mariyam dhupli

Crime Thriller

4  

mariyam dhupli

Crime Thriller

આત્મસાત  (ભાગ : ૨૬)

આત્મસાત  (ભાગ : ૨૬)

5 mins
255


મારા હાથ બારણા પર ટકોરા પાડી રહ્યા હતા. મારું શરીર મને જીવતી લાશ જેવું અનુભવાઈ રહ્યું હતું. મનને લાગેલો સદમો કારમો હતો. ખુરશી પર પાછળ છૂટી ગયેલું શરીર આખેઆખું અશ્રુમાં ભીંજાઈ ચૂક્યું હતું. મારા કાનમાં હજી પણ એ દિશા તરફથી ડૂસકાંઓ સંભળાઈ રહ્યા હતા. જાણે એ કાળજા પરથી હજારો મણનો ભાર એકસાથે આજે ખસેડી લેવામાં આવ્યો હતો. મોબાઈલનું રેકોર્ડિંગ સુરક્ષિત હાથમાં જવાનું હતું. એ વાતના હાશકારા જોડે કબૂલાતનો અપરાધભાવ અશ્રુઓમાં ભળીને વહી રહ્યો હતો.

મારી આંખોમાં એક પણ અશ્રુની બુંદ ન હતી. મારી હેરતથી પહોળી થઇ ગયેલી આંખો નિર્જીવપણે બારણું ખુલવાની રાહ જોઈ રહી હતી. જેવું બારણું બહાર તરફથી ખુલ્યું કે ઓરડીની બહાર તરફ અંતિમ ત્રીસ મિનિટથી સતત પગ પર અડગ ઉભો રહી પહેરો ભરી રહેલ ફરજનિષ્ઠ અંદર ખુરશી પર ગોઠવવામાં આવેલા શરીરને શીઘ્ર એના નિયત કેદના સ્થળ સુધી પહોંચાડી દેવા ઉતાવળે ફરજ પર કાર્યરત થયો. હું એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના પુલીસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર તરફ આગળ વધી ગયો. રજીસ્ટરમાં સમયની નોંધણી અને સહી કરી રહેલા મારા હાથમાં જાણે લોહીનું પરિભ્રમણ અટકી પડ્યું હતું. આસપાસની ચહેલ પહેલ, ધાંધલ ધમાલ, વ્યસ્ત વાતાવરણ, અવાજો ... બધું જ મારા કાનના પડદાને સ્પર્શી જરૂર રહ્યું હતું, પણ એની અસર મસ્તિષ્ક સુધી પહોંચી રહી ન હતી. જાણે કોઈ વેધક, કાનના પડદા ફાડી નાખતું અલાર્મ શ્રવણ ઈન્દ્રિયમાં જોરશોર અવિરત ગૂંજી રહ્યું હતું. એ ગૂંજથી કાન જાણે બહેર મારી ગયા હતા. બધું જ ધૂંધળું પડી ગયું હતું. આંખો સામે ભજવાઈ રહેલા દ્રશ્યો નજરથી અદ્રશ્ય થઇ ચૂક્યા હતા. આખું વિશ્વ જાણે એ ક્ષણમાં મારી દ્રષ્ટિથી ઓઝલ થઇ ગયું હતું. અંદર ધડકી રહેલું હૃદય ધબકારનું ગણિત વિસરી બેઠું હતું.

પુલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી આવેલું મારું શરીર નખશીખ ધ્રૂજી રહ્યું હતું. કપાળ પર પરસેવાના ટીપા બાઝવા માંડ્યા હતા. બન્ને કાન પાછળથી પરસેવો ટીપે ટીપે નીતરી રહ્યો હતો. હું થોડા સમય સુધી સતત એક જ દિશામાં અટક્યા વિના અત્યંત ઝડપ જોડે ચાલી જઈ રહ્યો હતો. પછી અચાનકથી સ્થગિત મગજના તંતુઓ સચેત થઇ શરીરમાં કાર્યરત થયા હોય એમ મારા ડગલાં અટકી પડ્યા. શરીર પાછળની દિશામાં ફેરવ્યું ત્યારે સમજમાં આવ્યું. હું અત્યાર સુધી સતત ખોટી દિશામાં જઈ રહ્યો હતો. મારે રસ્તો બદલવો અનિવાર્ય હતો. એ થોડું અઘરું હતું. ચાલતો ચાલતો ધૂનકીમાં ઘણો આગળ નીકળી આવ્યો હતો. ફરી પાછળ વળી સીધો માર્ગ લેવામાં ઘણી જહેમત ઉઠાવવાની હતી. હા, ઘણું મુશ્કિલ હતું, માર્ગ બદલવું. પણ અશક્ય તો ન જ હતું. ફક્ત સ્વીકાર કરી લેવાનો હતો. માર્ગ ખોટો હતો. મેં સ્વીકારી લીધું અને ઝડપથી સીધા માર્ગે વળી ગયો.

થોડા શારીરિક પરિશ્રમ બાદ હું મારા ભાડેના મકાન આગળ આવી ઉભો રહી ગયો. અવિનાશનું મકાન. એ જ અવિનાશ જે મનાલીની આન, બાન, શાન હતો. કલા જગતનું ગૌરવ હતો. જેની કલાની લોકો પૂજા કરતા હતા. કલા જ જેની ઓળખ હતી. હા, એ જ પ્રેરણસ્ત્રોત અવિનાશ. જેની પત્ની દિલોજાનથી એને ચાહતી હતી. એટલો પ્રેમ કરતી હતી કે એના દુનિયામાંથી જતા રહેવાથી પોતાનું જ અસ્તિત્વ વિસરી બેઠી હતી ? એ જ અવિનાશ જેની અનન્ય કલ્પના શક્તિ અને બેનમૂન હુનરની દેશના કલા જગતને તીવ્ર જરૂર હતી. જેના રંગો અને અતુલ્ય કેનવાસની રાહ વિશ્વની પેઇન્ટિંગ ગૅલેરીઓ આજે પણ જોઈ રહી હતી.

પણ એ કલાકાર જતો રહ્યો હતો. હંમેશ માટે. કશું જ બચ્યું ન હતું. ન કોઈ આભા, ન કોઈ પ્રતિભા, ન કોઈ પ્રેરણા, ન કોઈ પ્રેરણાસ્ત્રોત. બચ્યાં હતા તો ફક્ત અને ફક્ત નિસાસા અને અસંખ્ય ભગ્ન હૈયાના ટુકડાઓ.

હું રસ્તા વચ્ચે સ્તબ્ધ ઉભો હતો. મકાનને નિહાળી જીવ ગભરાવા લાગ્યો હતો. એ ક્ષણે તરત જ પગ મકાનની અંદર મુકવાની ક્ષમતા મન અને મગજમાં ન હોય એ રીતે હું મકાન તરફ પીઠ કરતો સામે તરફનો માર્ગ લઇ જંગલ વિસ્તારની દિશામાં આગળ વધી ગયો. હું ચાલતો રહ્યો, ચાલતો રહ્યો અને ચાલતો જ રહ્યો.

રહેઠાણ વિસ્તારથી ખૂબ જ દૂર નીકળી ગયો ત્યાર સુધી હું સતત ચાલતો રહ્યો. મારા ચહેરા ઉપરનો ગભરાટ જોવા જ્યાં કોઈ હાજર ન હોય એવા નિર્જન અને સુમસાન સ્થળે હું જંગલી વૃક્ષો વચ્ચે આવી ઉભો રહી ગયો. મારા ભારે થયેલા શ્વાસ જેટલો પણ ઈચ્છે તેટલો અવાજ કરવા ત્યાં સંપૂર્ણ મુક્ત હતા. મારી અંદર ફૂંકાઈ રહેલું વિચારોનું વંટોળ ક્યારેક હૈયે વાગી રહ્યું હતું તો ક્યારેક મગજ પર અફળાઈ રહ્યું હતું. અવિનાશમાં આત્મસાત થયેલી મારી જાત હલબલી ગઈ હતી.

અત્યાર સુધી જે વ્યક્તિની ઓળખ માટે મેં રાત દિવસ એક કરી નાખ્યા હતા એની ઓળખ મારી સામે હતી. જે વ્યક્તિ

જવાબદાર હતી અગણિત સંઘર્ષો માટે, પીડાઓ માટે, અશ્રુઓ માટે. મન તો હતું કે જે દિવસે એ વ્યક્તિની ઓળખ છતી થશે એ દિવસે...

અને આજે ...

મેં મારા બન્ને કાન પર ચુસ્ત હાથ ગોઠવી દીધા. આંખો આપોઆપ મીંચાઈ ગઈ. અંદર ન સમી રહેલી ચીખને એ નિર્જન વાતાવરણમાં બળપૂર્વક ઉંચકીને બહાર ફેંકી દીધી.

"નો ...નો ...નો ... નો ..."

મારા બન્ને હાથની આંગળીઓએ મારા ચહેરાને સખત પકડ જોડે જકડી લીધો. હું પોક મૂકીને રડવા લાગ્યો. મારા ઢીંચણ વળ્યાં અને મારું શરીર ધીમે ધીમે જમીન તરફ નમી પડ્યું.

મારી રડી રહેલી કીકીઓ આગળ જાણે બધાં જ દ્રશ્યો એક ઉપર એક ચઢી જવા લાગ્યા. બધો જ ક્રમ વિખરાઈ ગયો. ચિત્રો દોરતો અવિનાશ, પ્રેમથી ચુપચાપ કોફીનો કપ પડખે મૂકી અવિનાશને ખલેલ પહોંચાડ્યા વિના એને સ્નેહથી તાકી રહેલી સ્વરાગિની, આર્ટ ફેસ્ટીવલમાં ભેગા મળેલા અવિનાશના હજારો ચાહનારાઓ, તુકારામની મદદે ધસી જતો અવિનાશ, અવિનાશની સેવામાં વફાદારીપૂર્વક વ્યસ્ત તુકારામ, આઈ. સી. યુ.માં ભરતી થયેલી જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતી સ્વરાગિની, એની કપાયેલી નસમાંથી અવિરત વહી રહેલું લહુ, હોસ્પિટલના બાંકડા પર બેઠી વિવશ અને લાચાર સ્વરાગિનીની વૃદ્ધ માતા, રાત્રે એકાંતમાં સતત તડપતી, રડતી, વલખતી મારી બા, અકસ્માતમાં મૃત મારા પિતાનું શબ, બાળપણમાં મારા ઉપર થતા હાસ્ય, વ્યંગ અને રેગિંગ, પોતાના નખરા અને અદાઓથી પિતાજીને લલચાવતી, રીઝવતી પેલી બ્યુટી પાર્લરવાળી સ્ત્રી, વિડીયો કોલમાં સ્મિત વેરી રહેલી માતૃત્વ ઝંખતી અનન્યા, મારા અધૂરા પુસ્તકના કોરા પાનાઓ, વારેઘડીએ ફેરફાર પામતો મારો ' માઈન્ડ મેપ ', વોશરૂમના અરીસામાં મારા સ્થળે પ્રતિબિંબિત થતો અવિનાશ ...

જંગલી વૃક્ષો અને છોડ મારી ફરતે ચારે બાજુ જાણે ગોળ ગોળ ચક્કર કાપવા લાગ્યા. ઉપર તરફનું આકાશ નીચે ઢળવા લાગ્યું. નીચે તરફની ધરતી ઉપર આકાશ તરફ પહોંચવા લાગી. આકાશમાં ચળકી રહેલા સૂર્યનો પ્રકાશ આંખોને અસહ્ય રીતે આંજવા લાગ્યો. અચાનક કાગડાઓનો મોટો સમૂહ શોર મચાવતો શાંત વાતાવરણને પજવવા લાગ્યો. મગજમાં ચઢી રહેલા તમ્મરને નિયંત્રણમાં રાખવાનો દરેક પ્રયત્ન નિષ્ફ્ળ નીવડી રહ્યો હતો. આખરે શરીરનું સંતુલન ખોરવાઈ ઉઠ્યું. હું ધડામ કરતો જમીન પર સપાટ થઇ ગયો. મારી અર્ધ બેભાન આંખોમાં બાનો ઝાંખો, ધૂંધળો, દયનિય ચહેરો ડોકાઈ રહ્યો હતો અને મારા અર્ધ જાગ્રત કાન પર બાની મદદ માટેની પુકાર જોર જોર ગૂંજી રહી હતી. પરંતુ આજે પણ હું વિવશ હતો, લાચાર હતો, નિર્બળ હતો ...

ક્રમશ ...


Rate this content
Log in

Similar gujarati story from Crime