STORYMIRROR

mariyam dhupli

Drama Crime Thriller

4  

mariyam dhupli

Drama Crime Thriller

આત્મસાત : ૮

આત્મસાત : ૮

5 mins
336

દુનિયામાં સૌથી ચાલાક કોઈ પ્રાણી હોય તો એ કૉપીરાઈટમાંથી આબાદ છૂટી બચતો લેખક. કોઈના પણ જીવનમાં પ્રવેશી, એના જીવનના ટુકડાઓને વણી લઈ, એ પોતાની કલ્પનાની સૃષ્ટિમાં ચતુરાઈથી શણગારી દે છે. પોતાની કલ્પનાનો હળવો સ્પર્શ આપી એ કોઈના પણ જીવનની ખાનગીમાં ખાનગી ક્ષણોને પણ જાહેરમાં અભિવ્યક્ત કરી છતી કરી નાખે છે. નામ જુદા, સ્થળ જુદા, પાત્રો જુદા... પણ તથ્ય એ જ, વાર્તા એ જ. મારા નવા પુસ્તકની વાર્તા મને મળી ચૂકી હતી. 

એક કલાકારની હત્યાની રહસ્યાત્મક માંડણી. પાત્રો મારી નજરની સામે હતા. ઘટનાઓનું ચક્ર મગજમાં ફરવા લાગ્યું હતું. પરંતુ બધું જ વેરવિખેર હતું. મારે એ તમામ પાત્રોને, બનેલી ઘટનાઓને એક ચાલાક માયાજાળ જેવી રચનામાં ઢાળવાના હતા. વાર્તાનું મુખ્ય પાત્ર અવિનાશનું હતું. એક નાનકડા હિલસ્ટેશનનો એક મોટો કલાકાર. પણ એક નવું નામ, નવી ઓળખ અને ચોક્કસ એક જુદું સ્થળ. કલાકારની અંતર્મુખી પત્ની, એક વફાદાર નોકર. માલિક માટે જાન પણ આપવા તૈયાર નોકરે માલિકની જ જાન લઈ લીધી ? એ માલિકની જેણે એના જીવનની દરેક પડતી વખતે એનો સાથ આપ્યો, એના જીવનનો આધાર સ્તંભ બન્યો, એની દરેક મુશ્કેલીમાં એને સતત પડખું આપ્યું. એ જ માલિકના જમણમાં એણે ઝેર નાખી દીધું. શા માટે ? એવું તે કયું કારણ હતું જે આજે પણ એના હૈયામાં જડબેસલાક ધરબાયેલું હતું ? શું હત્યા નોકરે જ કરી હતી કે અન્ય કોઈએ ? કે પછી હત્યા નોકર પાસે કરાવવામાં આવી હતી ? ને જો કરાવવામાં આવી હોય તો કોણે કરાવી હશે ? ને એ હત્યા કરાવવા પાછળનો ધ્યેય શો હશે ? ને જો અન્ય કોઈએ હત્યા કરાવી હોય તો નોકરે પોતાના માથે ગુનો શા માટે લઈ લીધો ?

વાર્તાનો મુખ્ય પ્લોટ મગજમાં આકાર લઈ ચૂક્યો હતો. પરંતુ હજી સબપ્લોટ્સ ઉપર ઘણું કામ કરવાનું હતું. હું નિર્ણય લઈ ચૂક્યો હતો કે જે ઘટનાઓ વિશે હું જાણતો હતો એ પ્રકરણો પહેલા લખી લઈશ અને એ નિર્ણય અમલમાં મૂકવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. એક ' માઈન્ડ મેપ ' તૈયાર કરી નાખ્યો હતો. જેમાં પાત્રો અને ઘટનાઓના જોડાણના એક એક તાર જુદી જુદી રેખાઓ જોડે સાંકળવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક પ્રકરણો લખાઈ ગયા હતા. હું એક નેશનલ બૅસ્ટ સેલર ઓથર હતો. બધું જ સંશોધન ઊંડાણમાં કર્યા બાદ જ લખવાની મને ટેવ પણ અને મારી જિદ પણ. પેઈન્ટિંગ વિશે, પેઈન્ટિંગની જુદી જુદી પદ્ધતિઓ વિશે, જગતના પ્રખ્યાત પેઈંટર્સની યાદીથી લઈ વિશ્વ પ્રખ્યાત પેઈન્ટિંગ્સ વિશે જ્ઞાન મેળવવા હું પુસ્તકાલયમાંથી વિવિધ પુસ્તકો લઈ આવ્યો હતો. થોડું ઓનલાઈન રિસર્ચ પણ કર્યું હતું. આમ છતાં મને ઓનલાઈન મળતી માહિતી કરતા પુસ્તકોમાંથી મળતી માહિતી વધુ પ્રમાણભૂત લાગતી. 

પાત્રનિરૂપણ માટે હું મારા આડકતરા સામાજિક નિરીક્ષણો પર જ આધાર રાખતો. લોકો જોડે વાતો કરવાની આવડતનો અભાવ કહો કે મારો ધૂની, અંતર્મુખી સ્વભાવ. હું લોકો જોડે સંપર્કમાં રહેવાનું અને આવવાનું બંને જ થઈ શકે એટલું ટાળતો. પરંતુ આ વખતે પરિસ્થતિ તદ્દન અલગ હતી. મને મારા 'કમ્ફર્ટ ઝોન ' એટલે કે આરામદાયક કુંડાળાની બહાર નીકળવું અનિવાર્ય લાગી રહ્યું હતું. આ વખતે લોકોને વ્યક્તિગત રીતે મળી, એમની જોડે વાર્તાલાપમાં સમયનું રોકાણ કરી, જરૂરી ચર્ચાવિચારણા, માહિતીઓ અને શરીરના હાવભાવોથી લઈ એમની આંખોમાં આંખો પરોવી તથ્યની ચકાસણી કરવાથી જ મારા પાત્રો જીવંત બની શકશે એવું મારી છઠ્ઠી ઈન્દ્રિય મને સુચવી રહી હતી અને એ સૂચનાને ટાળવાનું જોખમકારક હતું.

અહીં ડ્રાઈવર શ્યામ મને કામ લાગ્યો. વકીલ તો મારો હુકમનો એક્કો હતો. એને સમય આવે જ વપરાય. શ્યામ સામેથી બહુ પ્રશ્નો કરતો નહીં. જેટલું પૂછવામાં આવે એનો જ જવાબ આપે. મને શા માટે જાણવું હતું એની લપમાં પડતો નહીં. જે પણ મદદ માંગુ એ ચૂપચાપ કરી આપતો. હું પણ સમયસર એનું ખિસ્સું હૂંફાળું કર્યા કરતો. શ્યામની મદદ જોડે અવિનાશને ઓળખતા દરેક સ્થાનિક લોકોની મેં વ્યક્તિગત મુલાકાત લીધી. એને કરિયાણું પૂરું પાડનાર દુકાનદારથી લઈ એ જે ચાની લારી પર બેસતો એ ચાની લારીના માલિક સુધી એક એક વ્યક્તિને હું જાતે મળવા ગયો. અવિનાશ વિશે, એના સ્વભાવ વિશે, એની ટેવો વિશે, એના ગમા અણગમા વિશે જેટલી પણ માહિતી ભેગી કરી શકાય મેં એમની પાસેથી ભેગી કરી. એ બધાની વાત પરથી એટલું તારણ સ્પષ્ટ થયું કે અવિનાશ એક જીંદાદીલ વ્યક્તિ હતો. અત્યંત ખુશમમિજાજ ધરાવનારો અને ખુશીઓ વહેંચવાવાળો. એના સ્વપ્નો ખૂબ જ વિશાળ હતા. એ જ્યાં જતો ત્યાંનું વાતાવરણ એની હાજરી માત્રથી જીવંત થઈ ઊઠતું. એના શરીરની સ્ફૂર્તિ એની જોડે સમય પસાર કરનાર લોકોને થાકેલા જીવન વચ્ચે પણ રીચાર્જ કરી નાખતી. વ્યંગ, જોક્સ, લોકોને વાતેવાતે હસાવવું એને બહું જ ગમતું. પેઈન્ટિંગનું જગત એનું પ્રાણ સમું હતું. રંગો વિશે, ચિત્રો વિશે એ કલાકો એકધારી વાતો કરી શકતો. ક્યારેક કેટલીક વાતોમાં એ એટલો ઊંડો ઉતરી જતો કે સાંભળનારની સામાન્ય બુદ્ધિ એના મર્મ સુધી પહોંચી પણ ન શકે. એક સાધારણ વ્યક્તિની કલ્પનાની પરે એનું વિચારોનું જગત હતું. હી વોઝ એ ડ્રીમર, અચીવર અને ' એ જૉલી ગુડ ફૅલો '.

થોડા દિવસોથી અવિનાશ અંગેની વાતો સાંભળી સાંભળીને હું જાણે એને બહુ સમયથી ઓળખતો હોઉં એવી ભ્રાંતિ થવા માંડી હતી. એ મારાથી ઘણો જુદો હતો. અમારા બંનેના સ્વભાવમાં જમીન આકાશ જેટલો તફાવત હતો. એના વ્યક્તિત્વના ઘણા એવા પાસાઓ હતા જે મારા વ્યક્તિત્વથી તદ્દન વિરોધાભાસ ધરાવતા હતા. આમ છતાં કંઈક તો હતું જે અમારી વચ્ચે સામ્યતા ધરાવતું હતું. કદાચ અમારી કલ્પનાના વિશ્વો. કે પછી બીજું કંઈક ? હું સ્પષ્ટ ન હતો. પણ મને એવી અનુભૂતિ થઈ રહી હતી કે અવિનાશ સતત મારી જોડે જ હતો. હું એને દર ક્ષણ અનુભવી શકતો હતો. મારી સાથે, મારી નજીક, મારી અંદર. વાર્તાના મુખ્ય પાત્ર સાથે જો તાદાત્મ્ય કેળવાય તો બસ વાર્તાનું વિશ્વ લેખકની મુઠ્ઠીમાં. વાર્તાનું અર્ધું વિશ્વ તો લગભગ મારી મુઠ્ઠીમાં હતું.

પરંતુ દરેક વ્યક્તિત્વના બે પાસા હોય છે. એક ઘરની બહારનું વ્યક્તિત્વ અને એક ઘરની અંદરનું વ્યક્તિત્વ. ઘરની બહાર રહેતા અવિનાશને હું જાણી ચૂક્યો હતો. હજી ઘરની અંદર રહેતા અવિનાશ વિશે મને કશી જાણકારી ન હતી અને એ અંગે અવિનાશની પત્ની સ્વરાગિનીને આજે મળવાનું હતું. 

" આ ગયે, સાબ. યે નીલી ખિડકીવાલા મકાન." 

ડ્રાઈવર શ્યામે ચીંધેલી આંગળી તરફ મેં ધ્યાનથી એક દ્રષ્ટિ ફેંકી. વાદળી રંગની, જુના સમયના બાંધકામમાં મઢાયેલી સુંદર બારીઓ હવાની લહેરથી આછી આછી ખડકી રહી હતી. મેં આગળની સીટ તરફ હાથ લંબાવ્યો. મારા હાથમાંની પૈસાની નોટને શ્યામે ટેવગત બંને આંખોનો સ્પર્શ કરાવ્યો અને ખિસ્સામાં એનું માનપૂર્વક સ્થાન બનાવ્યું. મને થોડા સમય પછી એ લેવા આવી પહોંચશે એ વાત પૂર્વ નિશ્ચિત થઈ ચૂકી હતી. હું ધીમે રહી ગાડીમાંથી નીચે ઉતર્યો. મારા શર્ટનું કૉલર સરખું કર્યું. શર્ટની બંને બાંય વ્યવસ્થિત કરી અને વાળમાં એક હાથ ફેરવ્યો. શ્યામ ગાડી લઈ નીકળી ગયો. હું ધીમે ધીમે હવાથી ખડકી રહેલી એ આકર્ષક વાદળી રંગની બારીઓ તરફ આગળ વધ્યો. જેમ જેમ મારા ડગલા મકાનની નજીક પહોંચવા માંડયા એ ક્લાસિક બારીઓની અંદર તરફ અત્યંત ધીમા સાદે વગાડવામાં આવી રહેલી ગઝલના શબ્દો મારા કાનને હળવા હળવા પંપાળી રહ્યા.

" ચિઠ્ઠી, ન કોઈ સંદેશ.જાને વો કોનસા દેશ, કહાં તુમ ચલે ગયે ? "

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama