Shobha Mistry

Crime

4  

Shobha Mistry

Crime

આવરણ

આવરણ

2 mins
332


ધારા દસ વર્ષની જેલની સજા કાપી આજે જ પોતાના ઘરે પાછી ફરી હતી. આ દસ વર્ષમાં કંઈ કેટલાય 'આવરણ' સ્મૃતિ પર અને દિલ પર ચડી ગયાં હતાં. ઘરમાં પ્રવેશતાં જ એનો સામનો મોટી દીકરી નૈરૂતિ સાથે થયો. નજર મળતાં જ મમ્મી કહી એ ભેટી પડી. દીકરા સૌમ્ય માટે એ અજાણી વ્યક્તિ હતી પણ મોટી બહેન જે હેતથી ભેટી તે જોઈ એ પણ મમ્મી કહી વળગ્યો. ધારાએ બંનેને સ્નેહથી છાતીએ વળગાડી દીધાં. 

ભીંત પરના સાસુ સસરાના હાર ચડાવેલાં ફોટાને એ થોડાક તિરસ્કારથી જોઈ રહી. નૈરૂતિએ પાણી આપ્યું તે પીધું, આજે કેટલા વર્ષે એણે હાશ અનુભવી. પતિએ એને નજરથી જ વહાલ કર્યું. અઢાર વર્ષની સમજણી દીકરીએ બનાવેલી રસોઈ એણે સ્વાદ લઈને ખાધી. 

રાત્રે પિયુષે એને પોતાના આલિંગનમાં ભીંસી દીધી ત્યારે એની આંખ અનરાધાર વરસી પડી. પિયુષે એને સાંત્વના આપી પણ એની નજર સામે દસ વર્ષ પહેલાંની ઘટના ફરીથી આકાર લેવા માંડી હતી. 

"મમ્મી, મારે સતિષકાકા સાથે સ્કુલ નથી જવું." 

"કેમ ? મારો સતિષ તને મારે છે ? તારી માને ઘરમાં સત્તર કામ હોય." ભાનુબા બોલ્યા.

"પપ્પા, આજે તમે મને સ્કુલ મૂકવા આવો ને." 

"બેટા, મારે કારખાને જલદી જવાનું હોય અને તારી સ્કુલનો સમય મોડો છે મને ન ફાવે." પિયુષે કહ્યું. 

નૈરૂતિ સ્કુલમાં જતી વખતે રોજ દિયર સતિષ સાથે જવા આનાકાની કરતી પણ ઘરમાં કોઈ માનતું નહીં. તે દિવસે ઘરમાં નૈરૂતિ અને સતિષ એકલાં જ હતાં. ભાનુબા મંદિરે ભજનમાં ગયાં હતાં. પિયુષ કારખાને ગયો હતો અને ધારા સૌમ્યને લઈ ડૉક્ટર પાસે ગઈ હતી. જેવી ધારા ઘરમાં દાખલ થવા ગઈ ત્યાં જ એણે નૈરૂતિનો અવાજ સાંભળ્યો. 

"કાકા, નહીં. મને દુઃખે છે. કાકા, કાકા, મને છોડી દો. મમ્મી, મમ્મી." ધારાને સમજતાં વાર ન લાગી કે શું બની રહ્યું છે. એ ઝડપથી દોડીને ઘરમાં આવી. 

"સતિષભાઈ, આ શું કરો છો ?" બોલતાં એણે નિર્વસ્ત્ર દીકરીને ઝડપથી પોતાની સોડમાં લઈ લીધી. એક જોરદાર તમાચો એણે દિયરને લગાવી દીધો.

તેવો જ નફ્ફટ દિયર ભાભીની સાડી ખેંચી એના પર ઝપટવા ગયો. ધારાએ પોતાના બચાવમાં પાસે પડેલો લોખંડનો દસ્તો ઉંચકીને દિયરના માથે ફટકાર્યો. લોહીનો ફુવારો ધારા અને નૈરૂતિ પર ઉડ્યો. દીકરીની ઈજ્જત બચાવવા એણે એને બીજા કપડાં પહેરાવી, કોઈને કંઈ પણ ન કહેવા સમજાવી ભાઈને લઈ રમવા બહાર મોકલી આપી.

પોલીસ તપાસમાં સાસુ સસરાએ બયાન આપ્યું કે એ અમારા નાના દીકરાને પોતાની જાળમાં ફસાવતી હતી પણ ફાવી નહીં એટલે એને મારી નાંખ્યો. ધારાએ પોતાના બચાવમાં ઘણી દલીલ કરી પણ પિયુષ સિવાય એની વાત કોઈ માનવા તૈયાર જ નહીં. અંતે ધારાએ પણ નૈરૂતિની વાત પર આવરણ ચઢાવી મૌન ધારણ કરી લીધું અને જેલની સજા સ્વીકારી લીધી. 

"ધારા, હવે ભૂતકાળને અનાવરણ કરવાનું રહેવા દઈ વર્તમાનમાં જીવી લઈએ ?" ધારા હકારમાં ડોકું હલાવી પતિના બાહુપાશમાં લપાઈ ગઈ. 


Rate this content
Log in

Similar gujarati story from Crime