બચતનો મહિમા
બચતનો મહિમા


"આજે કુણાલ જીદ લઈને બેઠો હતો. મારે ગેમ માટે ગ્રાફિક કાર્ડ જોઈએ છે. કમ્પ્યુટરમાં નાખવું છે. એના વગર હું મોટી ગેમ નહિ રમી શકું. ગમે તે કરો. મને જોઈએ જ!" કુણાલ રીતસર બરાડા પડી રહ્યો હતો.
સુમન બધું શાંતિથી સાંભળી રહી હતી. કારણકે એની સામે બરાડા પાડવાનો કોઈ મતલબ નહોતો.
ફરી કુણાલ બોલ્યો," તમારા માટે સોનાના દાગીના લો છો. પપ્પા મોંઘા મોબાઈલ ખરીદે છે. પપ્પાનો મોબાઈલ ૬૦૦૦૦ રૂપિયાનો છે. મારું કાર્ડ તો ફક્ત ૫૦૦૦નું જ આવે છે."
સુમનની આંખો પહોળી થઇ. એણે ખરેખર ગુસ્સામાં જોયું કુણાલ સામે. કુણાલ ને થયું," અત્યાર સુધી મમ્મી બધું સાંભળતી હતી, હવે નહિ સાંભળે. આંખો કાઢી છે, હવે ચૂપ થવામાં જ ભલાઈ છે." કુણાલ ચૂપ રહ્યો ગયો.
સુમન થોડું તાડુકી ને બોલી," અહી આવ. અને બેસ અહીંયા. ચાલ હું તને થોડું સમજાવું."
કુણાલ બંને હાથ ગાલ પર રાખી બેસી ગયો. રખેને એકાદ લાફો પડી ગયો તો!!
સુમન બોલી," જો બેટા, મને કદી પણ કઈજ પહેરવાનો શોખ હતો પણ નહિ અને અત્યારે પણ નથી. આ સોનાના દાગીના અત્યારે સસ્તા ભાવે મળે. ભવિષ્યમાં પૈસાની જરૂર પડી તો એને વેચીને આપણને અત્યાર કરતા વધારે પૈસા મળી શકે. બીજી વાત તારા પપ્પાના મોબાઈલની. એમના દરેક કામ મોબાઈલથી થાય છે. એમના મોબાઈલને કારણે બધી વસ્તુઓ બહાર ગયા વગર ઘરે આવે છે. તારા ગ્રાફિક કાર્ડથી શું થશે ? તારી આંખો અને મગજ બગડશે.અને એને ફરી વેચી શકાશે ખરું ? એની કિંમત કરતા વધારે પૈસા મળશે?"
સુમને કુણાલને નજીક બોલાવ્યો. એના માથે હાથ મૂકીને કીધું,"જો કુણાલ, આ ગેમ રમવી એનાથી ફાયદો નથી નુકસાન છે. ઘડીક ગમ્મત કરીએ ત્યાં સુધી બરાબર છે. તારે મોટા થઇને સારી નોકરી કરવાની છે. તારા પપ્પા આટલી સારી નોકરી કરે છે. છતાં આપણે જેમાં બચત થઈ શકતી હોય એમાં કરીએ છીએ. તારા હાથમાં પૈસા આવે એ તારા પોતાના અલગ બેંક એકાઉન્ટમાં જમાં કરાવીએ છીએ. શા માટે ? હંમેશા બચત કરેલી વસ્તુ કામમાં આવે. "મોરારી બાપુએ કીધું છે કે આપણી આવકનો દસ ટકા હિસ્સો બચત તરીકે રાખવો જોઈએ." ગેમ માટે પૈસા પણ બગડશે અને તારું ભવિષ્ય પણ.
આજે પણ કહું છું અને હંમેશા યાદ રાખજે,"કદી કોઈ દિવસ નકામા ખરચા ન કરવા. એકદમ જરુરની વસ્તુ હોય તો જ ખરીદવી. ખરીદેલી વસ્તુ કેટલી કામમાં આવવાની છે એની ગણતરી કરવી. બંને તો આપણી પાસે હોય એમાંથી પૈસા બચાવવા કોશિશ કરવી. લોભિયા ના બનવું પણ થોડી કરકસર અને બચત કરવી." કુણાલ શાંત થઇ ગયો અને એને મમ્મી ની વાત ગળે ઉતરી. હવે કુણાલ પણ બચત નો મતલબ સમજી ગયો. અને કદી પણ ગ્રાફિક કાર્ડ માટે જીદ નહિ કરે. એણે સુમનને પ્રોમિસ આપ્યું કે હવે એ પોતાની પિગી બેંકમાં પૈસા ભેગા કરશે.