urvashi trivedi

Drama Tragedy Thriller

4  

urvashi trivedi

Drama Tragedy Thriller

અમર પ્રેમ

અમર પ્રેમ

14 mins
108


અમર અને સમીર નાનપણથી મિત્રો હતા. ત્રણેય ના ઘર બાજુબાજુમાં હતા. આથી બાલમંદિરથી તેઓ સાથે જતાં અને આવતા. સાથે લેશન કરતાં સાથે રમતા. મોના અને અમરનો સ્વભાવ નરમ પણ સમીરનો સ્વભાવ ખુબજ તેજ. તેને જોઈતી વસ્તું લઈને જ જંપે. સ્કૂલમાં પણ અમર અથવા મોનાને કોઈએ હેરાન કર્યાં હોય તો તેની સાથે ઝગડીનેજ જંપે. ત્રણેય બાળકો ધીમે ધીમે મોટા થવા લાગ્યા.

હસતા રમતા ત્રણેય બાળકો એ 12th સાયન્સ ખુબ સારા ટકા લઈને પાસ થયા. હવે આગળ કઈ લાઈનમાં આગળ વધવું તેની ચર્ચા કરવા લાગ્યા. સમીરના ફોઈ અને મામા અમેરિકામાં રહેતા હતા. અને જ્યારે પણ ભારત આવે ત્યારે અમારા અમેરિકામાં આવુ હોય અમેરિકામાં તેવું હોય. નાનપણથી અમેરિકાની જાતજાતની વાતો સાંભળીને સમીરને અમેરિકાનો મોહ લાગેલો હતો આથી તેણે અમેરિકા જઈને આગળ અભ્યાસ કરવા નું વિચાર્યું. મોના અને અમરે અમદાવાદમાં જ રહી ને કમ્પ્યુટર એન્જીનીયરીંગમાં એડમિશન લેવાનું વિચાર્યું.

સમીર અમેરિકા ભણવા જતો રહ્યો ત્રણેય નાનપણથી સાથે હતા એટલે સમીર ને ત્યાં ના વાતાવરણ માં સેટ થતાં થોડો ટાઈમ લાગ્યો. એને ત્યાં જઈને મોનાની યાદ વધારે આવવા લાગી. મોનાથી છુટા પડ્યા પછી એને મોના સાથે વિતાવેલા દિવસો યાદ આવ્યા કરતાં હતા. હવે તેને લાગતુંં હતુંં કે તે મોનાના પ્રેમમાં છે. પણ હવે સ્ટડી પુરી કરીને પછીજ ભારત જઈ શકશે. કારણ તેના મમ્મી પપ્પા પણ અમેરિકા શીફ્ટ થઈ ગયા હતા.

અમર અને મોના ની કોલેજ પણ ચાલુ થઈ ગઈ હતી બંને સાથે જ કોલેજ જતા આવતા. ધીમે ધીમે બંનેની દોસ્તી એ ક્યારે પ્રેમનું રૂપ લઈ લીધું એ બેમાંથી એકેયને ખબર ન પડી. આખી કોલેજ કેમ્પસમાં પ્રેમી પંખીડાં તરીકે ફેમસ થઈ ગયા હતા. બંનેનાં ઘરના ને પણ બંનેના પ્રેમની ખબર હતી. અને ઘરનાને પણ કોઈ વાંધો નહોતો. આથી બંને પ્રેમી પંખીડા મુક્ત મને આકાશમાં વિહરતા હતા એમને એમ ત્રણ વર્ષ ક્યાં નિકળી ગયા ખબર જ ન પડી. મોના અને અમરે બંને વચ્ચે ના પ્રેમની વાત સમીર ને નહોતી કરી. સમીર ને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. સમીર સાથે બંનેની રોજ વાતો થતી. એક બીજા ના કોલેજના અનુભવો શેર કરતાં. સમીર પણ મોના સાથે રોજ વાતો કરતો પણ મોના ને તે પ્રેમ કરે છે તેમ કહી નહોતો શકતો.

અમર અને મોનાના ઘરના એ સારું મુહુર્ત જોઈને બંને ની સગાઈ કરી નાખવાનું વિચાર્યું. અમર અને મોનાએ તરતજ સમીર ને ફોન કરીને બને એટલી જલ્દી આવવાનું કહ્યું અને તારા માટે એક મોટી સરપ્રાઈઝ છે તુંં આવ પછી તને જણાવીશું. સમીર ફોન માં મોના એ કહ્યું કે સરપ્રાઈઝ છે તે સાંભળીને ખુશખુશાલ થઈ ગયો વિચારવા લાગ્યો કે કદાચ મોનાને પણ મારી સાથે પ્રેમ થઈ ગયો હોય અને સરપ્રાઈઝ આપી ને પ્રેમ નો એકરાર કરવો હોય. એવું વિચારી પહેલી ફ્લાઈટની ટિકિટ લઈ અમદાવાદ પહોંચી ગયો.

અમર અને મોના સમીર ને મળી ને ખુબ આનંદ માં આવી ગયા અમરે સમીર ને પોતાના ઘરે ઉતારો આપ્યો હતો. કારણ સમીરનું મકાન તો હતુંં પણ તેના મમ્મી પપ્પા પણ અમેરિકા શિફ્ટ થઈ ગયા હોવાથી સમીર ને પોતાના ઘરે લઈ ગયો. ત્રણેય જણા જમી કરી ને ફરવા નિકળ્યા. સમીર ને તો મોનાનું સરપ્રાઈઝ શું છે તે જાણવાની ઉતાવળ હતી. તેથી તેણે અધિરાઈ થી પૂછ્યું મોના અને અમર સરપ્રાઈઝ શું છે તે તો કહો મોના અને અમર ખડખડાટ હસી પડ્યા અને કહ્યું યાર આપણી દોસ્તી હવે રિસ્તેદારીમા બદલાઈ જવાની છે. આ મોના તારી ભાભી થવાની છે. અમરનું આ વાકય સાભળતાંજ સમીર ના પેટ માં તેલ રેડાયું. અમરની સામે ગુસ્સે થતા કહ્યું મારાથી આટલી મોટી વાત છુપાવી. તને જરાપણ શરમ ન આવી. હવે જ્યારે તમારી સગાઈ નક્કી થઈ ગઈ પછી જણાવ્યું તો હું કંઈ થોડો મોના ને કિડનેપ કરી જાત. એટલું કહેતાં સમીરની આંખોમાં પાણી આવી ગયા. અમરે અને મોના એ ખુબ મનાવ્યો ત્યારે કંઈક મુડમાં આવ્યો.

સમીર ને અમર અને મોના ની સગાઈ થવાની છે તે જાણી ને ગુસ્સો તો બહુ આવ્યો હતો. તેના સપના નો મહેલ પળભરમાં પત્તા નો મહેલ બની ચકનાચૂર થઈ ગયો. કદી હાર ન માનનાર સમીર ની કફોડી હાલત થઈ ગઈ હતી. તેને જે વસ્તું જોતી હોય તે લઈને જ જંપતો. પણ હવે શું કરવું તેનુ સ્વપ્ન ધ્વંસ કરનાર પોતાનો બાળપણ નો જીગર જાન મિત્ર જ નિકળ્યો. પણ સમીર એમ પોતાની વસ્તું આસાનીથી કોઈ ને આપે તેમ ન હતો અને એ પણ પોતાનો પ્રેમ, ક્યારેય ન બને. તેણે મગજમાં આખો પ્લાન ગોઠવી લીધો. અને પોતે ખુબ જ ખુશ છે તે દેખાડવા લાગ્યો.

સમીર અને અમર બંને નો રૂમ ઉપર હતો. સમીર નીચે આવીને અમર ના મમ્મી પપ્પા સાથે વાતોએ વળગ્યો અને વાત વાત માં પોતે ઈન્ડિયા માં છે ત્યાં સાથે સાથે બંને ના લગ્ન કરી નાખો તો હું લગ્ન માણી ને જાઉ. અમર ના માતા પિતા ને સમીરની વાત સાચી લાગી અને મોનાના માતા પિતા ને મળી ને સગાઈની સાથે સાથે લગ્નની ડેટ પણ ફિક્સ કરી નાખી. ત્રણેય સગાઈની ખરીદી કરવા સાથે જતાં. મોનાને બધી પોતાને ગમતી વસ્તુંઓ લેવડાવી. મોના એ પણ એસ અ ફ્રેન્ડ એડવાઈઝ સમજી સમીરનું માન રાખી લઈ લીધી. અમર ને પણ પોતાની પસંદગીના કપડાં લેવડાવ્યા.

સગાઈ ને દિવસે મોના ખુબ જ ખુબસુરત લાગતી હતી જાણે આકાશમાંથી કોઈ પરી ધરતી પર આવી ગઈ હોય. અમર પણ ખુબ જ સુંદર લાગતો હતો. સમીર તો મોનાને જોતોજ રહી ગયો. સમીરે નજર હઠાવી લીધી. અને મહેમાનો સાથે ગપ્પાં મારવા લાગ્યો. અમર અને મોનાની સગાઈ ખુબ જ ધામધૂમથી પતી ગઈ. હવે લગ્નની તારીખ સાવ નજીક હોવાથી બધા લગ્નની તૈયારીમાં લાગી ગયા. લગ્નની ખરીદી કરવા પણ ત્રણેય સાથે જતાં. બધી ખરીદી લગભગ સમીરની ચોઈસની કરી સમીરનું આટલું ઈનવોલ્વમેન્ટ અમર અને મોના ને કઠતું પણ ફ્રેન્ડ સમજી ને મન મનાવી લેતાં.

લગ્ન નો દિવસ પણ આવી ગયો સમીર જાનમાં અમર સાથે આવવાનો હતો બંને ના ઘરો તો સાવ નજીક જ હતા, પણ મોનાના પપ્પાએ લગ્ન સ્થળ માટે એક હોલ બુક કરાવ્યો હતો. જે થોડો દૂર હતો અમર ની જાન બેન્ડવાજા સાથે નીકળી અમર ઘોડા ઉપર શોભી રહ્યો હતો. સમીર જાનૈયાઓ સાથે નાચવામા મશગુલ હતો.

મોના પણ દુલ્હનના વેશમાં સજી ધજી ને તૈયાર બેઠી હતી, મોના સુંદર તો હતી જ પણ દુલ્હન ના વેશ એકદમ મનમોહક લાગી રહી હતી. બેન્ડવાજા નો અવાજ અને ફટાકડા ફોડવાનો અવાજ સાંભળી તેને ખ્યાલ આવી ગયો કે જાન નજદીક આવી પહોંચી છે. તે બારીમાંથી અમરને જોવા લાગી અમર કેટલો સોહામણો લાગતો હતો. અને સમીર પણ કેટલો મનમૂકીને નાચી રહ્યો છે. તેને પોતાના દોસ્ત ઉપર ગર્વ થયો.

નાચતા નાચતા જાન ધીમે ધીમે આગળ વધતી હતી ત્યાં અચાનક ઘોડો ભૂરાયો થયો અને અમર ને નીચે પાડી નાખ્યો. અમર ઊભો થવા ગ્યો ત્યાં તો ઘોડાએ બંને પગ અમરની છાતી ઉપર જોરથી મુકી દીધા. અમરનુ પ્રાણ પંખેરૂ એને એ ઘડીએ ઊડી ગયું. પળવારમાં તો ખુશી શોકમાં પલટાઈ ગઈ અમરના માતા પિતા તથા સૌ જાનૈયાઓ હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. બારીમાંથી મોના હોશે હોશે અમરને જોતી હતી તે તો ત્યાં ને ત્યાં બેભાન થઈ ગઈ. સર્વત્ર હાહાકાર મચી ગયો, સમીર અમરના મમ્મી પપ્પા ને સંભાળતો હતો. અમરના મમ્મી બેહોશ થઈ ગયા હતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા મોના ને પણ ભાનમાં લાવવાની કોશિષ કરી પણ તે ભાનમાં ન આવી, તેથી તેને પણ હૉસ્પિટલમાં દાખલ કરવી પડી. અરમાન ભરેલા અમરનો આત્મા ઘડીક માં તેના પપ્પા પાસે જાય શાંત કરવાની કોશિશ કરે પણ હવામાં હાથ વીંઝતો રહી જાય ઘડીકમાં મમ્મી પાસે જાય, મમ્મી રડ નહી હું તારી પાસે જ છું બોલતો રહે પણ મમ્મીને સંભળાય તોને. મોના ને જોઈને દુઃખી થાય. મોના ના તો મગજ પર અસર થઈ ગઈ તી તે સતત બબડાટ કરતી હતી. મમ્મી જાન માંડવે આવી ગઈ છે હાર ક્યાં રાખ્યો છે મારે અમરને હાર પહેરાવવા જવું છે સાંભળી અમરની આંખમાંથી આસું વહેતા હતા પણ કોઈ જોઈ નહોતુંં શકતુંં. સમીર પણ ઘડીક મોના પાસે ને ઘડીક તેના મમ્મી પપ્પા પાસે દોડાદોડ કરીને બધાને શાંત પાડવાની કોશિશ કરતો હતો અમરને આ જોઈને સમીર ને શાબાશી દેવા લાગ્યો પણ સમીર સુધી અવાજ પહોંચે તો ને.

હૈયાફાટ રુદન સાથે અમર ની સ્મશાન યાત્રા નીકળી અમર નો આત્મા પણ આ જોઈને દુઃખી થતો હતો તેના ઉઠમણા માં પુષ્કળ માણસો આવ્યા હતા. ઉઠમણા પહેલાં સવારે સમીર ને મળવા ઘોડાવાળો વેશ બદલીને આવ્યો હતો. સમીર ઘોડાવાળાને ઘરની પછવાડે લઈ ગયો, અમર ને નવાઈ લાગી તે પણ તેની પાછળ ગયો. સમીરે ઘોડાવાળાને જે કહ્યું તે સાંભળી ને અમરનો આત્મા તડપી ઉઠ્યો. અમરને પોતાની દોસ્તી પર નાઝ હતો તે પળવારમાં ખતમ થઈ ગયો. સમીરે ઘોડા વાળાને પૈસા આપીને શાબાશી આપી ને કહ્યું કે મારી એક ચાલ તો કામયાબ થઈ તે સારું કામ કર્યું મારા રસ્તામાંથી કાટાને કાઢીને હવે બાકીના પૈસા તને અઠવાડિયા પછી આપીશ. અને ધ્યાન રાખજે તને કોઈ ઓળખી ન જાય.

અમરે સમીર ને કેટલા મુક્કા માર્યા પણ બધા સમીર ના શરીર ની આરપાર નીકળી ગયા.

હવે સમીર તેની બીજી ચાલ ચાલવા મોનાના ઘરે ગયો મોનાના ઘરના તો આ બનાવથી એટલા ડઘાઈ ગયા હતા કે શું કરવું કે શું ન કરવું તેની સમજ નહોતી પડતી. સમીરે મોનાની મમ્મીને સમજાવ્યુ કે તમારે મોના ને અમરની મમ્મી પાસે લઈ જવી જોઈએ. મોનાની મમ્મીને થયુ સાચું છે મારે મોનાને ઉઠમણામાં લઈ જવી જોઈએ. મોનાની મમ્મી મોનાને લઈને ઉઠમણા મા ગયા. મોનાને જોતાજ સમીર ના મમ્મીને સમયસ્થળનું ભાન ન રહ્યું અને કહેવા લાગ્યા કપાતર મારા દીકરા ને ઘરમાં આવ્યા પહેલાં ખાઈ ગઈ હવે શું લેવા આવી છો અમને પણ મારી નાંખ એટલે તારા જીવને શાંતિ થાય. મોના તો આવા વચનો સાંભળી ત્યાં ને ત્યાં બેભાન થઈ ગઈ. મોના ના ઘરના પણ અવાચક થઈ ગયા. મોનાને સીધા હૉસ્પિટલ લઈ ગયા. સમીર મનોમન હરખાતો હતો તેની બીજી ચાલ પણ સફળ થઈ. આટલા અપમાન પછી મોનાના ઘરના અમરના ઘરના સાથે ક્યારેય સંબંધ નહી રાખે.

અમરનો આત્મા જોતોતો સાંભળતોતો તડપતોતો માથા પછાડતોતો પણ વ્યર્થ તેને કોઈ જોઈ નોતું સાભળતું નોતું મહેસૂસ નોતું કરતુંં .તેણે ભગવાન ને પ્રાર્થના કરી હે ભગવાન મને એટલી શક્તિ દે કે મારા ખુની ને સજા દેવડાવી શકુ અને મોનાને એની ચુંગલમાંથી છોડાવી શકું. તે રોતો રોતો મોનાની પાસે ગયો. મોના હજી બેભાન હતી તેણે હળવેકથી મોનાના માથા માં હાથ ફેરવ્યો મોના અમર અમર કરતા બેઠી થઈ ગઈ એના મમ્મી દોડી ને આવ્યા શું છે બેટા કરીને રડવા લાગ્યા મોનાએ કહ્યું મમ્મી અમર અહીં જ છે મારી પાસે જ છે. મમ્મીને એમ કે મારી દીકરી અમર ના ગમમા બાવરી બની ગઈછે તેથી આવુ બોલે છે.

રાત્રે મોનાની મમ્મી સૂઈ ગયા પછી અમરે મોનાને પ્રેમથી ઉઠાડી. મોનાએ અમરનો સ્પર્શ મહેસૂસ કર્યો. આંખો ખોલી ને જોયું તો સામે અમર બેઠો હતો અમર ને જોઈને મોનાની આંખોમાંથી આસું વહેવા લાગ્યા. અમરે મોના ને સમીર ની વાત કરી. હું મરી ગયો હતો તે અકસ્માત નહોતો ઘોડાવાળાને પૈસા આપી ને મને મરવી નાખ્યો હતો ઘોડાવાળાએ ઘોડા ને જોરથી ચાબુક મારી અને એકદમ લગામ ખેંચી જેથી ઘોડો બેકાબુ થયો. અને હુ કંઈ વિચારું એ પહેલા બંને પગ મારી માથે મુકી દીધાં. મારા શરીરમાંથી આત્મા તો નીકળી ગયો પણ જીજીવિષા ને હિસાબે અહીં તહીં ભટક્યા કરુ છું,

સમીરે મને મરવી ને તારી સાથે લગ્ન કરવાની ચાલ રમી છે. તેને ખબર હતી કે મારા મમ્મી જુની વિચાર ધારા મા જીવે છે શુકન અપશુકન મા માને છે. તેથી તને જોઈને ચિડાય જશે તેથી તને પરાણે ત્યાં લઈ આવ્યો જેથી મારી મમ્મી આખા સમાજ ની સામે ચિડાય અને અપશુકનિયાળ કહે જેથી ભવિષ્યમાં પણ તારો હાથ જાલવા કોઈ રાજી ન થાય.પછી સમીર તારા મમ્મી પપ્પા સામે તારા હાથની માંગણી કરે. જેથી ખુશી ખશી હા પાડે અને તુંં પણ આખી જિંદગી એના અહેસાન નીચે દબાયેલી રહે.

મોના તો સમીર નુ આવુ રૂપ જોઈને દંગજ રહી ગઈ. તેની આંખોમાંથી આસું સુકાવાનુ નામ જ નહોતા લેતાં. સમીર માટે તેને કેટલું માન હતુંં. અમર નો આત્મા ભટકતો ન હોત તો સમીર નો કૃર ચહેરો ક્યારેય સામે આવ્યો ન હોત. સમીર ને પકડીને જેલમાં નાખવોજ પડશે. તેને તેના કર્મની સજા મળવીજ જોઈએ.

જ્યારે ઘોડાવાળો સમીર ને મળવા આવ્યો હતો ત્યારે અમરે એનો પીછો કરી ને તે ક્યાં રહે છે તે જાણી લીધું હતુંં. સવારે મોના ઊઠી ત્યારે એકદમ ફ્રેશ જોઈને તેની મમ્મીને નવાઈ લાગી અને સારું પણ લાગ્યું કે ચાલો ધીરેધીરે મારી દીકરી આઘાતમાંથી બહાર આવી રહી છે. સવારે ફ્રેશ થઈ મોનાએ એની મમ્મીને કહ્યું હુ થોડી વાર બારે લટાર મારી આવું? ડૉકટર અંકલે પણ છૂટ આપી છે અને આજે ઘરે જવાની હા પાડી છે. તું બધો સામાન પેક કર ત્યાં હું હમણા આવી જઈશ. કહી એ અને અમર બંને ઘોડાવાળાના ઘરે ગયા. એક સરસ મજાની છોકરી ને મારુ શું કામ હશે? ઘોડાવાળો વિચારવા લાગ્યો .તેણે મોનાને પુછ્યું કે શું કામ છે તમે શાને માટે આવ્યા છો. મોના એ કહ્યું જુઓ થોડા દિવસ પહેલાં તમારા ઘોડા ના કારણે એક માણસનું મૃત્યુ થયું હતુંં. હું તેની તપાસમાં આવી છું સી બી આઈ એ કેસ મને સોપ્યો છે. મે લગ્નની CD જોએ છે તેમાં તે ઘોડા ની લગામ જોરથી ખેંચી છે તે પણ છે અને ઘોડા ને જોરથી ચાબુક મારી તે પણ છે. આથી તારી પાસે તપાસ કરવા આવી છું. તે શા કારણથી આવું કર્યું શું તને તેની સાથે કંઈ વેર હતુંં કે કોઈના કહેવાથી પેલા માણસનું ખુન કર્યું. ઘોડાવાળાને તો આવા અચાનક પોતાની ઉપર આવેલા ખુનના આરોપથી પરસેવે રેબઝેબ થઈ ગયો ડર ના માર્યા તેનુ શરીર ધ્રુજવા લાગ્યું. મોનાએ કહ્યું ઝટ બોલીદે નહીં તો પોલીસમાં પ્રુફ સાથે પકડાવી દઈશ. ઘોડાવાળો કરગરવા લાગ્યો, મોનાએ મોબાઈલમાં વીડિયો રેકોર્ડીગ ચાલુ કરી દીધું. ઘોડાવાળાએ કહ્યું કે બેન સમીર ભાઈ બુકીંગ કરવા આવ્યા હતા. અને કહ્યું હતુંં કે હું તને પંદર લાખ રુપિયા આપીશ જો તું હું કઉ ત્યારે બેકાબુ કરવાનો. ત્યારે મેં ના પણ પાડી હતી કારણ મારો ઘોડો અડિયલ છે. એમાં સવારની જાન પણ જાય. સમીરભાઈએ કહ્યું મારે તેની જાન જ લેવી છે તેથી તો તારા ઘોડા ને પસંદ કર્યો છે મે બધી તપાસ કરી પછી જ તને કહ્યું છે. જો તુંં હા પાડતો હોયતો પંદરની બદલે વીસ લાખ દઈશ. અને ના પાડીશ તો મોબાઈલ માં મારી ચાર વર્ષની દીકરીનો ફોટો દેખાડી કહ્યું કે આને મારી નાખીશ. બેન હું પૈસાની લાલચથી આવુ કૃત્ય ન કરત પણ મારી દીકરીની જાન બચાવવા બીજી દીકરીની માંગ સુની કરી નાખી. આ સાંભળી મોનાની આંખમાંથી આસું વહેવા લાગ્યાં. તેણે પોતાની જાતને સંભાળી લીધી અને ઘોડાવાળાને કહ્યું કે તારે આમાંથી છૂટવુ હોય તો એક જ રસ્તો છે તારા પૈસા લેવાના બાકી હોય તો તું તેને ફોન કરીને કાલે તારા ઘરે બોલાવ અમે અહીં છૂપાઈને બધુ રેકોર્ડ કરી લઈશું જો જરાપણ ચાલાકી કરી છે તો તું તો જેલમાં જ જઈશ.

અમર મોનાના આ રૂપ ને જોઈજ રહ્યો. સાવ સાલસ સ્વભાવની મોનાએ આજ રણચંડી નું રૂપ ધારણ કર્યું હતુંં ! મોના અને અમર પાછા હૉસ્પિટલ ગયા અને હૉસ્પિટલમાંથી ડિસચાજૅ લઈ મોના ઘરે આવી સાથે અમર પણ હતો પણ તેને કોઈ જોઈ શકતુંં નહોતુંં. ઘરે જઈને મમ્મી પપ્પા ને મોબાઈલમાં વિડીયો ઉતાર્યો હતો તે દેખાડ્યો. મોનાના મમ્મી પપ્પા વિડીયો જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા. સમીરનુ આવું રૂપ તો કલ્પના બહારની વાત હતી. મોનાના પપ્પાએ પૂછ્યું કે બેટા તને આ બધી વાતની કેવી રીતે ખબર પડી. ત્યારે મોનાએ કહ્યું કે પપ્પા અમરનો આત્મા ભટકે છે અત્યારે પણ અહીં જ છે. મારા સિવાય એને કોઈ જોઈ શકતુંં નથી. અને મને અમરેજ આ બધી માહિતી આપી. અને ઘોડાવાળાને થોડો ડરાવ્યો તો તેણે આ માહિતી આપી. હવે જ્યાં સુધી સમીર ને સજા નહી થાય ત્યાં સુધી અમરના આત્માને શાંતિ નહીં થાય.

મોનાના પપ્પાએ અમરના પપ્પાને મેસેજ કર્યો કે કોઈ ને પણ ખબર ન પડે તેમ મને બગીચામાં મળવા આવો મારે અગત્યનું કામ છે. મેસેજ વાચીને અમરના પપ્પા તરતજ બગીચામાં જવા નીકળી ગયા. ત્યાં પહોંચી ને જોયું તો મોના અને તેના મમ્મી પપ્પા બેઠા હતા. બધા એકબીજા ને મળી ને ખુબ રડ્યા. પછી મોનાના પપ્પાએ વિડીયો રેકોર્ડિંગ બતાવ્યું અને મોના સાથે જે વાત થઈતી તે બધુજ જણાવ્યું. તેતો આજુબાજુ જોવા લાગ્યા કે અમર દેખાય તો. તેને સમીર પર ધૃણા થઈ. મોનાના પપ્પાએ કહ્યું એક દિવસ જેમ ચાલે છે તેમ ચાલવા દો. કાલે આપણે સમીર ને રંગે હાથે પકડાવશુ. અત્યારે આપણે પોલીસ ચોકી એ જઈને ઈન્સપેકટરને બધી વાત કરીએ તેથી તે પણ પોલીસ પાર્ટી સાથે આવે અને સમીર ને રંગે હાથે પકડી લે. એક આજનો દિવસ સંભાળવો પડશે સમીરને શંકા પડવી ન જોઈએ.

બીજે દિવસે મોના તેના મમ્મી, પપ્પા અને અમરના પપ્પા પોલીસ ઈન્સપેકટર અને છૂપા વેશે પોલીસના માણસો બધા છૂપાઈને સમીરની રાહ જોવા લાગ્યા. અમરના મમ્મીને આ વાત નો અણસાર નોતો આવવા દીધો. કારણ તે પોતાના મગજ ઉપર કાબુ ન રાખી શકે ને સમીરને કંઈપણ આડાઅવળુ બોલી દે તો આખી બાજી ઊંધી વળી જાય. થોડીવારમાં સમીર આવ્યો અને ઘોડાવાળાને ધમકાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તને કહ્યુ હતુંં ને કે દસ દિવસ પછી પૈસા દઈશ તો આટલી વહેલી શું ઈમરજન્સી આવી ગઈ. ઘોડાવાળાએ કહ્યું સાહેબ મારી દીકરી હૉસ્પિટલમાં છે તેની દવા માટે પૈસા જોઈએ છે. જો ન આપવાના હો તો તમે મને સુપારી આપી હતી તેનુ વિડીયો રેકોર્ડિગ મારી પાસે છે તે હુ પોલીસ ને આપી દઈશ. સમીર હસીને કહેવા લાગ્યો કે તારી વાત કોઈ નહીં સાંભળે ભલે મારા કહેવાથી તે ખુન કર્યું છે. પણ અકસ્માત સમજી કેસ દર્જ નથી થયો. ભલે હું તને પૈસા આપી દઉ છું કારણ તે મારો રસ્તો સાફ કરી દીધો છે.

હેન્ડ્સ અપ કરતાં પોલીસ ઈન્સપેક્ટર ત્યાં ધસી ગયા. અને સમીર ને પકડી લીધો. સમીર તો હક્કાબક્કા થઈ ગયો. ધીમે ધીમે છૂપાયેલા સૌ બહાર આવ્યાં. સમીર બધા ને ફાટી આખે જોઈ રહ્યો. અમર ના પપ્પાએ તો સમીરને ચાર પાંચ ઝાપટ મારી દીધી અને કહેવા લાગ્યા મારા દીકરા ને મરવી નાખતાં તારો જીવ કેમ ચાલ્યો. પાછો અમારા ઘરમાં રહી અમને ઠગતો રહ્યો. આતો મારા દીકરા એ તારા વિશે જણાવ્યું નહીતો અકસ્માત સમજી જેના હાથ મારા દીકરા ના ખુનથી રંગાયેલા છે. તેનો ખભો પસવારતા હોત. સમીર અને ઈનસ્પેક્ટર બંને આ વાત સાંભળી ચોકી ગયાં ત્યારે મોનાના પપ્પાએ ફોડ પાડી ને અમરના આત્મા વિશે જણાવ્યું. સમીર અને ઈનસ્પેક્ટર બંને આ વાત માનવા તૈયાર નહોતા. અમર ઊભો ઊભો બધુંજ સાભળતો હતો. તેણે મોનાને કહ્યું હવે મારો જવાનો સમય થઈ ગયો છે. તુંં બધા ને લઈને મારી મમ્મી પાસે પહોચ. ત્યાં મારી એક ઝલક દેખાડી અનંતના માર્ગે ઊપડી જાઉ. મોનાએ બધા ને કહ્યું કે તમને લોકોને સબૂત જો'તુંં હોય તો ચાલો બધા અમરના ઘરે. બધા અમરના ઘરે પહોંચ્યા અમરની મમ્મી ઘર આંગણે પોલીસની ગાડી જોઈને બી ગયા મોનાના પપ્પા અને મમ્મી એના સ્કુટરમા હતા એની પાછળ ના સ્કુટરમા મોના હતી અને છેલ્લે અમરના પપ્પા હતા. અમરના મમ્મી મોનાને જોઈને કંઈક બોલવા જતાં હતાં ત્યાં જ અમરના પપ્પાએ તેના મોઢા ઉપર હાથ રાખી ને કહ્યું કે મોનાના લીધે મારા દીકરા ને મુક્તિ મળશે. પછી બધી વાત કહી. અમરે પણ પ્રકટ થઈ કહ્યું મમ્મી આમાં મોનાનો કંઈ જ વાક નથી. બધું જ આ સમીરને લીધે થયું છે. એની મમ્મી તો અમરને સામે જોઈને રડી પડી. અમરે કહ્યું હવે રડવાનું બંધ કરીને અમને પોખ તો ખરા દીકરો વહુ લગ્ન કરી ને આવ્યા છે છતાં ઘરમાં નથી આવવા દેવા. પોલીસની ગાડી જોઈ આજુબાજુના લોકો પણ ભેગા થયા હતા. અમરના આવા વચન સાંભળી તે બધાની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી અમરની મમ્મી એ પોખીને બંને ને અંદર લીધા. તેમણે ઘરમાં પ્રવેશ કર્યો અને વડીલોના આશીર્વાદ લીધા પછી બંને અલોપ થઈ ગયા. અમરની વાત તો બધાને ખબર હતી એટલે મનથી તૈયાર હતા પણ મોના માટે બધાને આશ્ચર્ય થયું ત્યાં જ ઈનસ્પેક્ટરના મોબાઈલમાં ફોન આવ્યો કે સાહેબ એસ.જી હાયવે પર એક્સિડન્ટ થયો છે લેડી છે. જે મૃત્યુ પામી છે અને ઓળખ પત્રમાં તેનું નામ મોના છે. પત્થર દિલ ઈનસ્પેક્ટરની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Drama