mariyam dhupli

Crime Thriller

4  

mariyam dhupli

Crime Thriller

આત્મસાત  (ભાગ : ૨૪)

આત્મસાત  (ભાગ : ૨૪)

5 mins
368


ઓરડી ખૂબ જ નાની હતી. બંધ બારણા પાછળથી પ્રકાશનો થોડો આભાસ થઇ રહ્યો હતો. જેમ અચાનક વાદળ ઘેરાઈ આવે અને દીન દહાડે સાંજ જેવું વાતાવરણ બની જાય એવું જ એ ઓરડીના અંદરનું વાતાવરણ હતું. ઝાંખું છતાં સ્પષ્ટ. હું રાહ જોઈ રહ્યો હતો. મારો પગ જરૂરિયાત વિના હાલી રહ્યો હતો. જયારે પણ મારા માટે રાહ જોવી અસહ્ય થઇ પડે ત્યારે મારી ખૂટેલી ધીરજ આમ જ પગની જરૂરિયાત વિનાની પ્રતિક્રિયાથી છતી થતી. હું વારેઘડીએ ખાલી ઓરડીની ભીંતને તાકી રહ્યો હતો. જાણે દર વખતે એ ભીતમાં મને કશું નવું નિહાળવા મળવાનું હોય. મારી ખુરશીની સામે ગોઠવાયેલી એક અન્ય ખુરશી હજી ખાલી હતી. આખી ઓરડીમાં એ બે ખુરશીઓ સિવાય કોઈ પણ પ્રકારનું રાચરચીલું હાજર ન હતું. આ કોઈનું ઘર ન હતું કે રાચરચીલા શણગારાય. આ તો જેલ હતી. અહીં શણગાર નહીં ફક્ત સજા થાય.

ઓરડી ઘણા ઓરડાઓના વચોવચ હતી. ઓરડીને અન્ય ઓરડાઓથી કદાચ એકાંત આપવા માટે એમાં એક પણ બારીનું બાંધકામ થયું ન હતું. કદાચ આ ઓરડી આજ જેવી જ અનૌપચારિક મુલાકાતો માટે અલાયદી રાખવામાં આવી હતી. મારી નજર ઓરડીની ભીંત પરથી ખસી ફરી સામેની ખાલી પડેલી ખુરશી પર પડી. જાણે કે એના પર કોઈએ બેઠક જમાવી હોય એવું અનુમાન મેં મનોમન સાધ્યું. શું કહીશ ? શું પૂછીશ ? વાર્તાલાપનો આરંભ ક્યાંથી કરીશ ? વાત હું શરૂ કરીશ કે સામે છેડેથી શરૂ થશે ?

મારી પાસે પુષ્કળ સમય ન હતો. વકીલે મને સાવચેતી અને શરતોની લાંબી યાદી પહેલાથી જ સમજાવી દીધી હતી. કોઈ પણ પ્રકારનું હથિયાર સાથે લઇ જવું નહીં. આપેલી સમય મર્યાદામાં જ વાર્તલાપ સમાપ્ત કરવો. સીધી કામની વાત, મુદ્દાની વાત કરવી. મુખ્ય વિષયથી ભટકવું નહીં. ઔપચારિકતાઓમાં સમયનો જરાયે વ્યય ન કરવો. મોબાઈલ સાથે લઇ જવાની પરવાનગી મળી હતી. પરંતુ મોબાઈલ સાઇલેન્ટ મોડ ઉપર રાખવો. મોબાઈલના કેમેરાથી જેલખાનાની અંદરની તસવીરો ખેંચવાની કે કોઈ પણ પ્રકારના વિડીયો રેકોર્ડિંગની સખત મનાઈ હતી. કેદી જોડે આદર અને સન્માનપૂર્વક વર્તન કરવું. કેદી ઉપર ન અવાજ ઊંચો કરવો, ન એને શારીરિક હાનિ પહોંચાડવી કે ન એનું અપમાન કરવું. જો કેદીની મરજી ન હોય તો કોઈ પણ વાતમાં એની સંડોવણી કરવા એની ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ કરવું નહીં. ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કે અપશબ્દોનું પ્રયોજન સંપૂર્ણપણે ટાળવું. જેલના દરેક કાયદાઓનું અચૂક પાલન કરવું. ફરજ ઉપર ઉપસ્થિત ફરજનિષ્ઠો જોડે કારણ વગર વાતચીત કરવી નહીં.

અંદર પ્રવેશ કર્યો ત્યારથી મેં એ તમામ શરતો અને કાયદાઓનું શબ્દેશબ્દ પાલન કર્યું હતું. મારે જાતે પણ કારણ વિના કોઈ પણ સરકારી કે કાનૂની જમેલાઓમાં પડવું ન હતું. મારે તો ફક્ત મારી વાર્તાનો અંત સાથે લઇ નીકળી જવાનું હતું. જે બોલવામાં જેટલું સહેલું હતું કરવામાં એટલુંજ કપરું.

ઓરડીનું બારણું એ જ વિચિત્ર અવાજ જોડે ફરીવાર ઊઘડ્યું જે વિચિત્ર અવાજ જોડે મારા અંદર પ્રવેશવાના સમયે ઊઘડ્યું હતું. બહાર તરફથી પ્રતિબિંબિત પ્રકાશનો લિસોટો આંખને આંજવા લાગ્યો. થોડા સમયથી અંધકારમાં ગોઠવાયેલી મારી આંખોની કીકીઓ આમ અચાનક આવી પડેલી પ્રકાશની કિરણો જોડે તાલ બેસાડવા મથી રહી. મારી ગરદન ભોંય તરફ ઝૂકી વળી. એ જ સમયે સામેની ખુરશી પર બીજું શરીર આવી ગોઠવાયું.

"આપકે પાસ સિર્ફ આધા ઘંટા હે."

પહેલાથી જ જાણીતા નિયમ જોડે મને ફરી એકવાર પરિચિત કરાવવામાં આવ્યો. અવાજમાં ભારોભાર કડકાઈ હતી. કદાચ સ્થળ અનુરૂપ એ કડકાઈ અવાજમાં પ્રાકૃતિક ભળી ચૂકી હતી. મને ધમકી આપવા કે ડરાવવા એ શબ્દો ઉચ્ચારાયા ન હતા. ફક્ત એક શરતની સ્મૃતિ સ્વરૂપે જ ઉચ્ચારાયા હતા. મેં કાંડા ઘડિયાળ પર એક ઝડપી નજર ફેરવી લીધી. ચાર વાગીને પાંચ મિનિટ થઇ હતી. એટલે મારી પાસે ચાર વાગીને પાંત્રીસ મિનિટ સુધીનો સમય હતો. ઓરડીનું બારણું બહાર તરફથી ફરીથી વાંસી દેવામાં આવ્યું. કેદીને ઓરડીની અંદર છોડી ગયેલો ફરજનિષ્ઠ ઓરડીની બહાર જ ત્રીસ મિનિટ ઉભો પહેરો ભરવાનો હતો. એના ટટ્ટાર, કડક શરીરનો પડછાયો બંધ બારણાની સૂક્ષ્મ ફાટકમાંથી સંતાકૂકડી કરી રહ્યો હતો.

મેં નજર સામેની ખુરશી તરફ નાખી. એ શરીરને હું પહેલા નિહાળી ચૂક્યો હતો. ચંપા જોડેની મુલાકાત સમયે. હા, એ જ લગ્નની તસવીરમાં. પરંતુ તસવીરમાં ચહેરા પર જે ચળકાટ હતો એ જેલની હાડમારીએ શોષી લીધો હતો. નિસ્તેજ ચહેરા ઉપર ઘરની ગેરહાજરી, સ્વજનોથી જુદાઈ અને જીવનના વેધક વળાંકો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. છતાં એક અનેરી મક્ક્મતાથી એ ચહેરો ઝળહળી રહ્યો હતો. એને અહીં આ ખુરશી પર શા માટે લાવી બેસાડવામાં આવ્યો હતો એનો અંદાજો તો કદાચ એને હતો જ. નહીંતર આ જેલમાં એનું મહત્વ હતું જ શું ? એ અહીં ફક્ત એક ક્રમાંક હતો. અન્ય હાજર અસંખ્ય ક્રમાંકોની જેમ જ. એક અસામાજિક તત્વ જે સમાજમાં રહેવાને જરાયે લાયક ન હતો. પોતાના ઈશ્વર સમાન માલીકની એણે હત્યા કરી હતી. પણ શા માટે ? એનું કારણ આજે પણ એ કોઈને ન જણાવશે એવા પૂર્વનિશ્ચિત નિર્ણયથી એના શરીરના દરેક અંગોના હાવભાવો મને ચીખી ચીખીને અવગત કરાવી રહ્યા હતા. એની મૌન, ઊંડી નજરોમાં કોઈ ગુમનામ વંટોળ છુપાઈને બેઠું હતું. જો એ બહાર ફંટાઈ આવે તો ...

તો જ મારી વાર્તા પુરી થશે. ત્રીસ મિનિટની સમયમર્યાદા યાદ આવતાં જ મેં એક અર્થપૂર્ણ ખોંખારો ખાધો અને વકીલની સલાહ અનુસરતો સીધો જ મુખ્ય મુદ્દા ઉપર આવી ગયો.

"તુમને અવિનાશકો મારા હે. હાં યા નહીં ?"

મૌન આંખો અત્યંત સખત રહી ભોંયને એકીટશે તાકતી રહી. પલકારાનો પણ અવકાશ ન હોય એમ મક્કમ, જિદ્દી, ઢીઢ બની. મેં ખુરશી પર આરામથી કમર ટેકવી દીધી અને શીઘ્ર પ્રશ્ન બદલી નાખ્યો.

"તુમને સચમેં અવિનાશકો મારા હે ? કીસકે કહેને પર ?"

ઘરકામ ન કરી આવનાર વિદ્યાર્થીને શિક્ષક એક પછી એક પ્રશ્ન પૂછે અને એ નફ્ફટ બની, નીચું ડોકું રાખી, મૌન ઉભો રહી અકળાયેલા શિક્ષકને વધુ અકળાવે તેમ જ મારી સામેની મૌન નજર પણ ભોંય પરથી જરાયે ખસવાનું નામ લઇ રહી ન હતી. અકળામણ જોડે હું ફરી થોડો આગળ તરફ નમ્યો. અવાજમાં જરાયે ધમકીની અસર ન વર્તાય એ

રીતે અત્યંત શાંત લ્હેકામાં મેં હજી એકવાર એ જ પ્રશ્ન પૂછ્યો,

"ઈક આખરી બાર પૂછ રહા હું. તુમને અવિનાશ કો ક્યોં મારા ?"

ન તો ચહેરાની એક રેખામાં કોઈ ફેરફાર આવ્યો, ન શરીરના અંગોની સ્થિતિમાં કોઈ પરિવર્તન આવ્યું, ન ઢળેલી નજરમાં કોઈ હલનચલન થયું. મારી નજર આગળનું પૂતળું હજી પણ પહેલાની જ સ્થિતિમાં હતું.

એ સાતિર મગજ બરાબરથી જાણતું હતું કે એ જેલની ચાર દીવાલો વચ્ચે મહત્તમ સુરક્ષિત હતું. એકવાર ગુનોહ જાતે જ સ્વીકારી લીધા બાદ સજા સ્વરૂપે હવે આ જેલ જ એના અંતિમ શ્વાસ સુધી એની સુરક્ષા કરવાની હતી. એણે હત્યા કરી હતી કે નહીં, કરી હોય તો એની પાછળનો હેતુ શું, શું કોઈ અન્ય વ્યક્તિના ઈશારે કરી હતી ... એ બધાં જ પ્રશ્નો એની જોડે જ આ જેલની ચાર સુરક્ષિત દીવાલો વચ્ચે દમ તોડી નાખવાના હતા. એને કોઈ ઉતાવળ ન હતી. ન બહાર નીકળવાની ઈચ્છા કે તત્પરતા. એના ચહેરાની રેખાઓમાં તપ કરતા ઋષિમુનિ જેવી ધીરજ હતી.

હું એ તપ ભંગ કરવા આવ્યો હતો. સમય રેતી જેમ હાથમાંથી સરી રહ્યો હતો. હવે મારે એક અંતિમ પાસું ફેંકવાનું હતું. એ સિવાય કોઈ માર્ગ બચ્યો ન હતો. મેં ધીમેથી ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો. ફક્ત સામેની ખુરશી પર ગોઠવાયેલું શરીર એનો અવાજ સાંભળી શકે એ માટે પહેલેથી વોલ્યુમ સેટ કરી રાખ્યો હતો.

હથકડીથી બંધાયેલા બન્ને હાથના કેન્દ્રમાં મેં મારા હાથની પકડ વડે મોબાઈલ ગોઠવી ગેલેરીમાં સંભાળીને સેવ કરી રાખેલો વિડીયો પ્લે કર્યો. પડદા પરનું દ્રશ્ય ઢળેલી સખત આંખો આગળ સ્પષ્ટ રમવા લાગ્યું.

બીજી જ ક્ષણે મડદાની જેમ આટલા સમયથી ખુરશી પર નિર્જીવ જડાઈ બેઠેલા શરીરમાં અચાનક ચેતના જાગી.

ક્રમશ ...


Rate this content
Log in

Similar gujarati story from Crime