Nilang Rindani

Inspirational

4  

Nilang Rindani

Inspirational

અનોખી વિદાય

અનોખી વિદાય

13 mins
263


પ્રદ્યુમન રાય અને ગીરીસુતા જોષીપુરા, પોરબંદર ના એક સાધારણ કહી શકાય તેવા વિસ્તારમાં રહેતું એક અનોખું દંપતી. અનોખું એટલા માટે કે આ દંપતી ને અનોખી શારીરિક ખોટ હતી. પ્રદ્યુમન રાય ને જન્મ થી પોલીઓ હતો, તેથી તેમના બન્ને પગ કામ નહોતા આપતા. તેમના પગ એટલે વ્હીલચેર. શારીરિક ખોટ હતી એટલે તેમણે લગ્ન પણ એવી વ્યક્તિ સાથે કર્યા જેને શારીરિક ખોટ હોય. ગીરીસુતા બેન ની એક આંખ તેમના બાળપણમાં એક અકસ્માત દરમ્યાન સંપૂર્ણપણે દ્ષ્ટિ વિહીન થઈ ગઈ હતી. પરંતુ આ શારીરિક ખોડખાંપણ હોવા છતાં તેમના પ્રેમમા કોઈ જ ઉણપ નહોતી. બન્ને જણા એકબીજા માટે જ સર્જાયેલા હોય તે રીતે એકબીજા નો સંપૂર્ણપણે ખયાલ રાખતા હતા. તેમના સુખી દામ્પત્ય જીવનના ફળસ્વરૂપે તેમને ઘરે એક દીકરીનો જન્મ થયો હતો, કૈરવી. ખૂબ જ સુંદર, ચબરાક અને સમજુ હતી કૈરવી. નાનપણ થી જ તેણે તેના માં બાપ ને શારીરિક ખોટમાં જ જોયા હતાં એટલે તેનો ઉછેર પણ એવી રીતે જ થયો હતો. કુદરતી રીતે જ તેના મા અપાર સમજણશક્તિ હતી કે તે જ તેના માં બાપ નો એક માત્ર આશરો છે. આમ આ ત્રણેય જણ ના જીવન નું ગાડું ધીરી ગતી એ, પરંતુ ગબડયે જતું હતું.

દીવાલ ઉપર ટાંગેલી ઘડિયાળમાં જો સેલ ના નાંખો તો તેના કાંટા ફરતા અટકી જાય, પરંતુ કુદરત નિર્મિત ઘડિયાળ ને કોઈ સેલની જરૂર નથી હોતી..તેના કાંટા તો બે રોક ફરતા જ રહે છે. કૈરવી મોટી થતી ગઈ. ભણવામાં મા ખૂબ જ હોંશિયાર હતી એટલે નિશાળ મા બધા જ શિક્ષકોની માનીતી પણ હતી. પ્રદ્યુમન રાય ટપાલ ખાતા મા નોકરી કરતા હતા. સરકારી નોકરી હતી એટલે એવી કોઈ નાણાકીય ચિંતા કે તાણ નહોતી. એક રિક્ષાવાળો બાંધી રાખ્યો હતો, જે રોજ સવારે આવી ને તેમને લઈ જાય અને સાંજે ઓફિસ છૂટવાના સમયે તેમને પાછો ઘરે મૂકી જાય. ગીરીસૂતા બેન ઘરે જ રહેતાં હતા. કૈરવી નિશાળથી આવે એટલે તેને જમવાથી લઈ ને તેની નિશાળ ના ઘરકામ મા તેને મદદ કરતા હતા. કૈરવી છઠ્ઠા ધોરણમાં ભણતી હતી એટલે ગીરીસૂતા બેન પણ તેને જરૂરિયાત પૂરતું તો ભણાવી શકતા હતા. સાદગીભર્યું જીવન હતું એટલે બધું સમુસુતરું ઉતરતું જતું હતું.

બધું જ જો સરખી રીતે ચાલતું હોય તો પછી તે જીવન શેનું ? ઈશ્વર નામક બાઝીગર કોઈક ને કોઈક રીતે મનુષ્યની બાજી ઉલટાવી દેતો હોય છે. જીવન રૂપી શાળા ની પરીક્ષા પણ કઠીન હોય છે. જીવન ના અનુભવો મનુષ્ય નો અભ્યાસ ક્રમ અને તેની પરીક્ષા રૂપે કોઈક એવો પ્રસંગ આપી દે આ ઈશ્વર કે ત્યારે મનુષ્ય ની ચકાસણી થતી હોય છે કે તેણે તેના અનુભવો ઉપર થી શું શીખ્યું ? પ્રદ્યુમન રાય ના કિસ્સા મા પણ એવું જ કંઈક થયું. એક દિવસ બપોરે ગીરીસૂતા બેન બેઠા હતા અને ત્યાંજ અચાનક તેમનું ડાબું અંગ એકદમ જકડાઈ ગયું. જ્યાં બેઠા હતા ત્યાં જ તે પડી ગયા. તરત જ પ્રદ્યુમન રાય ને જાણ કરવામાં આવી. જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે આડોશી પાડોશી આવી ગયા હતા. ડોક્ટર ને પણ બોલાવી લીધા હતા. ડોક્ટર એ એમ્બ્યુલન્સ બોલાવી અને ગીરીસૂતા બેન ને તેમની હોસ્પિટલે તાત્કાલિક ભરતી કરી દીધા. સધન તપાસ પછી ડોક્ટરે નિદાન કર્યું કે ગીરીસૂતા બેન ને પક્ષઘાત નો હુમલો આવ્યો છે. તેમની સ્થિતિ અતિ નાજુક હતી. ડોક્ટર એ પ્રદ્યુમન રાય ને જાણ કરી કે આ હુમલો એટલો પ્રચંડ છે કે અત્યાર ની પરિસ્થિતિ મા કઈં જ કહી શકાય નહીં. બનતા બધા જ પ્રયત્નો કરવાનું આશ્વાસન આપી ને ડોક્ટરે પ્રદ્યુમન રાય ને રવાના કર્યા. 

પ્રદ્યુમન રાય ઘરે પહોંચ્યા.. કૈરવી બારણાં મા જ ઊભી હતી. તે આ બધી ઘટનાની સાક્ષી હતી એટલે અતિશય ડઘાઈ ગઈ હતી. તે સીધી પ્રદ્યુમન રાયને વળગી પડી..."પપ્પા, શું થયું છે મમ્મી ને ? ઘરે ક્યારે આવશે મમ્મી ? સાજી થઈ જશે ને મમ્મી ?"..બાળસહજ પૂછાયેલા પ્રશ્નો નો જવાબ પ્રદ્યુમન રાય પાસે પણ નહોતો. તેમણે તેમના ઘર ના એક ખૂણા મા સ્થાપિત કરેલા એક મંદિર મા હીંચકા ઉપર ઝૂલતા બાળ કૃષ્ણ ની સામે નજર કરી..તેમનું નટખટ હાસ્ય ઘણું બધું કહી જતું હતું..અને પ્રદ્યુમન રાય પણ તે હાસ્ય મા થી જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા હતા..."દીકરા, મમ્મી ને સાચવવા વાળો જો અંદર બેઠો છે..ચિંતા ના કરીશ, બધું સારું થઈ જશે..હું છું ને ?" પ્રદ્યુમન રાય કૈરવી ના માથે ધીરે ધીરે હાથ ફેરવી રહ્યા હતા.."હું છું ને" કહેવાયેલું વાક્ય ભલે નીકળ્યું હતું પ્રદ્યુમન રાય ના મુખે થી પરંતુ તેને કહેડાવવા વાળો તો હીંચકા ઉપર ધીરે ધીરે ઝૂલી રહ્યો હતો... તેણે તો કંઈક બીજું જ નિર્માણ કર્યું હતું.

આ તરફ ગીરીસૂતા બેન ની તબિયત એકદમ નાજુક થઈ ચૂકી હતી. ડોક્ટરે આશા છોડી દીધી હતી. પ્રદ્યુમન રાય પણ હવે હિંમત હારી ચૂક્યા હતા. અને જે ધાર્યું હતું તે ઘટી ને જ રહ્યું. ગીરીસૂતા બેન એ ટુંકી માંદગી બાદ આ ફાની દુનિયા ને અલવિદા કહી ને અનંત યાત્રા એ પ્રયાણ કરી ચૂક્યા હતા. પ્રદ્યુમન રાય અને કૈરવી માટે આ કારમો આઘાત એક પક્ષઘાત જેવો જ હતો. અચાનક જ તેમના શાંત જીવન મા ધરતીકંપ આવ્યો હતો. જીવન ના બધા જ સમીકરણો હલી ગયા હતા. પરિસ્થિતિ આમ થી તેમ થઈ ચૂકી હતી. પ્રદ્યુમન રાય અચાનક જ કુદરતે રચેલી આ માયા જાળ મા બેવડી ભૂમિકા મા આવી ગયા. હવે તેમણે એક પિતા તથા માતા ની ભૂમિકા ભજવવા ની આવી. કહે છે ને કે આ જીવન એક એવો રંગમંચ છે જેમા કોઈ જ સ્ક્રિપ્ટ નથી હોતી. જે રીતે પ્રસંગો આવે તે રીતે તમારે ભજવતા જવાનું અને એમા કોઈ રિહર્સલ કે પૂર્વ તૈયારી નથી હોતી. પ્રદ્યુમન રાય પણ આવી જ એક સ્થિતિમાં આવી ગયા હતા. હવે શું કરવું ? નોકરી પણ ચાલુ હતી, કૈરવી ને ભણાવી ગણાવી ને મોટી કરવાની હતી, ઘર ચલાવવાનું હતું ઉપરાંત રોજિંદા ખર્ચા..ભલે ઘર મા થી એક વ્યક્તિ ઓછી થઈ ગઈ પણ જવાબદારી અનેકગણી વધી ગઈ. આ બધા સવાલો એ પ્રદ્યુમન રાય ના મગજ ઉપર એકસાથે હુમલો કર્યો. તે ઉપરાંત કૈરવી ને પણ સંભાળવાની હતી. આટલી નાની ઉંમર મા જ તેની ઉપર થી માં નું છત્ર છીનવાઈ ગયું હતું. દીકરી ની નજીક ની મિત્ર તરીકે જેની ગણના થાય છે તે માં જ હવે તેની પાસે નહોતી. પ્રદ્યુમન રાય માટે આ પણ એક મોટો પડકાર હતો. વ્હીલચેર ના ટેકે ટેકે પ્રદ્યુમન રાય તેના ઘર મા આવેલા મંદિર નજીક ગયા અને પ્રશ્નાર્થ નયને કનૈયા સમક્ષ જોયું..."બોલ..હવે શું હુકમ છે ? તેં જ આ પરિસ્થિતિ નું નિર્માણ કર્યું છે, હવે તું જ રસ્તો કાઢ"..પ્રદ્યુમન રાય જાણે કે બાલકૃષ્ણ સાથે મનોમન વાર્તાલાપ કરતા હતા..પેલો કાળિયો તો બસ...તેની મસ્તી મા ઝૂલા ઉપર ઝૂલતો ઝૂલતો તેનું મનમોહક હાસ્ય વેરી રહ્યો હતો..અને પ્રદ્યુમન રાયે પોતાની વ્હીલચેર ના પાછી વાળી..કદાચ તેમને ઉપાય મળી ગયો હતો..

બીજે દિવસે પ્રદ્યુમન રાયે તેમની ઓફિસ મા વી.આર.એસ. ની અરજી કરી દીધી. એક બે દિવસ પછી તેમના મુખ્ય કાર્યાલય મા થી જવાબ આવી ગયો. તેમની અરજી નામંજૂર થઈ હતી. પ્રદ્યુમન રાય પહેલે થી જ ખૂબ જ કાર્ય નિષ્ઠ હતા, કામ પ્રત્યે ખૂબ ઈમાનદાર હતા અને તેમની સાથે કામ કરતા લોકો મા પણ પ્રતિષ્ઠિત નામ ધરાવતા હતા. તેમને તેમની ઓફિસ મા થી એક ગોઠવણ કરી આપવામા આવી. પ્રદ્યુમન રાયે બપોર સુધી પોસ્ટ ઓફિસ મા ફરજ બજાવવાની અને ત્યાર બાદ જે થોડું ઘણું કામ હોય તે ઘરે થી કરી શકે. આ ગોઠવણથી પ્રદ્યુમન રાય કૈરવીનું પણ ધ્યાન રાખી શકે અને ઓફિસ નું પણ કામ કરી શકે. કાનો હજી પણ ઝૂલતો ઝૂલતો મધુર હાસ્ય વેરી રહ્યો હતો.

સેલ વગર ની ઘડિયાળ ના કાંટા ફરી રહ્યા છે તેની ગતી થી. પ્રદ્યુમન રાય અને કૈરવી પણ એ કાંટાની દોરવણીથી દોરાઈ ને આગળ વધી રહ્યા છે. કૈરવી હવે એક બાળકી મા થી યુવતી થઈ ચૂકી છે. કૉલેજ ના છેલ્લા વર્ષ મા અભ્યાસ કરતી હતી. પ્રદ્યુમન રાય પણ હવે નિવૃત્તિ ના આરે હતા. ગીરીસૂતા બેન પણ આ બધું એક દીવાલ ઉપર ગોઠવેલી તસ્વીર મા થી સસ્મિત ચહેરે આ બધું નિરીક્ષણ કરી રહ્યા હતા. કૈરવી પણ કૉલેજ પૂરી કરી ને આગળ અભ્યાસ કરવા ઈચ્છતી હતી. પ્રદ્યુમન રાયે તેના ભણતર મા કોઈ પણ પ્રકાર ની બાંધછોડ નહોતી કરી. 

સમય પણ ઝરણાં પેઠે સરતો રહ્યો. કૈરવી પણ એમ.બી. એ. નો અભ્યાસ પૂર્ણ કરી ને સારી નોકરી ની શોધ મા હતી. આ બાજુ પ્રદ્યુમન રાય પણ નિવૃત્ત થઈ ચૂક્યા હતા. હવે પ્રદ્યુમન રાય ને એક જ ચિંતા હતી અને તે કૈરવી માટે યોગ્ય મુરતિયો શોધી ને પરણાવવાની. કૈરવી ને એક બે વખત આડકતરી રીતે પ્રદ્યુમન રાયે પૂછી જોયું હતું કે જો કોઈ યોગ્ય પાત્ર તેની જાણ મા હોય તો, પરંતુ કૈરવી એ કશો પ્રતિભાવ નહોતો આપ્યો. અને એક દિવસ સાંજે પ્રદ્યુમન રાય ના ઘર ની ડોર બેલ રણકી ઊઠી. કૈરવી એ બારણું ઉઘાડ્યું. સામે જ એક સહેજે ૬૦-૬૨ વર્ષ ના સજ્જન ઉભા હતા.."પ્રદ્યુમન રાય નું ઘર આજ ને ? હું જનાર્દન બક્ષી..શું હું તેમને મળી શકું ?" અતિ નમ્રતા થી તેમનો પરિચય આપી ને હાથ જોડી ને જનાર્દન બક્ષી ઉભા રહ્યા.."અરે...આવો ને..પપ્પા ઘરે જ છે".. કૈરવી એ પણ એક ખૂબ જ વિનમ્રતા થી તેમને આવકાર્યા. દીવાનખંડ મા એક નાના સોફા ઉપર તેમને બેસાડ્યા અને કૈરવી બીજા ઓરડા મા થી પ્રદ્યુમન રાય ને લઈ ને આવી. પરસ્પર નમસ્કાર ની મુદ્રા મા હાથ જોડી ને બન્ને વડીલો સામ સામે બેઠા..વાર્તાલાપ ની શરૂઆત જનાર્દન બક્ષી એ કરી..."હું જનાર્દન બક્ષી, ભારતીય સ્ટેટ બેંક મા શાખા પ્રબંધક તરીકે નિવૃત્ત થયો છું. છાયા પ્લોટ મા રહીએ છીએ. મારા કુટુંબ મા હું અને મારો એક નો એક દીકરો નિનાદ. મારા ધર્મપત્નીનો ૫ વર્ષ પહેલાં જ સ્વર્ગવાસ થયો છે. હવે હું મૂળ મુદ્દા ઉપર આવું છું...અત્યારે આપની સમક્ષ હું આપની સુપુત્રી કૈરવી માટે મારા દીકરા નિનાદ નું માંગુ લઈ ને આવ્યો છું."..પ્રદ્યુમન રાય તો સ્તબ્ધ થઈ ગયા..ઘડી મા તે કૈરવી તરફ તો ઘડીમા જનાર્દન બક્ષી તરફ જોઈ રહ્યા. જે ચિંતા ઘણા વખતથી તેમને કોરી ખાતી હતી તેનું નિવારણ તેમની સમક્ષ જ હતું. અચાનક તેમને ખયાલ આવ્યો કે કૈરવી, તેમના આંખનું રતન..આટલી મોટી થઈ ગઈ કે તેને માટે આજે કોઈ માગાં લઈને આવ્યું છે ?..."જનાર્દન ભાઈ, આપ મારી દીકરી માટે માગું લઈ ને આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર..હું પણ ટપાલ ખાતા મા થી નિવૃત્ત થયો છું..મારા પત્ની (દીવાલ તરફ ગીરીસુતા બેન ની તસવીર તરફ મોઢું કરી ને) નો પણ સ્વર્ગવાસ કૈરવી ખૂબ નાની હતી ત્યારે થયો હતો..ત્યાર થી મે જ માતા અને પિતાની બેવડી ભૂમિકા નિભાવી છે. કૈરવી એ એમ.બી. એ. નો અભ્યાસ કર્યો છે"...પ્રદ્યુમન રાયે ટુંકો પણ વ્યવસ્થિત પરિચય આપ્યો..."મારો દીકરો નિનાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એક મલ્ટી નેશનલ કંપની મા મેનેજર તરીકે ફરજ બજાવે છે.. આપણે તો ફક્ત ગોઠવી આપવાનું કામ, બાકી કૈરવી અને નિનાદ એક બે વખત મળી લે અને જો તે લોકો ને યોગ્ય લાગતું હોય તો પછી આ બારા મા આપણે વાત આગળ વધારીએ."..જનાર્દન બક્ષી એ પોતાના પુત્ર નો પરિચય આપ્યો. અને પછી ઔપચારિક આગતા સ્વાગતા થયા બાદ નક્કી થયું કે બીજે દિવસે કૈરવી અને નિનાદ એક બીજા ને મળે, વાત કરે અને પછી આગળ નો વિચાર. જનાર્દન બક્ષી એ વિદાય લીધી. પ્રદ્યુમન રાયે કૈરવી ને તેની બાજુ મા બેસાડી...માથે હાથ ફેરવ્યો અને..."દીકરા..તારો શું વિચાર છે ? હું આ નિર્ણય તારા ઉપર છોડુ છું. તું મળી લે નિનાદ ને..તને શું લાગે છે તે તું મને કહેજે અને જરા પણ ચિંતા નહીં કરતી. મારા તરફ થી કોઈ પણ દબાણ નથી"..પ્રદ્યુમન રાયે ખૂબ જ પ્રેમ થી કૈરવી ને કહ્યું.."પપ્પા, હું કાલે મળીશ નિનાદ ને અને પછી મારો નિર્ણય જણાવી દઈશ".. કૈરવી એ પણ પ્રદ્યુમન રાયનો હાથ પોતાના હાથમાં લઈ ને વહાલથી તેમના ગાલ ઉપર ટપલી મારી.

બીજે દિવસે સાંજ ના ૮ વાગ્યા હશે. પ્રદ્યુમન રાય દીવાનખંડમાં બેઠા હતા કૈરવી ની રાહ જોતા અને ત્યાં જ ડોર બેલ રણકી. વ્હીલચેર ના સહારે દરવાજે જઈ ને બારણું ઉઘાડ્યું તો સામે કૈરવી ઊભી હતી. અંદર આવી ને પાણી પીધું અને પછી પ્રદ્યુમન રાય ની બાજુમાં આવી ને બેઠી.."પપ્પા, નિનાદ સારો છોકરો છે, સમજુ છે, હોંશિયાર પણ છે અને કુટુંબ ની મહત્વતા સમજે છે..મારા તરફ થી "હા" છે..નિનાદ ને પણ કોઈ જ વાંધો નથી...તમે નિનાદ ના પિતા ને મારો નિર્ણય જણાવી શકો છો"..હજી તો કૈરવી પોતાની વાત પૂરી કરતી જ હતી ત્યાં ફોનની ઘંટડી રણકી...સામે છેડે જનાર્દન બક્ષી હતા.."કૈરવી, હું જનાર્દન..પ્રદ્યુમન રાય સાથે વાત કરી શકું ?"..પૂછાયેલા પ્રશ્ન ના જવાબ મા કૈરવી એ સીધો ફોન જ પ્રદ્યુમન રાય ને પકડાવી દીધો.."બોલો જનાર્દન ભાઈ.." સામે છેડે થી જનાર્દન બક્ષી..."પ્રદ્યુમન રાય, મને નિનાદ એ તેનો નિર્ણય જણાવી દીધો છે અને તેને આ સંબંધ બંધાય તેમાં કોઈ જ વાંધો નથી..બન્ને જણા એ વાત કરી લીધી છે અને નિનાદ ના કહેવા પ્રમાણે કૈરવી ને પણ કોઈ જ વાંધો નથી, તો આપનું શું મંતવ્ય છે ?"..એકી શ્વાસે જનાર્દન બક્ષી બોલી ગયા...હવે બોલવાનો વારો પ્રદ્યુમન રાય નો હતો.."જનાર્દન ભાઈ, કૈરવી એ મને બધી વાત કરી દીધી છે, તેને પણ કોઈ જ વાંધો નથી...તો પછી આપણે પણ આપણી ફરજ નિભાવવામાં પાછીપાની નથી કરવી. હું અમારા ગોરને વાત કરીને સગાઈનું શુભ મુહૂર્ત કઢાવી લઉં છું". કૈરવી આ બધું સાંભળતી હતી. શરમ ના શેરડા ઉતરી આવ્યા તેના ગૌર ચહેરા ઉપર. 

સગાઈ નું મુહૂર્ત પણ આવી ગયું. એક ખૂબ જ નાના સમારંભ મા ફક્ત ઘર ના સભ્યો ની હાજરી મા કૈરવી અને નિનાદ ના વેવિશાળ થઈ ગયા. બન્ને પક્ષે ખાસ કોઈ એવું બંધન નહોતું એટલે લગ્ન ની તારીખ પણ બીજા જ મહિના મા લઈ લેવા તેવું નક્કી થઈ ગયું. જોર શોર થી તૈયારીઓ થવા લાગી. પ્રદ્યુમન રાય તો બેવડી ભૂમિકા મા હતા એટલે પિતા નો અને માતા નો ધર્મ બજાવી રહ્યા હતા. કૈરવી પણ હોંશે હોંશે તેની ખરીદી કરી રહી હતી. પ્રદ્યુમન રાય ની એક ની એક દીકરી અને પાછો પહેલો અને છેલ્લો પ્રસંગ, એટલે તેમણે પણ પાછું વળી ને જોયું નહીં. કૈરવી ને બધી છૂટ આપી રાખી હતી.. કૈરવી ખૂબ ખુશ હતી અને એટલે જ પ્રદ્યુમન રાય પણ ખૂબ ખુશ હતા, પણ તેમના મન મા ક્યાંક કોઈક વિચારો એ એક સ્વરૂપ પકડ્યું હતું. ધીરે થી વ્હીલચેર ના સહારે પ્રદ્યુમન રાય દીવાનખંડ મા આવ્યા અને દીવાલ ઉપર લાગેલી ગીરીસૂતા બેન ની તસવીર સામે તેમની વ્હીલચેર ગોઠવી દીધી..."ગીરીસૂતા, બધું જુવો છો ને ? આપણી દીકરી હવે પોતાના ઘરે જઈ રહી છે..તમે તો અમને નોધારા છોડી ને જતા રહ્યા અને મારે તમારી પણ ભૂમિકા નિભાવવી પડી...તમને ક્યાંય લાગ્યું હોય કે મેં મારી ફરજ બરાબર નથી નિભાવી તો સપના મા આવી ને વઢી લેજો...છોકરો ઘણો સારો છે, કુટુંબ પણ સારું છે.. આપણી દીકરી સુખી થશે"..…પ્રદ્યુમન રાય ની આંખ મા આંસુઓ એ તેમની જગ્યા રોકી દીધી...મનોમન થઈ રહેલા વાર્તાલાપ ના શબ્દો એ આંસુ નું સ્વરૂપ પકડ્યું હતું....

અને એ દિવસ પણ આવી ગયો. સવાર થી ઘરમા દોડા દોડી થઈ રહી હતી. પ્રદ્યુમન રાયના નજીકના સગા આવી ગયા હતા. કૈરવીની નજીકની બહેનપણીઓ પણ ત્યાં હાજર હતી. સૌ કોઈ જાન ને આવકારવા ની તૈયારી મા લાગી ગયા હતા. ઠીક ૧૧ ના ટકોરે જાન નું આગમન થયું. આગતા સ્વાગતા થઈ..ગોર મહારાજ તેમની જગ્યા એ પહેલાં જ ગોઠવાઈ ગયા હતા. પ્રદ્યુમન રાય પણ તેમની વ્હીલચેર મા ચોરી ની નજીક ગોઠવાઈ ગયા હતા..આજે એક આંખ ખુશ હતી તો બીજીમા ગ્લાનિ હતી..આજે તેમના કાળજા નો કટકો આ ઘર છોડી ને બીજે ઘરે જવાનો હતો..એકલતા ની ગ્લાનિ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ ઉભરી આવી હતી. ફેરા ફરી લીધા વર વધુ એ..જમણવાર પણ પૂરો થયો...વડીલો ના આશીર્વાદ લેવાઈ ગયા. લગ્ન નો એક ભાગ પૂર્ણ થયો.

જાન વિદાય નો સમય આવી ગયો હતો. કૈરવી ની બહેનપણીઓ કૈરવી ને મળી રહી હતી..દરેક ની આંખ મા આંસુઓ હતા. કૈરવીની આંખો પણ ભીની હતી. પ્રદ્યુમન રાય વ્હીલચેર મા દૂર એક જગ્યાએ બેઠા હતા..આંખ મા થી દડદડ આંસુ વહી રહ્યાં હતા. વિદાય નો પ્રસંગ જ એવો છે કે ગમે તેવો કઠણ બાપ હોય પણ દીકરી વિદાય વખતે તે મીણબત્તી ની માફક ઓગળી જતો હોય છે, જ્યારે આ તો પ્રદ્યુમન રાય હતા..પહેલે થી જ મૃદુ સ્વભાવ ના. કૈરવી અને નિનાદ ધીમે પગલે પ્રદ્યુમન રાય ની નજીક તેમના આશીર્વાદ લેવા આવ્યા. કૈરવી ની આંખો મહા પરાણે તેના આંસુ રોકી રહી હતી...પણ છેવટે તો તે દીકરી જ છે ને ? આંસુઓ નો બાંધ તૂટી પડ્યો... કૈરવી તેના પિતા ને વળગી પડી છે..આજે તે પ્રદ્યુમન રાય મા તેની માં ને પણ જોઈ રહી હતી..અને કેમ નહીં ? પ્રદ્યુમન રાયે માતા અને પિતા ની બેવડી ભૂમિકા ભજવી હતી..."પપ્પા..આવજો, હું જાઉં છું" આટલું વાક્ય બોલતાં બોલતાં તો તેને જાણે એમ લાગ્યું કે હજારો કિલો નો ભાર તેના માથે પડ્યો છે...જવાબ મા પ્રદ્યુમન રાયે ફક્ત તેનો ધ્રૂજતો હાથ ઉપર કર્યો. કઈં પણ બોલી શકવાની હાલત મા ક્યાં હતા પ્રદ્યુમન રાય ?..પોતાના બન્ને હાથ ઉપર કરી ને આશીર્વાદ ની મુદ્રા મા ધીરે થી પોતાનું મોઢું ઊંચું કરી ને કૈરવી ની સામે જોઈ લીધું..અને ત્યાં જ..નિનાદ ના શબ્દો કાને પડ્યા.."પપ્પા, આજે ફક્ત કૈરવી ની વિદાય નથી પણ આપની પણ વિદાય છે આ ઘર મા થી..." હવે સ્તબ્ધ થવાનો વારો કૈરવી અને પ્રદ્યુમન રાય નો હતો...આ શું બોલી ગયો નિનાદ ?..ત્યાંજ પાછળ થી જનાર્દન બક્ષી આગળ આવ્યા.."હું સમજાવું પ્રદ્યુમન રાય..આજે તમારે તમારી દીકરી ની સાથે જ વિદાય લેવાની છે.. આપણે બધા હવે એક જ ઘર મા રહીશું..તમારે પણ અમારી સાથે જ આવવાનું છે..મારે નિનાદ સાથે આ બારા મા ચર્ચા થઈ ગઈ છે"..પ્રદ્યુમન રાય ને હજી કઈં સમજાતું નહોતું.."પણ..પણ જનાર્દન ભાઈ, એ શક્ય નથી..આપની ભાવના અને આપના વિચારો માટે હું જિંદગીભર તમારો આભારી રહીશ...પણ.." અધવચ્ચે જ પ્રદ્યુમન રાય ને બોલતાં રોકી લીધા જનાર્દન બક્ષી એ.."પ્રદ્યુમન રાય, તમે જેમ આજે તમારા કાળજા ના કટકા સમી દીકરી નું દાન કર્યું છે ને તો એ હિસાબે આજથી નિનાદ પણ તમારો દીકરો થયો...અને બાપ દીકરા ને ઘરે જ સારો લાગે, પ્રદ્યુમન રાય..હું પણ એકલો છું..ભગવાન ની કૃપા થી ઘર મોટું છે..મને પણ એક મિત્રનો સાથ મળશે.. આપણે બન્ને ખૂબ આનંદ કરીશું અને રોજ સાંજે હું તમને વ્હીલચેર ઉપર બાગમાં લઈ જઈશ..બસ, હવે કોઈ સવાલ જવાબ નહીં..તમારી બેગ ભરી લ્યો..હજી આપણે આ બન્ને બાળકો પાસેથી ઘણી સેવા કરાવવાની છે"... કૈરવી અને પ્રદ્યુમન રાય તો સડક થઈ ગયા..આ શું સાંભળી રહ્યા હતા ?...અને કૈરવી તેના બન્ને પિતા ને વળગી ને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

આજે એક અનોખો પ્રસંગ હતો..અનોખી વિદાય હતી..કન્યા સાથે તેના પિતાની પણ વિદાય. ત્યાં હાજર રહેલા સહુ કોઈની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતાં..કદાચ જીવનના એક મહામૂલા પ્રસંગમાં હાજર રહેવાનું અને એક અનોખી વિદાય ને જોવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. જાન વિદાય લઈ ચૂકી હતી..અને ઘરની અંદરના મંદિરમા કાળીયા ભાઈ હજી પણ ઝૂલા ઉપર ઝૂલી ને તેમનું મીઠું મધુરું હાસ્ય વેરી રહ્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational