Rohit Prajapati

Drama Romance

5.0  

Rohit Prajapati

Drama Romance

" અનંત દિશા " ભાગ - ૧

" અનંત દિશા " ભાગ - ૧

7 mins
501


" અનંત દિશા "


આ વાર્તા એ "અનંત" ના જીવનમાં આવેલી એક સ્ત્રી મિત્ર અને એ સ્ત્રી મિત્ર સાથે જોડાયેલ લાગણીઓની છે. અનંતના વિચારો ને રજૂ કરતી આ વાત અનંતના જ શબ્દોમાં રકરીએ તો કદાચ વાંચવામાં મજા આવશે....


અનંત માત્ર નામ નથી, એ જિંદગીમાં પણ એવોજ અનંત રહ્યો છે..!! એનો પ્રેમ, સ્નેહ, લાગણીઓ, સાથ બધુંજ એ અનંત વિખેરે છે એટલેજ એ જ્યારે તકલીફમાં હોય ત્યારે દુ:ખ પણ અનંત હોય છે..!!!


તો આ જ અનંતના જીવનની અનંત સફર વાર્તામાં જાણે અનંત પોતે તમને કહી રહ્યો હોય એ જ રીતે રજૂ કરીએ...

આમ તો વાર્તા કાલ્પનિક છે, પણ બની શકે કે તમને વાંચતી વખતે વાસ્તવિકતાની નજીક લાગે...


" અનંત દિશા " ભાગ - ૧


આ શ્રાવણની ખુશનુમા સવાર. દરરોજ વરસતા આ આહલાદક વરસાદ ના ટીપાં અને આ માટીની ખુશ્બુ. આ, એ જ વાતાવરણ છે જે હમેશાં મારું પ્રિય રહ્યું છે !


આમતો આજે રવિવાર છે એટલે મારે રજા હોય, છતાં આજે વહેલા ઉઠી જવાયું. એક્દમ ઉંઘ ઉડી ગઈ. મન બેચેન થઈ ગયું ! ફરી એ દિવસો યાદ આવતા ગયા જે મારી જિંદગી છે ! જિંદગી ના એ જ તો યાદગાર પળ છે - હા, અમીટ યાદ કોઈની...... આ યાદ મારા વિતેલા ભૂતકાળની...!!!


મનમાં ફરી એ જ મનની વાત વહેતી થઈ...

બહું પ્રયત્ન કર્યો તારી યાદો ને ભુલાવવા માટે..!!

બહું પ્રયત્ન કર્યો તને સદાય માટે મારાથી દૂર કરવા..!!

પણ એટલો પ્રયત્ન તો ના જ કરી શક્યો જેટલો તને મારી સાથે જાળવી રાખવા કર્યો હતો...!!


આજે ફરી ફટાફટ તૈયાર થઈ ગયો. મમ્મી પણ ઘણીવાર મારું આવું વર્તન જોઈ આવાક થઈ જાય! આ એ જ "અનંત" છે કે જે કોઈવાર જાતે ઉઠે નહીં. અને આજે ફરી જાતે ઉઠી ને તૈયાર થઈ ગયો.


સમય બધું બદલી નાખે છે. કદાચ , એટલેજ મને આટલો બદલી નાખ્યો છે સમય સાથે......... આ વિચારતો હતો ત્યાંજ મમ્મી બોલ્યા "બેટા આજે રવિવાર છે, રજા નથી?"

મેં કહ્યું...... "હા, રજા છે પણ થોડું કામ છે. હું સાંજ સુધીમાં આવી જઈશ."


પીવા માટે પાણી લીધું અને બસ ફરી આ "અનંત", અનંત સફરે... એ જ જુની દિશા તરફ આગળ વધ્યો. હા, મારી ગમતી જગ્યા કે જ્યાં હું બધું ભૂલીને એકાંત નો આનંદ લઇ શકું, મારી સાથે વાત કરી શકું, મને સહાનુભૂતિ આપી શકું, મારી સાથે રમી શકું, હસી શકું, રડી શકું. જ્યાં મને કોઇજ રોકટોક ના હોય. હા, આ મારી પ્રિય જગ્યા એટલે રિવર ફ્રન્ટ. એ તરફ ગાડી લઈ આજે ફરી નીકળી ગયો.


ગાડીમાં હળવું મ્યુઝિક ચાલતું હતું પણ મન બેચેન હતું. પહેલા તો એકજ વાત હતી કે બસ રડી નાખું જોર જોરથી! હું આવો જ છું, બહારથી એક્દમ મજબૂત મનનો દેખાતો પણ અંદરથી તૂટેલો. મન હળવું કરવા મને આ એકજ રસ્તો દેખાતો.

વારંવાર મનને સવાલો, વિચારો, ઉદ્વેગો ઘેરી લેતા અને મન ફરીથી ઘોર નિરાશા માં ધકેલાઈ જતું!


કોઈ પોતાનું દૂર જાય ત્યારે વધુ દુ:ખ થાય...?

કે,

કોઈ પોતાનું સાથે હોવા છતાં આપણાથી અંતર બનાવે ત્યારે વધુ દુ:ખ થાય...?

આ જ તો નથી સમજાતું આ જીવન ચક્ર માં....


વાહ, મારી પ્રિય જગ્યા રિવર ફ્રન્ટ પર પહોંચી ગયો હતો. સવારનું આહ્લાદક, ખુશનુમા વાતાવરણ હતું...

આજે રવિવાર છે એટલે ચહલ પહલ ઓછી હતી એટલે સૌથી પહેલા મેં મારું કામ પતાવ્યુ...!!!

હા, એ જ કામ! ગાડીમાં એસી અને મ્યૂઝિક ચાલુ કરી જોર જોરથી રડવાનું. આ મારું પ્રિય હતું. જ્યારે પણ મન, દિલ કોઈ વાતથી આહત થાય ત્યારે એકાંત શોધી જોર જોરથી રડી લેવાનું અને ફરી દુનિયા માટે એ જ બ્રેવ અનંત બની જવાનું...


ખુબ સમજવી મુશ્કેલ છે આ સંબંધોની માયાજાળ...

ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે એવી આ માયાજાળ...!

ક્યારેક થાય ચલાવી લઉં એના વગર આજીવન...

ક્યારેક થાય એ જ તો છે મારું આખું જીવન...!

સમજી શક્યો નથી ક્યારેય આ સંબંધો ની વાત...

આ સંબંધોને હું નથી લાયક એવું લાગ્યું એ વાત...!!!


બસ આ મારું રડવાનું, લાગણીઓના ઉભરા ઠાલવવાનુ કામ પૂર્ણ કર્યું.

પાણી તો પડ્યું જ હતું ગાડીમાં, મોઢું ધોઈ નાખ્યું એ પાણીથી, રૂમાલથી મોઢું સાફ કર્યું અને ગાડી લોક કરી રિવર ફ્રન્ટ ના બાંકડા પર બેઠો.

સવારની આ શીતળતા અને સવારની તાજગી ભરવા બધાં રિવર ફ્રન્ટ ઉપર સવાર સવારમાં ચાલવા, દોડવા માટે આમતેમ આંટા મારી રહ્યા છે.


થોડા સીનિયર સિટીઝન બાંકડા ઉપર બેસી વાતો કરી રહ્યા છે, જાણે જુની યાદો તાજી કરી જિંદગીમાં એક નવી આશા સાથેનો દિવસ ઉમેરી રહ્યા છે!

પંખીઓ સવાર સવારમાં કલરવ કરી વાતાવરણને જાણે જીવંત બનાવી રહ્યા છે!

આ આસપાસ ની ઘટનાઓ જોઇ જાણે હવે હું શાંત થયો. જ્યારે પણ મન ઉદ્વેગોથી ભરાઈ જતું, હું અહીં આમ જ મારો સમય પસાર કરવા આવી જતો.


એક્દમ ઠંડો ઠંડો પવન મારી બાજુમાંથી પસાર થઈ રહ્યો છે, જાણે એની લાગણીઓ મને એના આલિંગનમા સમાવી રહી છે!

હા આજે ફરી મને એની યાદો ના ઉદ્વેગો એ ઘેરી લીધો છે... "દિશા"... આ જ નામ છે એનું "દિશા". આહ ! આ નામ લેતાજ હૃદય તેજ થઈ જાય છે અને શ્વાસની ગતિ વધી જાય છે!

ફરીથી એ વિતેલા યાદગાર, અદ્ભુત, અવિસ્મરણીય દિવસો યાદ આવી ગયા! અને એ ઘટનાઓ, પ્રસંગો, યાદો ફરી તાજા થઈ ગઈ. ફરી એકવાર ભૂતકાળમાં સરી પડાયું...!


"દિશા".... એની સાથેની એ પહેલી મુલાકાત ! આ મુલાકાત મારી એક મિત્ર ના કારણે થઈ હતી. આમતો અવાર નવાર એના વિષે સાંભળ્યું હતું પણ મુલાકાત તો પહેલી વાર ત્યારે જ થઈ. એ ઘટના મારી સામે જાણે આજે ફરી ઘટી રહી છે !


એ દિવસે પણ મારે રજા હતી એટલે હું ઘરે હતો.

મારી એક સ્ત્રી મિત્ર વિશ્વાનો ફોન આવ્યો, "અનંત મારે એક મદદ જોઈએ"

મેં કહ્યું, "બોલને યાર ક્યારેય મેં ના પાડી છે, કામ શું છે એ ખાલી કે".

એ બોલી, "મારે મારી એક મિત્ર ના ત્યાં જવું છે, પ્લીઝ ડ્રોપ કરી દઈશ"

મેં કહ્યું "હા.. હા... કેમ નહીં બોલ ક્યારે અને ક્યાં જવું છે?"

એ બોલી, "એક કલાક પછી, ગાંધીનગર સેક્ટર 12".

મેં કહ્યું, "ઓકે, ક્યાંથી પિક અપ કરું?"

એ બોલી, "સોલા, કારગિલ પેટ્રોલ પંપ"

મેં કહ્યું "હા હું પહોંચી જઈશ".


આ વાત પુર્ણ થતાંજ હું નીકળવાની તૈયારીમાં પડ્યો. વિશ્વા સોલા રહેતી હતી અને હું ગોતા.

હું ફટાફટ તૈયાર થતો જ હતો ત્યાંજ ફરી ફોનની રીંગ વાગી. જોયું તો પપ્પા હતા, મેં ફોન રિસીવ કર્યો. "ફટાફટ તું ક્લિનિક પર આવ મારી તબિયત સારી નથી".

મેં કહ્યું "હા પપ્પા હું આવું છું".

તરતજ હું ક્લિનિક પર પહોંચ્યો. પપ્પાનું મેડિકલ ચેકઅપ થતું હતું. ચેકઅપ પુર્ણ થતાં જ મેં ડોક્ટર ને પૂછ્યું... "શું થયું સાહેબ?"

ડોક્ટર ,"કઈ ખાસ નથી આ તો ગરમી વધુ છે એટલે બીપી વધી ગયું હતું. હવે નોર્મલ છે".


ત્યાંજ મોબાઇલમાં રીંગ વાગી, જોયું તો વિશ્વા. હવે મારો વારો હતો. એટલે મારા બીપી વધવાનો ! મેં બહાર જઈ કોલ ઉપાડ્યો. ત્યાંજ....

એ વરસી પડી "ક્યાં છે તું? આ ગરમીમાં રાહ જોવું છું તારી, તું કેમ ક્યારેય સમયસર આવતો નથી? તને મારી કોઈ પડી જ નથી ! "

મેં કહ્યું "ઇમરજન્સી ... પપ્પા ની તબિયત સારી નહોતી, ક્લિનિક ગયા હતા, તું શાંત થા, પાણી પી, હું અડધા કલાકમાં આવ્યો."

એણે ઓકે કહી ફોન કટ કર્યો ત્યારે જીવમાં જીવ આવ્યો.

ઘરે પપ્પાને ઉતાર્યા અને હું, અનંત... ફરી એક સફરમાં નીકળી પડ્યો...


મને ખાસ યાદ છે એ 16 ફેબ્રુઆરી 2013.....


હું ફટાફટ કારગીલ પેટ્રોલ પંપ પહોંચ્યો ત્યાં વિશ્વા મારી રાહ જ જોતી હતી.ગુસ્સામાં હતી. એક્દમ વરસી પડી... તું આમ, ને તું તેમ.... હું બસ એની સામુ જોતો જ રહ્યો.... હવે એનું મન શાંત થઈ રહ્યું હતું... એટલે મેં કહ્યું "ચાલો જઈએ, આમ પણ મોડું થઈ ગયું છે!" એને મારા બાઇક પાછળ બેસાડી ગાંધીનગર જવા નીકળ્યો.


આજ આ ઠંડા પવનમાં એની યાદ આવી,

એ અમારા મીઠા સંબંધની વાત યાદ આવી,

કેવી કલરવ કરતી એ મારી સાથે એ યાદ આવી,

જિંદગીની એ યાદગાર પળો જાણે યાદ આવી...


આ બાઇક ની રાઇડ પણ મજાની હોય છે. એમાં પણ કોઈ મિત્ર સાથે હોય ત્યારે તો એ મજા બેવડાઈ જાય છે...!!!

આ વિશ્વા ખરેખર તો મારું વિશ્વ જ છે! મારું સુખ, દુખ, મારી ખુશી, ઉદાસી બધું એ પળવારમાં સમજી જાય. એટલેજ વધુ સાચવું એને. કોઈવાર એને દુ:ખી ના કરું, એવો જ પ્રયત્ન હોય..!!

જૂની યાદો અને વાતો કરતા કરતા અમે પહોંચવા આવ્યા હતા ગાંધીનગર, ત્યાંની હરિયાળી જોઈને હંમેશા મન ખુશ થઈ જતું.

ગાંધીનગર એટલે હરિયાળી માટે પ્રખ્યાત અને ભૂલ ભૂલામણા રસ્તાઓ માટે કુખ્યાત શહેર.


ફાઇનલી અમે પહોંચી ગયા સેક્ટર 12, દિશા પણ બહાર રોડ ઉપર રાહ જોઈને ઊભી હતી..

દિશા "કેમ વિશ્વા આટલી લેટ?"

વિશ્વા "મળો આ મહાશય અનંત ને, આ એમની જ મેહરબાની છે."

વિશ્વા ની આ વાત સાંભળી બધાં હસી પડ્યા..!!!

વિશ્વા એ મારો ઇન્ટ્રો કરાવ્યો દિશા સાથે.

હું તો બસ દિશા સામે જ જોઇ રહ્યો થોડા પળ! એની અણીયારી આંખો, એનું એ હોઠ પરથી વિખેરાતું સ્મિત, કાળા લાંબા વિખેરાયેલા વાળ જે ગાલ ને સ્પર્શી રહ્યા હતા, ખુબ અદ્ભુત સૌંદર્ય હતું એ! થોડી શ્યામ પણ જાણે શ્યામ ની શ્યામા હોય એવી મુખ પર તેજસ્વીતા...!!!

ત્યાંજ વિશ્વા બોલી, "ઓયે મિસ્ટર શું છે આ બધું, લાઇન મારે છે કે શું? મારી બેસ્ટી પર આમ નજર ના નાખ!"

ત્યાં ફરી બધાં હસી પડ્યા. આમપણ આ વિશ્વા મને ગમે તે બોલી નાખે એવી પાગલ જ છે, અને ખુબજ લાગણીશીલ પણ..!!


વાતવાતમાં જાણવા મળ્યું કે દિશાની ઉમર 30 વર્ષ છે અને હજુ લગ્ન નથી કર્યા.

સવાલ થયો કેમ ? પણ મનમાં જ રોકાઈ ગયો સવાલ..

ત્યાંજ મનમાંથી એક સાંભળેલી રચના સરી પડી...


તારી નિખાલસ ખુશીમાં મારે ખોવાવું છે,

તારા સપના ના દરિયામાં મારે ખુશ રહેવું છે..!!

તું જ મારી જિંદગી, તું જ મારી જીવનની ખુશી,

એટલેજ તો સમયની સાથે તને ખુશ જોવી છે..!!

સંબંધો નિભાવવામાં ભલે આવે ભરતી અને ઓટ,

પ્રોમિસ છે ક્યારેય મારા પ્રેમમાં નહીં આવે ખોટ..!!


આમ તો છૂટા પડવાનું મન નહોતું પણ પડવું પડયું. બહુ દિવસ પછી આટલો સ્નેહ ભર્યો સાથ મળ્યો હતો, એમાં પણ દિશા જાણે સોને પે સુહાગા..!!


ત્યાંથી પાછા ફરતાં ફરતાં રસ્તામાં આજની બનેલી ઘટનાઓ વાગોળતો હતો અને એમાં પણ દિશા જાણે જીવનની કોઇ દિશા આપવાની હોય એમ મનમાં હજુ ફરતી હતી... એનું અદ્ભુત હાસ્ય અને સહજતા હજુ પણ હું મહેસૂસ કરી રહ્યો હતો...


*****


Rate this content
Log in