ વધુ લેવાશે. ક્યારેક કોઈ ઘરમાં મિલકતનો ઝગડો થાય ત્યારે એ કહે, "ભાગમાં પૈસા થોડા ઓછા ભલે આવે તો આવે. કમાઈ લેવાશે કે બેંકમાથી લોન લેવાશે. પરંતુ સ્નેહ તો ઘરમાંથી જ મળી રહે. જરૂરિયાત વખતે ભાઈબહેનો અડીખમપણે મદદ માટે હાજર થાય એનાથી વધુ મોટી મિલકત કઈ હોઈ શકે ? માટે પૈસા જતાં કરી પ્રેમ પ્રાપ્ત કરી લો કારણ એ બજારમાં વેચાતો નથી મળતો."

એમની સમજાવટના પરિણામે બંને ભાઇઓ એકબીજાને ભેટીને છૂટા પડતાં. યુવાન છોકરાં છોકરીઓ પ્રેમભગ્ન થઈ આત્મહત્યા કરવા જતાં હોય ત્યારે પણ ભગત એમને સમજાવતાં, "બેટા,ઈશ્વરની તારી પર કૃપા છે કે તારા હાથમાં હીરો આવવાનો છે એટલે જ કાચ છૂટી ગયો. હવે તો માબાપના આશીર્વાદ લઈને લગ્ન કરજે. એ વ્યક્તિ તો થોડાસમયથી તારા જીવનમાં આવી જ્યારે માબાપ તો તમારી સાથેને સાથે જ છે. એમને ક્યારેય દુભાવશો નહીં." અને એ આત્મહત્યાનો વિચાર માંડી વાળતાં.

ગામમાં કોઇ પણ વ્યક્તિ એમનો બોલ ઉથાપતી નહીં. ખરેખર તો ગામના લોકો ભગતને દેવ તરીકે પૂજતાં. ગામમાં અરસપરસ પ્રેમ જળવાતો હોય તો ભગતને કારણે. એ જ સમયમાં પૌરવીનું બે દિવસની માંદગીમાં મૃત્યુ થયું.બધાને ખબર હતી કે ભગત પણ નરસિંહ મહેતાની જેમ કહેશે કે, "ભલુ થયું ભાંગી જંજાળ,સુખે ભજીશું શ્રી ગોપાળ"

ભગત તો હવે ચિંતામુક્ત થઈને ફરતાં. ઘેર પણ કોઈ હવે રાહ જોનાર રહ્યું ન હતું. મંદિરમાં બેસી રહેતાં. કોઈને કોઈ આવીને જમવાનું આપી જતું. દિવસો પસાર થતાં તેમ તેમ સહાનુભૂતિનું મોજુ ઓસરતું જતું હતું. ક્યારેક ક્યારેક તો ભગતને ભૂખ્યા રહેવું પડતું. અત્યાર સુધી પત્ની એમની સગવડ સાચવતી હતી. પરંતુ હવે એમની સગવડ સચવાતી ન હતી.

ધીરે ધીરે ભગતની ઉંઘ હરામ થઈ ગઇ. પૌરવી એમની પસંદની વાનગીઓ બનાવતી હતી. દિવસો પસાર થતાં જતાં હતાં એમ પત્નીની યાદ તીવ્રપણે સતાવા લાગી. ક્યારેક ક્યારેક તો એમને ભુખ્યા રહેવું પડતું ત્યારે રાત્રે ઉંઘ પણ ના આવતી. પરિણામ સ્વરૂપ ભગત હવે ઘરની બહાર નીકળતાં જ નહીં .

લોકો કહેતાં,"ભગત તો ઘરમાં જ રહે છે એ સમાધિમાં લીન રહેતાં લાગે છે એ હવે ખૂબ ઓછુ બોલે છે." પરંતુ એકદિવસ ગામલોકો એ જોયું કે વધેલી દાઢી, મેલા કપડાં તથા દિવસો સુધી સ્નાન કર્યા વગરના ભગત રસ્તા પર દોડી રહ્યા હતાં અને બોલતાં હતાં, "પૌરવી,તું ઉભી રહે.હું તારી જોડે આવુ છું. હું તારા વગર કઈ રીતે જીવી શકીશ ?"એ બોલતાં બોલતાં ગામના કૂવા તરફ દોડ મુકી રહ્યા હતાં ચીસો પાડી રહ્યા હતાં અને ચોધાર આંસુએ રડી રહ્યા હતાં. થોડાદિવસો બાદ કાયમ માટે એમનું નિવાસસ્થાન બદલાઇ ગયું હતું. એમનું નવું નિવાસસ્થાન હતું, "પાગલખાનું."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy