mariyam dhupli

Drama Crime Thriller

4  

mariyam dhupli

Drama Crime Thriller

આત્મસાત : ૨૫

આત્મસાત : ૨૫

5 mins
365


અત્યાર સુધી શાંત અને સ્થિર બેઠેલું એ શરીર ક્ષણભરમાં વિચલિત થઈ ઊઠ્યું. આંખોમાં લોહી ઉતરી આવ્યું. મોબાઈલ પર ભજવાઈ રહેલા એ દ્રશ્યએ પૂતળા જેવા જડાયેલા શરીરની શાંતિ અને ધૈર્યના છેડા ઉડાવી મૂક્યા. જેમ જેમ વિડીયો રેકોર્ડિંગ આગળ વધતું ગયું તેમ તેમ હથકડીમાં બંધાયેલા બંને હાથની મુઠ્ઠી વધુ ચુસ્ત થવા માંડી. દાંત કચકચાવાનો અવાજ આખી ઓરડીમાં પડઘાઈ રહ્યો. જો એનું ચાલ્યું હોત તો એણે ક્રોધના આવેગમાં ચીસબુમરાણ મચાવી દીધી હોત. ખબર નહીં શું કરી નાખ્યું હોત ? પણ એવું કરવામાં નુકસાન એનું જ હતું, એ વાત એ સારી રીતે જાણતો હતો.

જો મારા હાથમાં રમી રહેલું રેકોર્ડિંગ કોઈ જોઈ ગયું હોત તો એનું પરિણામ શું આવ્યું હોત એની એને સ્વભાવિક રીતે ખબર હતી. ક્રોધના આવેગને મારીમચડીને અંતરમાં શાંત કરી દેવા એ મરણીયો પ્રયાસ કરી રહ્યો હતો. જે એના માટે જરાયે સહેલું ન હતું. રેકોર્ડિંગ પૂરું થયું અને મેં મોબાઈલ સંભાળીને ફરી ખિસ્સામાં સરકાવી દીધો. એની આવેગથી વિફરેલી નજર મને ખુન્નસથી મૌન રહેંસી રહી હતી. એની અંદર મારા માટે ભેગી મળેલી રીસ શબ્દોમાં ફાટી પડી.

" કોન હો તુમ ? મેરે પરિવારકો કેસે જાનતે હો ? ક્યા તુમ ભી ઈસ લડકે સે મીલે હુએ હો ? "

હવે પ્રશ્નો પૂછવાનો સમય એનો હતો અને નિરુત્તર થવાનો વારો મારો. મેં જાણીજોઈને કાંડા ઘડિયાળ પર એક નજર કરી. જાણે હવે મને કોઈ ઉતાવળ ન હોય એવા શાંત હાવભાવો ચહેરા પર પાથરી દીધા. સામે તરફની ખુરશી પર અકળામણનું પૂર ઉમટ્યું. પોલીસ અધિકારીએ આપેલી ત્રીસ મિનિટની સમયમર્યાદા એને માટે અસહ્ય થઈ પડી. પરંતુ ક્રોધમાં વિફરીને મગજ પરથી કાબુ ગુમાવવામાં એનો કોઈ ફાયદો ન હતો. જેલના સુરક્ષિત વાતાવરણમાં એમ પણ એ મારો વાળ પણ વાંકો કરી શકતો ન હતો. મોબાઈલને અડવું તો બહુ દૂરની વાત. પરિસ્થિતિની કટોકટી સમજાતા એણે આખરે શરીરને ઢીલું છોડી દીધું. ચહેરા ઉપરથી આક્રમકતા સમેટવા સિવાય એની પાસે અન્ય કોઈ પસંદગી ન હતી. જે આંખો થોડી ક્ષણો પહેલા મને મૌન રહેંસી રહી હતી, હવે એ જ આંખોમાં લાચારી, વિવશતા અને મૌન આજીજી ઉભરાઈ આવી હતી. બંને આંખોના ખૂણામાં ચળકી રહેલું પાણી છલકાઈ જવા માટે તૈયાર બેઠું હતું.

હું જાણતો હતો કે એ બંધ ઓરડીમાં જે પણ ઘટી રહ્યું હતું એ યોગ્ય ન હતું. અમાનવીય હતું. સીધા શબ્દોમાં કહું તો હું કોઈ માનવીની મજબુરીનો ફાયદો ઉઠાવી એને સીધેસીધો ઈમોશનલ બ્લેકમેલ કરી રહ્યો હતો. કોઈની લાચારી અને વિવશતાનો લાભ ઉઠાવી પોતાના ફાયદાનું આયોજન કરી રહ્યો હતો. એક વિડીયો રેકોર્ડિંગના બદલામાં મને મારા પ્રશ્નોના ઉત્તર જોઈતા હતા. જે ઉત્તરોની અંદર મારા પુસ્તકનો અંત છુપાઈ બેઠો હતો. જો સામે બેઠું શરીર મને સાથ સહકાર આપે તો એમાં એનો પણ તો ફાયદો હતો.

વધુ સમય ન વેડફતા મેં ' એક હાથ દે એક હાથ લે 'વાળી નીતિ અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો.

" દેખો, મેં ઉસ લડકેસે મીલા હુઆ નહીં હું. મેં તો ઉસે જાનતા તક નહીં. લેકીન તુમ તો ઉસે અચ્છી તરહ જાનતે હો. વો ક્યા કર સકતા હે, કીસ હદ તક ગીર સકતા હે તુમ્હે સબ પતા હે. અગર તુમ ચાહો તો મેં તુમ્હારી મદદ કર સકતા હું. યકીન માનો અગર તુમને મેરે સવાલોકે જવાબ દે દીયે તો યે રેકોર્ડિંગ કભી દુનિયા કે સામને નહીં આયેગી. કીસીકો કુછ પતા નહીં ચલેગા. ક્યા તુમ યહાંસે બહાર જાના નહીં ચાહતે ? "

આટલું બોલી એની શરીરની દિશામાં આગળ વધેલું મારું શરીર ફરી ખુરશી પર આરામથી ગોઠવાઈ ગયું. ફરીથી મેં કાંડા ઘડિયાળ પર એક અધીરી નજર ફેરવી. પંદર મિનિટ જેટલો સમય પસાર થઈ ગયો હતો. હવે બાજી સામેની ખુરશી પર આવી અટકી હતી. એ નજર ફરી ભાર જોડે મૌન થઈ ભોંય તરફ ઢળી ચૂકી હતી. આંખોના છેડામાંથી આખરે મુક્ત થયેલું પાણી ચહેરા પર વહી રહ્યું હતું. હાથની બંને મુઠ્ઠી ભીંસીને પરિસ્થિતિને સહન કરવાનો વ્યર્થ પ્રયાસ દયનીય દીસી રહ્યો હતો. પરંતુ દયા-ભાવના મને બહુ મોંઘી નીવડી શકે. ચહેરા ઉપર ક્રૂરતા અને દ્રઢતા હોય એ જ સમયની માંગણી હતી.

એક આખી મિનિટ નિઃશબ્દ પસાર થઈ. હવે એક જ ઉપાય બચ્યો હતો. શાંત જીવે હું ખુરશી છોડી ઊભો થઈ ગયો. જાણે હવે એના ઉત્તરોની મને કોઈ ગરજ ન હોય એમ બેધડક હું ઓરડી છોડવા તત્પર થતો બારણા તરફ ચાલી નીકળ્યો. મેં વધારે પડતી ઉતાવળ તો નથી કરી નાખી ? મનનો પ્રશ્ન ખાતરીમાં પરિણમે એ પહેલાં જ પાછળ ખુરશી પર હલનચલન અનુભવાયું. પણ એ તરફ જાણે મારું ધ્યાન જ ન હોય અને મને એ બાબતની કોઈ પરવાહ ન હોય એમ મનોભાવો પર સંપૂર્ણ અંકુશ જમાવી રાખતા મેં બારણા પર ટકોરા પાડવા હાથ ઉપર ઉઠાવ્યો.

" ઠેહરો "

પાછળ તરફથી સંભળાયેલો એ એકમાત્ર શબ્દ મારા ચહેરા પર જીતનું ગૌરવસભર સ્મિત ખેંચી લાવ્યું. એ સ્મિતને તરત જ સમેટી લઈ મેં પહેલા જેવી જ ગંભીરતા ચહેરા પર પૂર્વવત પાથરી દીધી. ધીરે રહી શરીર પાછળની દિશામાં વાળ્યું. ધીમા ડગલે ધીરજ જોડે હું અગાઉ જે ખુરશી પર ગોઠવાયો હતો એ જ ખુરશી પર ફરીથી ગોઠવાઈ ગયો. મારી પીઠ ખુરશી પર ટેકવી દીધી.

" અગર મેઁને તુમ્હારે સવાલોકે જવાબ દીયે તો ... "

મારા પર વિશ્વાસ બેસાડવો એના માટે ઘણું અઘરું હતું. હું એ વાત સમજી શકતો હતો. એક અજાણ્યો માનવી એના જીભ પરના તાળાની ચાવી બનીને આવ્યો હતો. એને મારા પર વિશ્વાસ થાય એ હેતુસર એની આંખોમાં આંખો મેળવી મેં મક્ક્મતાથી છતાં અત્યંત હળવા લ્હેકામાં એને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો.

" તો... યકીન માનો યે રેકોર્ડિંગ કીસી સલામત હાથોંમેં જાયેગી. જો તુમ્હારી મદદ કર સકે ... "

" મુજે યહાંસે બહાર નીકલના હે. " એની ઈચ્છાની અચાનક થયેલી અભિવ્યક્તિ વડે મારી વાત અર્ધ વચ્ચે અટકી પડી.

આજ એ સુવર્ણ તક હતી જેની હું અધીરાઈથી રાહ જોઈ રહ્યો હતો. મેં એક પણ ક્ષણ વેડફી નહીં.

" પહેલે યે બતાઓ અવિનાશકો તુમને ક્યોં મારા ? ઉસકે ખાનેમેં ઝહેર ક્યોં મીલાયા ? "

ગળામાં બાઝેલો ડૂમો એની આંખોમાં પારદર્શક થતો ઉતરી આવ્યો. એના શરીરના હાવભાવોમાં વિચિત્ર વ્યાકુળતા ફેલાઈ ગઈ. આંખોની કીકીઓ ડાબી જમણી બંને દિશાઓમાં વિહ્વળતા જોડે ચક્કર કાપતી જાણે છુપાઈ જવા માટે કોઈ સરનામું શોધી રહી હતી. એના હોઠ પણ એના હાથની જેમ ધ્રૂજવા લાગ્યા. એ ધ્રૂજી રહેલા હોઠ આખરે કબૂલાત કરવા તૈયાર થયા.

" અવિનાશ સાબ કો મેંને નહીં મારા. "

મારા હૈયામાં અનેરો હાશકારો થયો. મારી છઠ્ઠી ઈન્દ્રિય પર મને માન ઉપજી આવ્યું. હૃદયના ધબકાર પહેલા કરતા વધારે ઝડપ પકડવા લાગ્યા. જાણે કોઈ અતિ રહસ્યમય પુસ્તકનું ' રિવીલિંગ ચેપટર ' વાંચી રહ્યો હોઉં એમ મારી જિજ્ઞાસાવૃત્તિ પરાકાષ્ઠાએ પહોંચી. ચરમ સીમાએ પહોંચેલ અધીરાઈ મારા શરીરને એના શરીરની અત્યંત નજીક લઈ ગઈ. એની આંખોમાં ઊંડે ઝાંખી મેં અંતિમ વાર પૂછ્યું,

" તો અવિનાશ કો કીસને મારા ? "

ફફડી ઉઠેલા હોઠમાંથી આખરે સત્ય બહાર આવ્યું.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Drama