mariyam dhupli

Crime Thriller

4  

mariyam dhupli

Crime Thriller

આત્મસાત  ( ભાગ : ૧૪ )

આત્મસાત  ( ભાગ : ૧૪ )

6 mins
313


મને વિડીયો કોલ ઉપાડવાની જયારે ઈચ્છા ન હતી. એમ પણ કદી હોતી નથી. પરંતુ આજે તો ખાસ. આજે જે દ્રશ્ય નિહાળી આવ્યો હતો એણે મનને અંદરથી ઝંઝોળી મૂક્યું હતું. આજે કોઈ પણ ઔપચારિકતા નિભાવવાનું મન ન હતું. પરંતુ મનની મરજી જીવનમાં ક્યાં ચાલે છે ? ત્યાં તો મગજના ગણિત જ માંડવા પડે. ત્યાં એક જ વસ્તુ ચાલે. ને એ છે સમય. વટપૂર્વક આગળ વધતો રહે છે. ન કદી અટકે, ન કદી પાછળ પડે. ગમે તેવી મોટી દુર્ઘટના ઘટી હોય, હૈયાના ટુકડા થઇ વિખરાયા હોય. આભ ધરતી ભલે ને એક થયા હોય એને પાછળ ફરીને જોવાની પણ કોઈ પરવાહ હોતી નથી. સમય કદી સમય જોઈને આવતો નથી. એ બસ આવે છે, સતત આવતો રહે છે, અવિરત. લાચાર માનવી એની પાછળ ઘસડાયા કરે છે ને એ મજા માણતો રહે છે. નજર સામેનો વિડીયો કોલ ઉપાડવાનો પણ સમય થઇ ગયો હતો. અંતિમ સંદેશને ઘણા દિવસો વિતી ગયા હતા. હવે આ એક કોલ ઉપાડી લઉં તો થોડા દિવસો વિઘ્ન વિનાના મળે. દર વખતની જેમ જ આ વખતે પણ મેં મનને મનાવી લીધું.

"હાય, વ્હોટ્સ અપ ? તમે ઠીક છો ? પુસ્તક ક્યાં સુધી પહોંચ્યું ? બરાબર જમી રહ્યા છો ને ?" 

પ્રશ્નોનો વરસાદ ફરી ગડગડાટ જોડે વરસી પડયો. ફરી મન અકળાઈ ઉઠયું. ફરી શ્વાસ રૂંધાવા લાગ્યો. ફરી ભાગી છૂટવાની ઈચ્છા થઇ આવી. પણ ભાગીને ક્યાં જાઉં ? હું બંધાઈ ચૂક્યો હતો. એક સંબંધમાં, એક બંધનમાં. સમાજની વચ્ચે રાજીખુશીએ સાત ફેરા ફર્યો હતો. કોઈના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું. એક જન્મ માટે નહીં પુરા સાત જન્મોનો ભાવનાત્મક કરાર કર્યો હતો. હવે બહુ મોડું થઇ ગયું હતું. 

સાત વર્ષનો હતો જયારે મારા પિતા કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ હું ફક્ત બાની છત્રોછાયામાં ઉછર્યો હતો. પિતાનો ચહેરો તો આજે પણ યાદ કરું તો ધૂંધળો જ દેખાતો. એમની તસ્વીર મનના ખૂણામાં સ્પષ્ટ સંગ્રહાય ન હતી. મોટે ભાગે એમને તસ્વીરોમાં જ નિહાળ્યા હતા. બધા કહેતા કે હું તદ્દન પિતાજી જેવો દેખાઉં છું. એમની કાર્બન કોપી. એ સરખામણીથી મને ચીઢ ઉપજતી. મને પિતાજી જેવો નહીં, બા જેવો દેખાવું હતું. એની કાર્બન કોપી બનવું હતું. પિતાજીના અવસાન પછી એણે ઘણી હાડમારી વેઠી હતી. મને ઉછેરવામાં, મારા અભ્યાસમાં, મારા સર્વાંગી વિકાસમાં કોઈ પણ કમી રહી ન જાય એ માટે એ રાતદિવસ એક કરતી. પરસેવો નહીં, પોતાનું લોહી વહાવતી. લોકો માટે ટિફિન તૈયાર કરતી, લગ્નપ્રસંગોમાં કામ કરવા જતી, વાર તહેવારે મીઠાઈ બનાવવાના ઓર્ડર લેતી, થોડું ઘણું સીવણકામ પણ કરતી. જેટલી કલા, જે પણ હુનર જ્યાંથી પણ શીખી હતી એ બધી જ કલાને, બધાજ હુનર ને આર્થિક ઉપાર્જનના માધ્યમ બનાવી એકના એક દીકરાના યોગ્ય ઉછેર માટે એણે પ્રમાણિકપણે ખર્ચ્યા હતા. ફક્ત કલા અને હુનર જ નહીં એણે પોતાના ઉજાગરાઓ, મહેચ્છાઓ, સ્વપ્નાઓને પણ મારી પાછળ નિસ્વાર્થ ખર્ચી નાખ્યા હતા.

પિતાજીના અવસાન બાદ એના ચહેરા ઉપરથી સ્મિત, હાસ્ય, ખુશી બધું જ રાતોરાત અદ્રશ્ય થઇ ગયું હતું. મારી સામે એ સતત હીંમત બાંધી રાખતી. સદા સામાન્ય રહેતી અને બધું સામાન્ય હોવાની પ્રતીતિ કરાવતી. પરંતુ રાત્રે એકાંતમાં એ રડતી. ખૂબ રડતી. હું આંખો મીંચવાનો ડોળ રચી પથારી પર પડયો રહેતો. એની પીઠ પાછળથી મારી સાત વર્ષની ઝીણી નજર અને સાત વર્ષનું સુંવાળું મગજ બન્ને ભેગા મળી ચોરીછૂપે એની પરિસ્થતિનું યથાશક્તિ નિરીક્ષણ અને મૂલ્યાંકન કરતા. પિતાજીની તસવીર ચૂસ્ત પકડ વડે છાતીએ ચાંપી એ એકધારું અવાજ ઘોંટી દઈ રડયા કરતી. રડતા રડતા ડૂસકે ચઢી જતી. કોઈ એને પાણી આપવા આવતું નહીં. કોઈ એના આંસુઓ લૂંછવા આવતું નહીં. પથારી પર પડેલું મારું શરીર અને મન વિચિત્ર લાચારીતા, વિવશતા, નિર્બળતા અનુભવતા. 

એ નાની આયુમાં કશું સમજાતું ન હતું. શાળામાં મારી જોડે ભણતા બાળકો અને શહેરીમાં આડોશ પાડોશના લોકો બા મારી જોડે ન હોય ત્યારે અત્યંત રસ અને રુચિ દાખવતા પૂછતાં,

"તારા પિતાનું પેલી બ્યુટીપાર્લરવાળી જોડે 'અફૅર 'હતું ને ?"

'અફૅર ','નાજાયઝ સંબંધ ', 'લગ્નેત્તર સંબંધ' , એક સંબંધમાં જોડાયા હોવા છતાં બેધડક અન્ય સંબંધમાં જોડાઈ જવું. આ બધા સમાનર્થી શબ્દો અને એમની વ્યાખ્યા મારા સાત વર્ષના અપરિપક્વ મગજમાં હજી પ્રવેશ પામ્યા ન હતા. ફક્ત એટલી ખબર હતી કે પિતાજી એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. હા, પેલી બ્યુટી પાર્લરવાળી સ્ત્રી જોડે જ. 

પિતાજીને જે કરવું હતું એ કરીને જતા રહ્યા હતા. પાછળ મને અને બાને એમના કર્મોનો બોજ ઉપાડવા એકલા છોડતા ગયા હતા. બા તો કેટલી સુંદર હતી ! એના હાથનું જમણ સર્વશ્રેષ્ઠ હતું. કેટલી બધી કલાઓમાં એ પાવરધી હતી ! એ પિતાજીનું કેટલું જતન કરતી ! એમના મોઢામાંથી નીકળતા એક એક શબ્દ એ રાજીખુશીથી ઝીલી લેતી અને અનુસરતી પણ. આ છતાં પિતાજીને પેલી પૈસાની લાલચી, ઘણા બધા પુરુષો જોડે આડા સંબંધ રાખનારી સ્ત્રીમાં એવું તે શું દેખાતું ? ને જો એમને એવી જ સ્ત્રી ગમતી હતી તો એમણે બા જોડે લગ્ન કેમ કર્યા ? શું લગ્ન માટે અને લગ્નેત્તર સંબંધ માટે બે જુદા જુદા પ્રકારની સ્ત્રીની જરૂર પડતી હશે ? મારા નિર્દોષ મગજમાં વિચારોની ચકડોળ ચોવીસ કલાક ફર્યા કરતી. મને તમ્મર ચઢાવતી, થકાવતી, ડરાવતી અને એનાથી પણ વધુ આગળ જઈ મારા મનમાં વિચિત્ર અપરાધભાવ અને લગુતાગ્રંથી જન્માવતી રહેતી. મારા સાત વર્ષના અંતર જગતમાં દરરોજ હથોડા પડતા. હું અંદરોઅંદર ઘૂંટાતો રહેતો. ખુદને અત્યંત લાચાર, વિવશ અનુભવતો. મને સતત મહેણાંટોણાં મારનાર, વાતેવાતે મારી મશ્કરી ઉડાવનાર, મને વ્યંગનું કેન્દ્ર બનાવતા રહેતા મારાથી શારીરિક રીતે વધુ બળવાન અને શક્તિશાળી મારી શાળાના સહાધ્યાયીઓ, પિતાજીની ભૂલોની સજા મને અને બાને આપતા સમાજના એ તમામ રુઆબદાર લોકો સામે મારું મન બળવો પોકારતું. પરંતુ અંતરના મૌન ખૂણામાં જ. એ બળવો બહાર આવી શકે એટલો બળવાન હું ક્યાં હતો ?

દરરોજ રાત્રે ડૂસકાંઓ ભરતી રહેતી બાની પીઠ પાછળ ચોરીછૂપે પથારીમાં હું પણ મૌન ડૂસકાંઓ ભરતો. બાના ધ્યાન પર ન આવે એની જવાબદારીપૂર્વકની કાળજી દાખવતો. ન કોઈ બાની મદદે આવતું, ન મારી. મારા જીવનનું એક જ સ્વપ્ન બચ્યું હતું. બાના ચહેરા પર ફરી સ્મિત જોવાનું. એ માટે મેં તનતોડ પ્રયાસો કર્યા. શાળાના અભ્યાસમાં હંમેશા અગ્રેસર રહેતો. ગોલ્ડ મેડલ જોડે યુનિવર્સીટીનો અભ્યાસ પૂરો કર્યો. સમાચાર પત્રોમાં કોલમ લખી પ્રખ્યાતિ મેળવી. લાખ સંઘર્ષો વચ્ચે એક સફળ લેખક તરીકે જાતને સ્થાપિત કરી. ફક્ત બાના ચહેરા પર એક સ્મિત નિહાળવા માટે હું મારી ક્ષમતાશક્તિમાં હતું એ બધું જ કરી છૂટ્યો. પરંતુ એ સ્મિત કદી પરત થયું નહીં.

લથડતી જતી તબિયત જોડે એણે એક દિવસે મારો હાથ પકડયો. એનો એ આજીજીસભર અવાજ હું કદી ભૂલી ન શકું. 

"બેટા, લગ્ન કરી લે ને." 

'લગ્ન 'શબ્દ સાંભળતા જ મારી નજર આગળ પિતાજી તરી આવ્યા અને એમની જોડે પેલી બ્યુટી પાર્લરવાળી સ્ત્રી. મારી આંખોમાં ઊંડે ઝાંખી રહેલી બાનો ચહેરો મારી છઠ્ઠી ઇન્દ્રિયને ચેતવી રહ્યો હતો. જાણે હવે આ એક જ અંતિમ તક મારા હાથમાં હતી. મારા સ્વપ્નને સાચું કરવા હવે આગળ કોઈ નવી તકને સમય સમય આપવાનો ન હતો. મેં ધીમે રહી માથું હામીમાં ધુણાવ્યું જ કે વર્ષોની તપસ્યા બાદ આખરે મને મારી બાના ચહેરા ઉપર ફરી પહેલા જેવું જ મીઠું, મધુર સ્મિત જોવા મળ્યું.

આજે બા દુનિયામાં ન હતી. બહુ દૂર જતી રહી હતી. પાછળ છોડી ગઈ હતી એક વિચિત્ર, અકળાવતું બંધન અને એમાં બંધાયેલા બે જીવતા જાગતા મનુષ્યો. મારા મનના નિસાસાને હેમખેમ ઢાંકતા મેં ટૂંકમાં જ જવાબ વાળી લીધો. 

"હા, બધું ઠીક છે. પુસ્તક લખાઈ રહ્યું છે. ડોન્ટ વરી."

મારા લખાઈ રહેલા પુસ્તકના લખાણ અંગે, એની વાર્તા અંગે, એના પ્લૉટ અંગે કે એના પાત્રો અંગે હું કદી કોઈની જોડે ચર્ચા કરતો નહીં. આ મારા વ્યવસાયિક જીવનનો સ્પષ્ટ નિયમ હતો. અનન્યા આ નિયમથી સારી રીતે પરિચિત હતી. એ જાણતી હતી કે આ પુસ્તક પણ મારા અન્ય પ્રકાશિત પુસ્તકો જેમ જ લખાઈ ગયા બાદ સીધા પ્રકાશકના હાથમાં જશે અને પ્રકાશિત થયા બાદ જ એ વાચકોના હાથમાં પહોંચશે. અનન્યા પણ આ નિયમથી બાકાત ન હતી. તેથી જ પુસ્તકનો વિષય એક તરફ કરી સામે તરફથી સંવાદને નવો આરોહ અવરોહ મળ્યો.

"આજે મમ્મી આવ્યા હતા."

'મમ્મી' શબ્દ સાંભળતા જ મારો જીવ ગળા સુધી આવી ગયો. 'મમ્મી 'શબ્દથી શરૂ થતી વાત ક્યાં જઈને અટકશે એ હું સારી રીતે જાણતો હતો. અનન્યાની મમ્મીનું ઘરે આવવું દીકરી જોડે સમય પસાર કરવા પૂરતું સીમિત કદી ન રહે. એ તો બાળક ક્યારે 'પ્લાન 'કરો છોની દખલગીરી સુધી જ વિસ્તરે. હું એક ઊંડો શ્વાસ ખેંચી છટકવા માટે તત્પર થયો. 

"એક્ચ્યુઅલી અનન્યા, મારે હજી એક પ્રકરણ આજે પૂરું કરવાનું છે. સોરી. આઈ હોપ યુ વીલ અન્ડરસ્ટેન્ડ."

"ઓહ સ્યોર, ટેક કેર એન્ડ ઓલ ઘી બેસ્ટ."

દર વખત જેમ જ એણે કોઈ ફરિયાદ કરી નહીં. ગુસ્સો કર્યો નહીં. દલીલો કરી નહીં. આજ શાંતિ અને ધૈર્યથી મને નફરત હતી, ચીઢ હતી. જો એ ફરિયાદ કરે, ગુસ્સો કરે, દલીલબાજી કરે તો સામેથી હું પણ પ્રતિક્રિયા આપી શકું. આ બંધનમાંથી બન્નેને મુક્ત કરી શકું. પણ... કોલ કાપી મેં મોબાઈલ ટેબલના એક ખૂણે પટકી લૅમ્પનો અજવાશ અવરોધી નાખ્યો. 

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Crime