અનંત દિશા ભાગ - ૧૩
અનંત દિશા ભાગ - ૧૩
આપણે બારમાં ભાગમાં જોયું કે દિશા સ્નેહને મળી પણ ફરી એ સ્નેહની નજીક તો ના જ જઈ શકી. અનંતે દિશાને દિલાસો આપતા કહ્યું કે એ ફરી સ્નેહને પામી શકશે. આ તરફ અનંતનો જન્મ દિવસ આવી ગયો અને એની બંને મિત્રો વિશ્વા અને દિશા તરફથી પાર્ટીની માંગણી જુદી જુદી જગ્યાએ કરવામાં આવી. અનંત શું કરવું કે શું ના કરવું એ ચિંતામાં જ રહ્યો.
હવે આગળ...
જેમ જેમ સાંજ પડતી જતી હતી અને સમય નજીક આવતો જતો હતો તેમ તેમ મનની બેચેની વધતી જતી હતી. જાણે ખુશી ઓગળતી જતી હતી ! એ જ નહોતું સમજાતું કે દિશા આજે આટલી બધી મહત્વની કેમ બની હતી ? આમતો દરેક વખતે વિશ્વા હોય ત્યારે કોઈની પણ કમી ના લાગે, પણ આજે દિશાની કમી મહેસુસ થતી હતી.
સાંજે સાત વાગે વિશ્વાનો ફોન આવ્યો...
વિશ્વા: "તું તૈયાર છે ને ?"
હું: "હા, એક્દમ તૈયાર. કેટલા વાગે મળવું છે ?"
વિશ્વા: "હું સાડાસાત વાગે કારગિલ પહોંચી જઈશ, તું મોડું ના કરતો."
હું: "હા, ડિયર.. હું આવી જઈશ... તારે દિશા સાથે વાત થઈ ? "
વિશ્વા: "હા, વાત થઈ એ કોઈ મીટિંગનું કહેતી હતી, આમપણ એ નારાજ હતી."
હું: "નારાજ કેમ ? શું થયું ?"
વિશ્વા: "એ કહેતી હતી કે પહેલીવાર મેં અનંતને કહ્યું કે મારી સાથે મારી પસંદની જગ્યાએ આવ. પણ એણે મને ના પાડી. હવે હું ક્યારેય એને કંઇ કહીશ જ નહીં !"
હું: "અરે ડિયર ! તું તો જાણે છે ને કે મેં કેમ ના પાડી, તારે એને કહેવું જોઈએ ને. સમજાવવી જોઈએ ને !"
વિશ્વા: " એ બધું હું કેમ કહું, તારી ફ્રેન્ડ છે તું જાણે ને એ જાણે. મારે તૈયાર થવું છે, મોડું થાય છે હું ફોન મૂકું છું. જય શ્રી કૃષ્ણ.. "
હું: " ઓકે, જય શ્રી કૃષ્ણ... "
મારી સ્થિતિ તો બલીના બકરા જેવી થઈ ગઈ હતી. કોને સાચવવા કોને નહીં કાંઈજ સમજાતું નહોતું. આવીજ મનોસ્થિતી અને અવઢવમાં હું તૈયાર થવા લાગ્યો.
મેં તૈયાર થઈને વિશ્વાને ફોન કર્યો. વિશ્વાએ કહ્યું કે સાડા સાત વાગે મળવાની વાત થઈ હતી એટલે એ નીકળી ગઈ હતી. એણે મને ફટાફટ નીકળવાનું કહ્યું. હું ગાડી લઈને કારગિલ જવા માટે નીકળ્યો. થોડો લેટ થઈ ગયો હતો એટલે ખબર જ હતી કે આજે ફરી વિશ્વા મારો વારો લઈ લેશે.
ટ્રાફિક હતો એટલે થોડી વધુ વાર લાગી. વિશ્વા આતુરતાથી મારી રાહ જોતી ઊભી હતી. એ રાતની રોશનીમાં ખુબ જ સુંદર લાગતી હતી. જેવો ગાડી લઈને હું નજીક પહોંચ્યો કે બેસતા પહેલાજ મારી ઉપર તુટી પડી. મારે એને કહેવું પડયું કે પહેલા ગાડીમાં બેસી જા પછી આપણે લડીએ. એ ભાવુક થઈ ગઈ અને કહે કે,
"જ્યારે તું આટલી નજીક હોય છે ત્યારે ક્યાં મારાથી કઈ બોલી શકાય છે ! મારા જીવનમાં મારી મમ્મી પછી માત્ર તું જ છે, જે આટલી નજીક છે !"
મેં કહ્યું, "ડિયર હું જાણું છું."
પછી વાતાવરણ હળવું કરવા મેં કહ્યું, "પણ અમુકવાર મને તો મારી મમ્મી જેવી લાગે છે. હમેશાં ધ્યાન રાખતી અને બોલબોલ કરતી."
એ પણ આ વાતથી હસી પડી અને અને અમે કેપ્સિકમ રેસ્ટોરન્ટ જવા આગળ વધી ગયા.
કેપ્સિકમ રેસ્ટોરન્ટ પહોંચી ગાડી પાર્ક કરી અને અંદર જતા જતા લગભગ સવા આઠ વાગી ગયા હતા. વાહ ! કેવું કુદરતી આહ્લાદક વાતાવરણ. એક્દમ શાંત જગ્યા પર આવેલી હતી આ હોટલ અમદાવાદની ભીડભાડ અને દોડાદોડીવાળી જિંદગીમાં આવી શાંત જગ્યાઓ ભાગ્યેજ જોવા મળે. રાતના પ્રકાશમાં સુંદર રોશનીથી જગમગી રહ્યી હતી.
જેવા અમે અંદર પહોંચ્યા અંદરનું વાતાવરણ જોઈને કોઈપણ ખુશ થઈ જાય એવું વાતાવરણ હતું. એક તરફ સ્વિમિંગ પુલમાં નહાઇને બધા આનંદ કરી રહ્યા હતા તો બીજી તરફ ડીજેના તાલે ડિસ્કો કરી રહ્યા હતા. ત્યાં બીજી બાજુ નજર ગઈ તો સેલ્ફ સર્વિસ જમવાના કાઉન્ટર હતા. હું આ બધું જોવામાં વ્યસ્ત હતો ત્યાં વિશ્વા કોઈની સાથે કોલમાં વાત કરી રહી હતી.
એટલા માં જ ડીજેબંધ થયું અને ત્યાંથી જાહેરાત થઈ હેપી બર્થડે ટૂ મિસ્ટર અંનત, મેની મેની રીટર્ન્સ ઓફ ધ ડે. હું તો સરપ્રાઈઝ થઈ ગયો, આ જાહેરાત સાંભળીને ! હું કાંઈજ વિચારું એ પહેલાં તો વિશ્વા મને એક ટેબલ પાસે દોરી ગઈ. જ્યાં મારા નામ સાથે સરસ સજાવેલી કેક હતી. બધુંજ અનએક્સેપ્ટડ થઈ રહ્યું હતું. આટલા સરસ વાતાવરણ માં આવી જોરદાર તૈયારીઓ મારુ મન તો પ્રસન્નતા થી ભરાઈ ગયું !
ત્યાંજ એ ડીજેની જગમગતી રોશનીમાં એક ખીલેલો ચહેરો દેખાયો. દિશા, પતંગિયું... મારી મિત્ર. હું તો કાંઈજ બોલી ના શક્યો એક્દમ ચૂપચાપ રહી ગયો. અને એની સુંદરતા જોઈ જ રહ્યો. પિંક કલરનું લોંગ ટોપ એની સુંદરતા વધારી રહ્યું હતું. મારી ખુશી અનેકગણી વધી ગઈ હતી ! મને લાગ્યું કે જાણે મારો આ વખતનો જન્મદિવસ ખાસ થઈ ગયો હતો. કહોને કે એકદમ યાદગાર જ !
દિશાએ મારી સાથે હાથ મિલાવ્યો અને મને બર્થડે વિશ કરી. એના આ હળવા સ્પર્શથી શરીરમાં જાણે એક રોમાંચ દોડી ગયો. ત્યાંજ વિશ્વા એ ધ્યાન દોર્યું કે મોડું થાય છે, પહેલા આપણે કેક કાપવી જોઈએ. ફરી મેં ત્યાં ધ્યાન આપ્યું અને મીણબત્તી સળગાવી. ત્યાંજ ડીજેમાં બર્થડે સોંગ વાગ્યું અને મારા આ આજના દિવસને યાદગાર બનાવવા માટે જાણે ત્યાં હાજર બધાં લોકો જોડાયા હોય એવું લાગ્યું. અમે માત્ર ત્રણ હતાં પણ જાણે આખો પરિવાર હોય એવું લાગવા લાગ્યું. ત્યાં હાજર બધાના ભાવ જોઈ ને હું પણ ખુશ થઈ ગયો, અને મારી જિંદગીના યાદગાર દિવસમાં એક દિવસનો વધારો થઈ ગયો.
મીણબત્તીને બધાએ સાથે ફૂંક મારી બર્થડે ઉજવ્યો. કેક કાપી સૌથી પહેલાં મેં વિશ્વાને ખવડાવી અને એમાંથી જ દિશાને પણ ખવડાવી અને એ બંને એ મને પણ ખવડાવી. વિશ્વા ક્યારેય ખોરાક બગડે એમાં માનતી નહી, એટલે કેકથી મોઢું બગાડવાનો સવાલ જ નહોતો. પહેલેથી જ એ આવા જ વિચારો ધરાવતી હતી, કે અન્નનો બગાડ ના કરવો જોઈએ. ત્યારબાદ અમે મને વિશ કરવા આવેલા ત્રણ ચાર બાળકોને પણ કેક આપી. હું, વિશ્વા અને દિશા ત્રણે ખુબજ ખુશ હતા. મારા માટે તો આ દિવસ ખુબજ યાદગાર રહેશે...!!! કદાચ એવી પળો જે ક્યારેય ફરી પાછી ના આવે.
હું અને વિશ્વા વાતો કરી રહ્યા હતા, ત્યાંજ દિશા એક ગિફ્ટ પેકેટ લઈને આવી. દિશા અને વિશ્વા બંને તરફથી એ ગિફ્ટ હતી. અમે બધા એક તરફ ખુરશીમાં ગોઠવાયા અને મેં ગિફ્ટ ખોલી. મને ક્યારેય સસ્પેન્સમાં વધુ રહેવું ગમતું નહી. એટલે તરતજ ગિફ્ટ ખોલીને જોઈ લીધી. એક સુંદર વોલ પીસ હતો જે ખુબ જ પ્રેરણાત્મક હતો. બહું બધાં ફુલ, એક કુદરતી દ્રશ્ય અને બહુ બધાં પતંગિયાં. એમાં એક સુવીચાર હતો. "ઓલ્વેય્સ બી હેપી, ઓલ્વેય્સ વીઅર સ્માઈલ."
મને આ ગિફ્ટ ખુબ જ ગમી અને આ સુવિચાર પણ કે કોઈ પણ સંજોગોમાં ખુશ રહેવું અને હોઠો પર હમેશાં સ્મિત રાખવું. જે મારા માટે થોડું અશક્ય હતું.
મેં આ ગિફ્ટ જોઈ બંનેનો આભાર માન્યો. પણ મેં જોયું તો દિશા કોઈક ઊંડા વિચારોમાં ખોવાયેલી લાગી, જાણે કોઈ ચિંતા એને કોરી ખાતી હતી. એ હમેશાં મારી સાથે હોય ત્યારે હું એને ખુશ કરવા પ્રયત્ન કરું. પણ એ હમેશાં સ્નેહને લઈને, એની સાથેના સંબંધોને લઈને ચિંતિત રહેતી. હમેશાં હું એને સાથ આપવા પ્રયત્ન કરતો, પણ કદાચ હું એવો ક્યારેય નહોતો જે એને સમજી શકે. કહીએ તો થોડો એના માટે અયોગ્ય. છતાં હું મારો પ્રયત્ન કરતો રહેતો અને અમારો આ સંબંધ આગળ વધતો રહેતો.
મેં વિશ્વાને ઇશારો કર્યો. એ સમજી ગઈ શું વાત છે એટલે એણે તરતજ બાજી હાથમાં લીધી. એ અમને બંને ને ફૂડ કાઉન્ટર આગળ દોરી ગઈ. અમે ત્યાંથી જમવાનું લીધું અને ડીજેના તાલે અમુક કપલ તથા ભૂલકાઓ ડાંસ કરતા હતા તે જોતાં જોતાં અને વાતો કરતાં કરતાં જમવાનું પતાવ્યું.
આશરે રાતે સાડા દસ વાગે અમે હોટલમાંથી બહાર નીકળ્યા. અમે દિશાનેએસ.જી. હાઇવે પર ઉતારી. ત્યાં મેં પહેલેથી ઓલા બોલાવી રાખી હતી એમાં બેસાડીને દિશાને ગાંધીનગર તરફ જવા રવાના કરી. હું વિશ્વાને એના ઘરે મુકી મારા ઘર પહોંચ્યો. આવીને તરત ફ્રેશ થઈ મારા રૂમ માં ચાલ્યો ગયો. આજે તો હું ખુબજ થાકી ગયો હતો. પણ મેં કલ્પના પણ ના કરી હોય એવી રીતે મારો આજનો બર્થ ડે ઉજવાયો એની અનહદ ખુશી હતી.
હું સૂવાની તૈયારી કરતો હતો ત્યાંજ વિશ્વાનો મેસેજ આવ્યો કે એ પહોંચી ગઈ છે. મનમાં રાહત થઈ કે હાશ એ પહોંચી ગઈ. પણ એક વાત તો હતી વિશ્વા અને દિશા બંનેએ મળીને મારા જન્મ દિવસનું એક્દમ પરફેક્ટ પ્લાનિંગ કર્યું હતું. ત્યાંજ મારું મન બોલી ઉઠયું એ બંનેના મિત્રતાના આ અદ્ભુત સાથ બદલ.
એમના શબ્દો મારું દિલ જીતે
શું એ પૂરતું નથી ?
એમની યાદો મારા માટે સંભારણા બની
શું એ પૂરતું નથી ?
આ સફર એમના સાથથી જ યાદગાર બન્યો
શું એ પૂરતું નથી ?
આ જીવન મારું દીપી ઊઠ્યું
શું એ પૂરતું નથી ?
ત્યાં મારું જ મન બોલી ઉઠ્યું,
આ શબ્દો, આ યાદો, આ સાથ અને
આ અજવાળું જોઈએ મારે.
મારા અંત સુધી.
મનમાં વિશ્વા અને દિશાએ આપેલા વોલપીસને એ બંને જોડે સરખવતો હતો. ફુલ અને કુદરતની સૌંદર્ય એટલે જાણે મારું વિશ્વ મારી પ્રિય મિત્ર વિશ્વા, તો બીજી તરફ પતંગિયું એટલે મારી નટખટ મિત્ર દિશા. જાણે મારી રચનાની જેમ બંને મારી પાસે આવી ગયા. અને આમજ આજનો દિવસ ખુબજ યાદગાર પસાર થઈ ગયો. આવાજ વિચારોના વમળો માં ખોવાયેલો હતો ત્યાંજ મેસેજ ટોન વાગી.ઘડિયાર તરફ નજર કરી તો રાતના ૧૨:૩૦ થઈ ગયા હતા. મનમાં થયું અત્યારે કોનો મેસેજ હશે ? જોયું તો દિશાનો મેસેજ હતો. અને વિચાર આવ્યો, અત્યારે શું કામ હશે ? આમતો ક્યારેય આ રીતે મેસેજ મોકલતી નથી. તો અત્યારે એવુંતો શું કામ હશે !
અત્યારે એવું તો શું કામ હશે તો દિશા એ મેસેજ મોકલ્યો હશે ?
શું દિશાના મનમાં કોઈ વાત આવી હશે ?
ક્રમશ: