Sunita Mahajan

Inspirational

4  

Sunita Mahajan

Inspirational

અધિકાર

અધિકાર

2 mins
256


ડોરબેલ વાગી અને નવપરણિત પૂજાએ ભાગતી જઈને દરવાજો ખોલ્યો. પરંતુ આંગતુકને જોઈ ડરીને બે ડગલાં પાછળ ખસી ગઈ. છતાં હિંમત કરી બોલી "એ ઘરમાં નથી અને બા તો તમારા ઘરે જ ગયા છે."

"જાણું છું,પૂજા ડાર્લિંગ! એટલે તો હું આવ્યો છું. આવકાર તો આપ !"

ખંધુ હસી, એને લગભગ ધકેલીને એ ઘરમાં પ્રવેશ્યો અને સોફા પર લાંબા પગ કરી બેસ્યો પછી હસતાં હસતાં જ બોલ્યો, "અરે ! હું તો મારા પૂજા ડાર્લિંગનાં નરમ હાથની ગરમ ચા પીવા આવ્યો છું. ચાલ ફટાફટ બનાવ."

ના છૂટકે, પૂજા ચા બનાવવા ગઈ અને ચા બનાવતાં મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે, "હે પ્રભુ! સાચવજો.મારી લાજ રાખજો."

ગરમ ચા લાવી પૂજાએ ટિપોય પર એના સામે મૂકી અને એ બોલ્યો, "આવકાર ના આપ્યો તો માન્યું પણ ચા નીચે મૂકી અપમાન તો ના કર પૂજા ડાર્લિંગ . મારું સન્માન કરવાની તારી ફરજ છે."

મજબૂર પૂજા એ જેવી એના હાથમાં ચા મૂકી, એણે તરત જ એનો હાથ પકડી લીધો અને બોલ્યો, તારા હાથે ડાર્લિંગ પીવડાવી દે. તારા પર મારો પણ પૂર્ણ હક છે, જ્યારથી તને જોઈ છે ત્યારથી હું મદહોશ બન્યો છું એકવાર ફક્ત... "

"હોશમાં આવો ! તમે આ શું બોલો છો ? છોડો મને !" પોતાનો હાથ છોડાવી પૂજા તો કરગરીને બોલી.

"આજે તો હું તને છોડવાનો નથી જ. આ ઘરનો હું એકુલતો એક લાડકો જમાઈ છું, મારો હક સાથે અધિકાર પણ છે તારા પર. તે મને આવકાર નથી આપ્યો એથી હું નારાજ છું, મને ખુશ કર હવે." કહી ઉઠીને એણે એને બાથમાં લઈ લીધી.

'સટાક' કરતી એક લપડાક એને લગાવી એને ધકેલી પૂજા અલગ થઈ, ગુસ્સામાં રાતીચોળ થઈ, દરવાજો ખોલી બોલી. "તમે હમણાં જ અહીંથી જતા રહો....નહીં તો.. "

"નહીં તો શું ? શું કરીશ તું ? હું તને જોઈ લઈશ, આ અપમાનનો બદલો લઈશ. તને તો આ ઘરમાંથી કાઢીશ." બોલી એ ગુસ્સામાં જતો રહ્યો.

ઘરે આવી એણે તો પોતાની સાસુ, સાળા અને પત્નીના કાન પૂજા વિરુદ્ધ ભરવા માંડ્યા. એણે એને આવકાર ના આપ્યો અને અપમાનિત કરી કાઢ્યો, એવું જૂઠું કહ્યું.

"જમાઇરાજા ! તમે રાજને અહીંઆ બોલાવી અમારા ઘરે કેમ ગયા હતા ? જરૂર તમે જ કશુંક અજુગતું કહ્યું કે કર્યું હશે, મારી વહુ તો બહુ ડાયી છે. મારા ઘરની લક્ષ્મીનું જો અપમાન કરશો, તો તમારું સન્માન અને સત્કાર નહીં થશે. ચાલ રાજ, હવે અહીંઆ બેસવામાં મજા નથી. ઘરે પૂજા ડરી ગઈ હશે. તેને આ વાતનો બહુ આઘાત લાગ્યો હશે. આ આઘાતમાં એ કોઈ ખોટું પગલું ભરી લે તે પહેલાં આપણે ઘરે પોંહચી જઈએ." બોલી એ જતા રહ્યા.

ઘરે આવી તરત પૂજાને બાથમાં લેતા એ બોલ્યા, "વહુ દીકરા ! તમે ડરો નહીં. હું તમને કશું નહીં પૂછું. તમે જે પણ કર્યું હશે એ યોગ્ય જ હશે. તમે મારા કુળવધૂ છો. આ ઘરમાં કોને આવકાર આપવો અને કોને ના આપવો એનો હું તમને અધિકાર આપું છું." 

પૂજાનાં તો આંખમાં હરખનાં આંસુ આવી ગયા. એ સાસુના ચરણોમાં ઝૂકી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational