Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

mariyam dhupli

Tragedy Thriller Children


4  

mariyam dhupli

Tragedy Thriller Children


અનુત્તર

અનુત્તર

3 mins 241 3 mins 241

"દાદાજી...."

શાળામાંથી દોડતી ભાગતી આવેલી છ વર્ષની એ નાનકડી ઢીંગલીને નિહાળતાંજ દાદાની આંખોમાં પ્રેમભરી ટાઢક છવાઈ ગઈ. એ સિતારા જેવી ચળકતી નિર્દોષ આંખો આજે રોજ કરતા બમણો પ્રકાશ પ્રતિબિંબિત કરી રહી હતી. આજે શાળામાં સ્વતંત્ર દિવસની ઉજવણી થઈ હતી. ઉજવેલ એ ઉત્સવનો આનંદ એના હાવભવોમાંથી સહજ છલકાઈ રહ્યો હતો. એક હાથમાં નાનો તિરંગો અને બીજા હાથમાં શાળામાંથી મળેલા લાડુ એના નાનકડા પંજાની ચુસ્ત પકડમાં સજ્જ હતા. નિયત ટેવ પ્રમાણે દાદાએ એને સાઈકલમાં એને માટેજ ખાસ જડાવેલી આગળની સીટ ઉપર ગોઠવી દીધી. એનો તિરંગો સાઈકલની ઝડપ જોડે હવામાં લહેરાઈ ઉઠ્યો. એ નિહાળતાંજ એના મોઢા ઉપર સંતોષ અને અચરજ છવાઈ ગયા. ગામડાની કાચી સડક ઉપર આગળ વધી રહેલી સાઈકલની આગળની બેઠક ઉપરથી પડખેની બન્ને દિશામાં લહેરાઈ રહેલા ખેતરો ઉપર એની બાળનજર વારાફરતી ડોકાઈ રહી. 

" દાદાજી આજે શાળામાં બહુ મજા કરી. ઝંડો લહેરાવ્યો. રાષ્ટ્રગીત ગાયું અને નાટક પણ ભજવાયું. "

" અરે ,વાહ !" સાઈકલને પેડલ મારતા દાદા એની ખુશીમાં ખુશ થઈ ઉઠ્યા.

એક ક્ષણ માટે પાછળ ફરી એણે ઉપર તરફ નજર કરી. દાદાની આંખો જોડે આંખો મેળવી ને ફરી આગળની દિશામાં ગરદન ફેરવી. દાદાજી એની વાતો ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા એ વાતનો સંતોષ મળતા એણે મનની મૂંઝવણ શબ્દોમાં ઉતારી. 

" દાદાજી , ક્રાંતિ એટલે શું ? "

સાઈકલનું સંતુલન સાધતા દાદાજીએ શીઘ્ર ઉત્તર આપ્યો.

" ક્રાંતિ એટલે અન્યાય સામેનો વિરોધ. કાંઈ ખોટું થતું હોય એની સામે બંડ પોકારવું. પોતાના અધિકારો માટે લડવું. "

થોડો વિચાર કર્યા પછી તિરંગાને નિહાળતા એક અન્ય પ્રશ્ન બાળમનમાંથી બહાર આવ્યો. 

" જેમ આપણે અંગ્રેજો જોડે લડ્યા હતા એમ ?" 

" હા, એને જ ક્રાંતિ કહેવાય. " દાદાજીએ એ વ્યાખ્યાને સહમતી આપી અને મનની મૂંઝવણ દૂર થઈ. 

બીજા હાથમાંના લાડુ નિહાળી ફરી એક મૂંઝવણ મન ઉપર હાવી થઈ. 

" દાદાજી, દેશભક્ત એટલે શું ? " 

પ્રશ્નોની છડી અટકવાની અપેક્ષા શૂન્ય સેવનારા દાદાની આંખો અપેક્ષિત નવા પ્રશ્નથી હસી પડી. 

" દેશભક્ત એટલે દેશપ્રેમી. જે પોતાના દેશને ખૂબજ ચાહે. સાચા હૃદયથી પ્રેમ કરે. જેના માટે દેશ સૌથી પહેલા. "

થોડો સમય વિચાર કર્યા પછી એણે દાદજીના વાક્યમાંથી બે શબ્દો ફરી પુનરાવર્તિત કર્યા. 

" સૌથી પહેલા ?" 

દાદાજીએ હામીમાં શીઘ્ર ડોકું ધુણાવ્યું. સાઈકલના આગળના ભાગ તરફ એની બાળનજર સ્થિર થઈ ગઈ.

" એટલે પપ્પા દેશને મારાથી પણ વધુ પ્રેમ કરે છે ? એટલેજ મારી જોડે ઘરમાં નથી રહેતા. " 

દાદાજીએ સાઈકલને ધીમેથી બ્રેક લગાવી. એમની આંખો આગળ ભારતીય સરહદ ઉપર ફરજ નિભાવી રહેલ દીકરાનો ચહેરો ઉપસી આવ્યો. યાદોનું તિર હૈયામાં ભલે ભોંકાયું. પણ હોઠ અને ચહેરાથી અછડતુંજ છૂટી ગયું. સામે તરફના માર્ગ ઉપર ચાની લારી નજીક તળાઈ રહેલી આજના ખાસ અવસર માટેની ગરમાગરમ જલેબીઓ જાણે પડકારજનક પ્રશ્ન સામે જાણે ઢાલ બની એમની રાહ જોઈ રહી હતી. 

" જલેબી ખાઈશ ?" 

હાથના લાડુને નિહાળી જલેબી તરફ એક દ્રષ્ટિ ફેંકી જાણે લોટરી લાગી હોય એવા ઉત્સાહ જોડે એણે દાદાની આંખોમાં આંખો પરોવતાં ડોકું જોર જોર હામીમાં ધુણાવ્યું. 

સાઈકલ ધીમા ધીમા પેડલ જોડે સામે તરફના માર્ગ ઉપર આવી થોભી. સાઈકલ સ્ટેન્ડ ઉપર ગોઠવી વૃદ્ધ શરીર જલેબી ખરીદવા આગળ વધ્યું. 

આજુબાજુ ચરી રહેલા ઘેટાં બકરા ઉપર બાળનજર કુતૂહલથી ફરી વળી. ચાની લારી ઉપર થઈ રહેલી ગરમ ચર્ચા વિચારણા એના નિર્દોષ કાન ઉપર પરોક્ષ રીતે ઝીલાવાં લાગી. આખરે એની નજર મૂંગા પ્રાણીઓ ઉપરથી હટી બોલી રહેલા માનવીઓ પર સ્થળાંતરિત થઈ. 

થોડી ક્ષણોમાં ગરમાગરમ જલેબીથી એનું ઘ્યાનભંગ થયું. ઘરડી આંખો સામે તરફના ટોળા ઉપર આવી તકાય. ગરમ થઈ ઉઠેલી ચર્ચાવિચારણા નિર્દોષ કાનમાં ન ઝીલાય એ અર્થે એમણે ઉતાવળે સાઈકલ સ્ટેન્ડ ઉપરથી ઝડપભેર નીચે ઉતારી. 

એક હાથા ઉપર લટકી રહેલી થેલીમાં જલેબી સરકાવી. આગળની સીટ ઉપર બાળકીને ગોઠવી વૃદ્ધ પગે દમદાર પેડલ લગાવ્યા. એ ચર્ચાવિચારણાથી દૂર પહોંચી ગયેલી સાઈકલ ઉપર એક નવો પ્રશ્ન ઉઠ્યો કે વૃદ્ધ હૃદયના ધબકાર બહાર સુધી સંભળાવા લાગ્યા. 

" દાદાજી, હિન્દુરાષ્ટ્ર એટલે શું ? " 

ઘરડી આંખો સામેના રસ્તા પર મૌન મંડાઈ રહી. પેડલ બમણા વેગે ફરવા લાગ્યા. હંમેશા બધાજ પ્રશ્નોના ઉત્તર જાણનાર અને આપનાર દાદાજી આ વખતે ઉત્તર શા માટે નથી આપી રહ્યા એ વિચારે અધીરી થયેલી નરગીશ પોતાના પ્રશ્નને વારંવાર પુનરાવર્તિત કરવા લાગી. 

" શું થયું ? બોલોને દાદાજી. હિન્દુરાષ્ટ્ર એટલે શું ? " 

ચર્ચાવિચારણાના કેન્દ્રબિંદુ સમી ચાની લારી તરફથી જમણી તરફ તિરંગો અને ડાબી તરફ મીઠાઈઓથી સજ્જ ઘરડા યુસુફની સાઈકલ રહેઠાણ વિસ્તાર તરફ આગળ વધતા કદમાં ક્રમશ: નાની થતા થતા આખરે અદ્રશ્ય થઈ ગઈ. 


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Tragedy