mariyam dhupli

Crime Thriller

4  

mariyam dhupli

Crime Thriller

આત્મસાત  (ભાગ : ૨૩)

આત્મસાત  (ભાગ : ૨૩)

5 mins
286


મારા હાથમાંની લાલ ડાયરી મેં વકીલના હાથમાં આપી. ડાયરી થામી રહેલા હાથનો ઉત્સાહ અને ઉમળકો જાણે મારા હાથમાં પણ મેં અનુભવ્યો. જ્યાં સુધી આપનારે શબ્દો કંડાર્યા હતા ત્યાંથી આગળના પાના ઉપર મેળવનારના હાથ અધીરાઈથી પહોંચી ગયા. આટલા લાંબા પ્રતિસાદની કદાચ એણે અપેક્ષા સેવી ન હતી. આંખોમાં ડોકાઈ આવેલો આનંદ અચંભા જોડે સરવાળો પામી બમણો થઇ ગયો હતો. ને થાય જ ને. એ ડાયરીમાં મને સોંપવામાં આવેલું સાહિત્ય હું એક જ રાત્રીમાં સડસડાટ વાંચી ગયો હતો. એ સિવાય કોઈ વિકલ્પ પણ ન હતો. મજબૂરી માનવી પાસે શું ન કરાવી શકે ? એનું અભિમાન પણ ઓગાળી શકે અને એના નીતિનિયમોના ધજાગરા પણ ઉડાવી શકે . મારી પાસે ન વધુ સમય હતો, ન વધુ ધીરજ. પણ એ ઉજાગરો વ્યર્થ ન જ નીવડશે એની મનમાં આશા બાંધી રાખી હતી.

મને વકીલની જરૂર હતી અને એને મારા હકરાત્મક, અભિપ્રેરિત કરતા પ્રોત્સાહનની. એને પ્રોત્સાહિત કરવા મેં કોઈ કસર બાકી રાખી ન હતી. ડાયરીમાં હાજર એક એક કવિતાના વ્યાકરણથી લઇ મર્મ સુધી મેં દરેક પાસાઓ અંગે સલાહ સૂચનો, અભિપ્રાયો, વખાણ, શાબાશી, વિવેચન બધું જ અત્યંત વિસ્તારપૂર્વક લખી આપ્યું હતું. એકાંતમાં નિરાંતે વાંચી લઈશ એવું ચહેરાના હાવભાવોથી સૂચિત કરી એણે સંતોષભર્યા સ્મિત જોડે ડાયરી બંધ કરી. ચાની ચુસ્કી લેતા મેં નજર આસપાસ ફેરવી. એ જ અસ્ત થવા સજ્જ સૂર્ય અને એ જ નહીંવત, છુટાછવાયા લોકો. મેં તક ઝડપી વાત છેડી.

"આઈ નીડ યોર હેલ્પ"

ચાની ચુસ્કી માણવા તત્પર થયેલા હોઠ મારા વાક્યથી થોડા સમય માટે વિરામ લઇ બેઠા.

"ઓહ, સ્યોર સર. એનીથિંગ ફોર યુ"

મારી મદદ કરવા એ ઉત્સુક અને રોમાંચિત દેખાઈ રહ્યો હતો. એની ઉત્સુકતા અને રોમાંચ ઉપર મેં ઠંડુ પાણી રેડતા ફરીથી એ જ માંગણી આગળ ધરી જે અંતિમ મુલાકાત સમયે એના તર્કયુક્ત મગજ તરફથી સાફ અસ્વીકાર પામી હતી.

"મુજે તુકારામસે મીલના હે"

એની આંખોમાં છલકાયેલું હેરત મારી પૂર્વ અપેક્ષા પ્રમાણે અનેક પ્રશ્નોનું રૂપ ધારણ કરી બેઠું. જાણે મારી માંગણી ઉપર એને વિશ્વાસ બેઠો ન હોય એમ એ ઘડીકભર મને અપલક નિહાળતો રહ્યો. પછી ધીમે રહી ચાની એક ચુસ્કી લીધી. હજી એક વિરામ અને ફરીથી મને એ જ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો જેમ અંતિમ મુલાકાત સમયે કર્યો હતો.

"સર, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. આપકો તુકારામસે ક્યોં મીલના હે ? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઇટઝ એ કલોઝડ કેસ. તુકારામને ખુદ ગુનાહ કુબૂલ કર લીયા હે. અબ કોઈ કુછ નહીં કર સકતા. આપ સીર્ફ યહાં કુછ ઔર દીનોકે મહેમાન હો. ઈન સબ બાતોંસે આપકા દૂર રહેના હી ઠીક હે. મેઁને પહેલે ભી આપસે કહા થા. ઔર આજ ભી વહી સલાહ દુંગા. આપ આપની કિતાબ પે ફોકસ કીજીયે,પ્લિઝ. ખુદકા વક્ત ક્યોં બરબાદ કરના ચાહતે હેં ?"

હવે હું એને શું સમજાઉં ? હું મારા પુસ્તક પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો. એ સમયની બરબાદી નહીં, સમયનું રોકાણ હતું. મારા ચહેરા પરના હાવભાવોમાં થોડી વધારાની ગંભીરતા ભેગી કરી હું બાંકડા પર એની થોડી વધુ નજીક સરક્યો. અત્યંત મહત્વની અને ' કોન્ફીડેન્શીયલ ', ગુપ્ત માહિતી આપવા જઈ રહ્યો હોઉં એમ પહેલા એક નજર ચારે દિશામાં ફેરવી મારા હોઠ એના કાન નજીક લઇ ગયો. ફક્ત એ જ સાંભળી શકે એટલો અવાજનો સ્તર જાળવી રાખી એના કાનમાં મેં કહ્યું,

"ઇટ્સ અરજન્ટ. મુજે તુકારામસે અકેલેમેં મીલના હે. યુ આર એ લોયર. તુમ મેરી મદદ કર સકતે હો"

મને સમજાવવું ઉર્જા અને સમયનો વ્યય હોય એ રીતે એણે હવે મને રોકટોક કરવાનું ટાળ્યું. મારા જેટલાં જ મંદ સ્વરમાં અમારી વચ્ચેના વાર્તાલાપનું એકાંત જાળવી રાખતા એણે પ્રશ્ન પૂછ્યો,

"ડુ યુ થિન્ક ઈટ વીલ મેક એની ડિફરન્સ ?"

હું થોડું લુચ્ચું હસ્યો. એને સ્વભાવિક રીતે અચરજ થયું. એમાં હસવાની શી વાત હતી ? જોકે મને એવો સીધો પ્રશ્ન કરવાની જગ્યાએ હેરતભરી નજર વડે તાકવાનું એને વધુ યોગ્ય લાગ્યું. એક અર્થપૂર્ણ વિરામ લઇ, ચાનો ખાલી કપ બાંકડાની એક તરફ મૂકી હું ફરીથી વાર્તાલાપમાં સક્રિય થયો. આ વખતે હું એના મનોજગતને પ્રભાવિત કરવાના ઉદ્દેશ્ય જોડે એની હેરતભરી આંખોમાં દ્રઢ વિશ્વાસ જોડે ઊંડો ઉતર્યો.

"ટ્રસ્ટ મી. ધીઝ ટાઈમ આ'મ ટોકિંગ ઓન સમ સોલિડ બેઝીસ. અભી ઉસકે બારેમે કુછ બતા નહીં પાઉંગા. બટ ઇફ ઘી પ્લાન વીલ વર્ક, ઈટ કેન બી ઘી ટર્નિંગ પોઇન્ટ ઓફ યોર કેરિયર ફોર સ્યોર"

એ શબ્દો સાંભળતા જ એની આંખોમાં થોડો ચળકાટ આવ્યો. છતાં એ તરત જ કશું બોલ્યો નહીં. એક વિચારભર્યો લાંબો વિરામ લઇ, મારા કાન નજીક પોતાના હોઠ લાવી એણે ખાતરી માંગી,

"આર યુ સ્યોર ?"

શબ્દોમાં જવાબ આપવો સહેલો હતો. પરંતુ શાબ્દિક ઉત્તરથી વાતનું વજન ઘટી જશે એવી મારી મગજની સાતિર ગણતરીને અનુસરતા મેં મારી બન્ને ભ્રુકુટી ઉપર તરફ ઉઠાવી. બન્ને કીકીઓનો વિસ્તાર કરી મોટી આંખો જોડે હકારમાં ધીરેથી દ્રઢતાપૂર્વક ચહેરો ધુણાવ્યો.

એ ફરી થોડી ક્ષણો માટે નિઃશબ્દ થયો. ત્યારબાદ પોતાના હાથમાંની લાલ ડાયરી પર આંગળીઓ વડે ટકોરા પાડવા માંડ્યો. જાણે એ ટકોરા એના મગજમાં ચાલી રહેલા વિચારો જોડે સંપર્ક સાધી રહ્યા હોય. થોડી ક્ષણો બાદ એ અચાનક બાંકડા પરથી ઉભો થઇ ગયો. થોડા ડગલાં આગળ ચાલતો એ સામે તરફની પહાડીની મર્યાદા રેખા સમી પથ્થરની પાલી નજીક ઉભો રહી ગયો. ડૂબવાની તૈયારી કરી રહેલા સૂર્યને ધ્યાન દઈ તાકવા લાગ્યો. એક બે સેકન્ડ માટે વાળમાં હાથ ફેરવ્યો. પછી પાછળ વળી ફરી ધીમે ધીમે ચાલતો બાંકડા નજીક પહોંચ્યો. એની વિચાર પ્રક્રિયામાં અવરોધ ન બનવાના હેતુસર હું ચુપચાપ બાંકડા પર અત્યંત સ્થિર બેઠો એની ક્રિયા પ્રતિક્રિયા નિહાળી રહ્યો હતો.

એ પાછો મારી નજીક બાંકડા પર આવી ગોઠવાઈ ગયો. આંગળીઓ ફરી ગોદમાં ગોઠવાયેલી ડાયરી પર ટકોરા પાડવા લાગી. મોઢા પર બીજો હાથ હળવેથી ફેરવી આખરે એણે નિર્ણય સંભળાવ્યો.

"ઠીક હે. કુછ લોગોંસે મેરી જાન પહેચાન હે. આઈ વીલ અરેન્જ ઘી મિટિંગ. ગીવ મી વન ડે. આઈ વીલ ઇન્ફોર્મ યુ રિગાર્ડીન્ગ ટાઈમ. બટ ...યુ હેવ ટુ બી વેરી કેરફુલ, યુ નો ?"

એની મૂંઝવણ અને પરિસ્થિતિ બન્ને હું સમજી શકું છું એ વાતનો સ્વીકાર કરતા મેં શીઘ્ર ઉત્સાહભેર હામીમાં માથું ધુણાવ્યું. એ જ રીતે જે રીતે કોઈ ગ્રાહક કોઈ ઉત્પાદનનો વપરાશ કરવા પહેલા ' ટર્મ ' અને ' કન્ડિશન 'વાળા શરતોના સહમતી પત્રક ઉપર પોતાની સહી કરે.

મારી સાથે હાથ મેળવવા માટે આગળ વધેલા એના હાથમાં મેં તરત જ ઉમળકા જોડે ઉભો થઇ પોતાનો હાથ આપી દીધો. એ હસ્તધુનનમાં મને એક સજ્જનના પાક્કા વાયદાની અનુભૂતિ થઇ. પીઠ ફેરવી આગળ વધી ગયેલા વકીલના હાથમાંની લાલ ડાયરીને હું પાછળ તરફથી ત્યાં સુધી તાકતો રહ્યો જ્યાં સુધી એ આંખોથી અદ્રશ્ય ન થઇ ગઈ.

જયારે આગળ તરફ ફર્યો ત્યારે સૂર્ય અસ્ત થઇ ગયો હતો. પણ એ સાંજે મારી આશાનો નવો સૂર્યોદય થયો હતો.

ક્રમશ ...


Rate this content
Log in

Similar gujarati story from Crime