Dipak Chitnis

Classics Inspirational

5.0  

Dipak Chitnis

Classics Inspirational

આત્મવિશ્વાસ

આત્મવિશ્વાસ

6 mins
534


આજે આઇસીયુમાં એકલો પલંગમાં બેઠા બેઠા જીવનની ઈમાનદારીનો થાક ઉતારતા ઉતારતા વિચારી રહ્યો હતો. ઈમાનદારીના રસ્તે ચાલતા ચાલતા મને આજે થોડોઘણો થાક પણ લાગ્યો હતો. પરંતુ ક્યારેક પગમાં કાંટા પણ વાગ્યા છે. તો ઘણી વખત સંસાર પરિવાર કે મિત્રોના શબ્દો થકી ઘાયલ અને અપમાનિત પણ થવાના પ્રસંગો બનવા પામેલ છે.

સૃષ્ટિમાં જન્મ લેનાર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અલગ અલગ સૈદ્ધાંતિક વિચારો થકી જીવતો હોય છે. તો ઘણી વ્યક્તિઓ ક્ષણિક લાભ માટે સિદ્ધાંત ને છોડી પણ દેતા હોય છે. પણ મને મારી જિંદગીથી સંતોષ હતો. હું કોઈ પણ વ્યક્તિ સાથે આંખથી આંખ મેળવીને વાત કરી શકતો હતો એજ મારા આધ્યાત્મિક મનોબળનું કારણ હતું. મારા પિતા કાયમ કહેતા તમારા અરમાનોને તમારી હેસિયતમાં રાખી આગળ વધવાનો પ્રયત્ન કરશો તો ક્યારેય સ્વમાન ગીરવે મુકવાનો સમય નહિ આવે..

કોઈ વખત મારો પુત્ર દેવાંગ મને કડવા શબ્દો કહેતો. પપ્પા તમે સરકારમાં સારી પોસ્ટ ઉપર બેઠા છતાં રૂપિયા કમાતા તમને ન આવડ્યું એટલે અમારે આજે વૈતરું કરવાના દિવસોનો ભોગ બનવું પડ્યું છે. હું દેવાંશને કહેતો બાળકોને મોટા કરવા ઉચ્ચ ભણતર આપવું એ દરેક માતા-પિતાની નૈતિક ફરજ હોય છે. તમારા અમર્યાદિત મોજશોખ પુરા કરવા હું વાલીયો લૂંટારો તો ન જ બની શકું.

મેં મારા અંતર આત્માના અવાજ પ્રમાણે ફરજ બજાવી છે, તું તારી મરજીનો અને તારા જીવનનો માલિક છે. તારે અવળે રસ્તે રૂપિયા કમાવવા હોયતો કમાજે. પરંતુ એટલું ચોક્કસ યાદ રાખજે કે, પાપ કરતી વખતે પીઠ થાબડનારા ઘણા મળશે પણ પાપ જ્યારે તેનો પરચો બતાવશે ત્યારે એકેય તારી આજુબાજુમાં નહિ ઉભો રહે.

દેવાંશના નસીબ જોર કરતા હશે, સ્પર્ધાત્મક પરીક્ષા આપી એ કલાસ વન ઓફિસર બની ગયો. જે હું કરી શક્યો ન હતો. એ તમામ મર્યાદાઓને ઓળગી તેને ધનવાન બનવાના અરમાનો જાગ્યા હતા. જે મારા સિદ્ધાંતોથી વિપરીત હતું. અમારા બન્ને વચ્ચે વિચારો અને સિદ્ધાંતોની લડાઈને કારણે અમે એકબીજાથી અલગ થયા

એકબીજાથી જુદા પડતા સમયે મેં તેને કીધું હતું "બેટા કોઇનો પણ હાથ અને સાથ છોડીને ભાગવાની મારી ન તો આદત છે, ન તો મારા સ્વભાવમાં છે, મારાથી દુર થનાર વ્યક્તિનો હું હાથ પકડી ને રોકવા પૂરતો પ્રયત્ન કરું છું. પણ કોઈના પગ પકડી કરગરવું એ મારા સ્વભાવમાં નથી. દીકરા સ્વમાનનો રોટલો અને ઓટલો જ્યારે પણ યાદ આવે ત્યારે તારા બાપનું ઘર તારે માટે હંમેશા ખુલ્લું છે એટલું યાદ રાખજે."

હું એક વખત ઘરડા ઘરમાં જવા તૈયાર થઈ ગયો પણ સિદ્ધાંતો સાથે બાંધ છોડ કરવા તૈયાર ન થયો તેથી. હું મારી નિવૃત્તિ પછી મારુ પોતાનું મકાન શોધવા નીકળ્યો હતો. મકાનના ભાવ સાંભળી મોઢે ફિણ વળી ગઈ અને આંખે અંધારા આવવા લાગ્યા. નિવૃત્તિ દરમ્યાન મળેલ રકમ જો ઘર લેવા પાછળ ખર્ચી નાખું તો આકસ્મિક ઉપાધિ સમયે કોની પાસે હાથ લંબાવું. આખી જિંદગી. કોઈની સમક્ષ હાથ લાંબો કર્યો નથી. તો જીવનના છેલ્લા પડાવ સમયે હું હાથ લાંબો શા માટે કરું ? ખુમારીના કોઈ કોચિંગ કલાસ ચાલતા હોતા નથી. ખુમારીના બીજ તો જ્યા સંતોષ, ધૈર્ય, અને આધ્યાત્મિક વાંચન હોય છે ત્યાં તેની જાતે આપોઆપ રોપાતા હોય છે.

મારા અને મારી પત્ની રાધાની અમે કુંડળી મેળવી ન હતી છતાં વિચારો મળતા હતા એટલે અમારું દાંપત્યજીવન આનંદમય હતું. સંતોષ,ધૈર્ય અને ઈશ્વરની ભક્તિ એ અમારી મહામૂલી મૂડી હતી. હું રાધાને જોવા ગયો ત્યારે રાધાના પિતા ગામડામાં શિક્ષક હતા. રાધા તેના ઘરમાં મોટી દીકરી હતી. ખાધે પીધે સુખી પરિવાર હતો. મારા સિદ્ધાંતો અને વિચારોને અનુરૂપ હોવાથી. મેં લાબું વિચાર્યા વગર હા પાડી. પિયરથી વારસામાં સંસ્કાર લઈને આવી હતી. બસ મારા માટે એ પૂરતું હતું..

મારા સસરાનું પણ શિક્ષક તરીકે આજુ બાજુ અને પોતાના ગામમાં પણ નામ હતું. લોકો તેમને આદરભાવ સન્માનપૂર્વક જોતા જોતા. સ્કૂલ છૂટ્યા પછી પણ ભણવામાં નબળા બાળકોને પોતાના ઘરે કોઈ પણ પ્રકારનું વળતર કે અપેક્ષા રાખ્યા વગર ભણાવતા હતા. આવી વ્યક્તિઓ સંસારમાં ઓછી જોવા મળતી હોય છે

ઈમાનદારી, વફાદારી, નિષ્કામ સેવા આ બધા વ્યસન છે. જેને નશો ચઢ્યો એ પાયમાલ થશે પણ પોતાના સિદ્ધાંતો સાથે બાંધ છોડ નહિ કરે. અંતે લાબું વિચારી અમે એકબેડ રૂમનો નાનો ફ્લેટ ખરીદ્યો જે અમારા બન્ને માટે પૂરતો હતો. ઈશ્વર કૃપાથી પેન્શન આવતું હતું. જેમાં રોજિંદા ખર્ચ, ઘડપણની દવા માટે વાપરતા. આકસ્મિક ખર્ચ માટે અમુક કીડી જેવી બચતરૂપી રકમ અમે બાજુ ઉપર પણ મુકતા હતા. એક તો નિવૃત્તિની મૂડીમાંથી મેં એક બેડરૂમનો ફ્લેટ લીધો જેમાં જીવનની ભેગી કરેલ અડધી મૂડી મારી તેમાં જતી રહી. બાકી બચત રહેલ રકમ ઉપર હાસ્યાસ્પદ મુજબ થોડુંઘણું વ્યાજ અમે મેળવતા હતા..

ત્યાં જ જીવનના ભાગરૂપે અચાનક મને હાર્ટ એટેક આવ્યો. અમારા ફ્લેટના સભ્યોએ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી મને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો. ડોક્ટરે રિપોર્ટ જોઈ સર્જરી કરવાની સલાહ આપી. મારો પુત્ર ખબર કાઢવા આવ્યો પણ હાર્ટસર્જરીના ખર્ચ વિશે મારી સાથે કોઈ ચર્ચા કરી નહિ. ઉપરથી અમને શાબ્દિક ચિટ્યો ભરતો ગયો. ઈમાનદારીનું પૂછડું પકડીને બેઠા હતા ને જુઓ, અત્યારે કોઈ ઈશ્વર મદદ કરવા નહિ આવે

હું પણ સ્વમાની હતો. મેં કોઈ સામે જવાબ આપ્યો નહિ. આખી જિંદગી કોઈના પગ પકડ્યા ન હતા તો તારા થોડા પકડવાનો છું. જા બેટા જા...મોતને તો કારણ જોઈએ છે. કાલે આવતું હોય તો આજે આવે. મેં આંખ બંધ કરી મુરલીધરને યાદ કરી કીધું.

રાધા મારી બાજુમાં અચાનક આવી બેસી ગઈ હતી એ તરફ મારુ ધ્યાન ન હતું. એ બોલી, "કોની સાથે વાતો કરો છો ?" મેં હસી ને કીધું. "તું સારી રીતે જાણે છે. વાત કરવા માટે મારી પાસે બે જ માધ્યમ છે. એક તું અને બીજો મુરલીધર."

રાધા ભીની આંખે બોલી કોઈ પ્રકારની ચિંતા કરતા નહિ. બધી વ્યવસ્થા થઈ ગઈ છે. હું જાણતો હતો. જેટલી ફિક્સ તૂટશે તેટલું વ્યાજ આવતું ઓછું થશે. છૂટકો પણ ન હતો. હાર્ટ સર્જરીનો અંદાજીત ખર્ચ ત્રણ લાખ ઉપરનો હતો. ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થયું. હોસ્પિટલમાંથી રજા આપતા પહેલા મને અને રાધાને ડોકટર સાહેબે તેમની ચેમ્બરમાં બોલાવ્યા. ડોકટરની ઉમ્મરમાંડ ૩૫-૪૦ ની વચ્ચે મને લાગતી હતી. ડોકટર સ્માર્ટ અને દેખાવડો હતો.

ડોકટર. હાથ જોડી બોલ્યા "હું ડોકટર શ્યામ મેં તમારા હાર્ટનું ઓપરેશન કરેલ છે. થોડું સ્માઈલ આપી મારા હાથમાં "મોરપીંછું" મૂકી તેઓ બોલ્યા લ્યો આ તમારા ખીસામાંથી નીકળ્યું હતું. શ્રદ્ધાનો વિષય છે." પછી..પોતાના ટેબલના ખાનામાંથી એક પોટલી કાઢી. રાધાની સામે મૂકી બોલ્યા. "મોટી બહેન આ તમારી અમાનત સાચવો. આ તમે ડિપોઝીટની રકમ પેટે હોસ્પિટલને આપેલ ઘરેણાં છે. તમારો નાનો ભાઈ જીવતો હોય ત્યાં સુધી ઘરેણાં ગીરવે મુકવાના દિવસો કદી તમારે નહિ આવે."

હું અને રાધા એક બીજા ની સામે જોવા લાગ્યા...!!

"ન ઓળખ્યો ને મને ? કૃપાશંકર માસ્તરનો વિદ્યાર્થી શ્યામલો. હું ભણવામાં નબળો હતો. સ્કૂલેથી છૂટી તમારા ઘરે મને મફતમાં ભણાવતા હું એજ શ્યામલો જેને તમે રોજ સાંજે જમાડીને ઘરે મોકલતા. રસ્તા ઉપર ઠોકર ખાતા પથ્થરને ઉઠાવી કંડારી કંડારીને તમે મૂલ્યવાન મૂર્તિ બનાવી. એ પરિવારને હું સ્વપ્નાંમાં પણ કદી ન ભૂલી શકું."

ડોકટર સાહેબ ઉભા થયા અને અમને બન્ને ને પગે લાગ્યા. રાધાની આંખો પણ ભીની થઇ, એજ ભીની આંખે શ્યામના માથે હાથ ફેરવતા બોલી,"બેટા ખૂબ મોટો સાહેબ બની ગયો !"

"મોટી બેન ડોકટર બન્યા પછી હું ગામડે ગયો હતો. પણ તમારે ત્યાં તાળું હતું. તમારા ઉપકારનો બદલો વાળવાની તાકાત તો મારામાં ન હતી. પણ ઈશ્વર કોઈ પણ રીતે આ પરિવારનું ઋણ ઉતારવાની મને તક આપે એ પ્રાર્થના હું રોજ કરતો હતો. મોટી બેન આજે આ અવસર આવી ગયો.છે.

અમે ભીની આંખે ખૂબ વિનંતી કરી પણ તેણે એક રૂપિયો અમારી પાસેથી લીધો નહિ. ઉપરથી કીધું તકલીફ સમયે હું તમારી સાથે ઉભો છું. ડ્રાઇવરને બોલાવી કહ્યું જા મારી મોટી બેનને તેમના ઘરે મૂકી ને આવ. અને હા ઘર યાદ રાખજે. તેમના હાથે બનાવેલ ભોજન ઘણા સમયથી મેં ખાધું નથી.

ડ્રાઇવર રસ્તામાં બોલ્યો "ડોકટર સાહેબ ખૂબ દયાળુ છે. મારી માના ઓપરેશનના પણ રૂપિયા લીધા ન હતા. સામેની વ્યક્તિની પરિસ્થિતિ પ્રમાણે તેઓ પોતાનો ચાર્જ નક્કી કરે છે. કર્મના સિદ્ધાંતમાં બહુ વિશ્વાસ રાખે છે."

મેં કાર મા આંખ બંધ કરી મુરલીધરને હસતા હસતા કહ્યું, "હે પ્રભુ ફરી તું બાજી જીતી ગયો અને હું હારી ગયો."


Rate this content
Log in

Similar gujarati story from Classics