Heena Modi

Others

2.0  

Heena Modi

Others

આત્મજાબા

આત્મજાબા

7 mins
14.4K


ભારે મથામણ પછી પણ આત્માજાબાની પ્રસુતિ થઇ નહીં. ડૉક્ટરે આત્મજાબાના પતિ રણધીરસિંહ અને સાસુ રાજશ્રીબાને પોતાની કેબિનમાં બોલાવી, સિઝેરિયન ઓપરેશન માટે મંજૂરી માંગી. ઊંચા નાકનાં ટેરવે અને ફૂલેલાં મોંએ રણધીરસિંહે ઓપરેશન માટે પેપર પર સહી કરી. ડૉક્ટરે આત્મજાબાનું ઓપરેશન કર્યું. આત્માજાબાએ બે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો.

સૂર્ય જેવાં તેજસ્વી બાળકોને જોતાં વેંત જ આખા ઓપરેશન થીયેટરમાં આનંદની જગ્યાએ સન્નાટો છવાઈ ગયો. સૌ કોઇ ડઘાઇ ગયા. ખુદ ડૉક્ટર પણ બાકાત ન રહ્યા. ઓપરેશન ક્રિયા પતાવી ડૉક્ટરે નર્સને કહ્યું, “જાઓ, પેશન્ટનાં સગાંને બાજુવાળી કેબીનમાં બોલાવો. હું એમની જોડેવાત કરીશ.” ડોક્ટરે જેવી વાત રજૂ કરી એવા રજશ્રીબા છાતી કૂટવા માંડ્યા પછી એમણે પોતાનાં દીકરા સાથે ગૂપસૂપ કરી.

રાજશ્રીબાએ રણધીરસિંહનાં કાનમાં ફૂંક મારી અને ફરમાવી દીધું, “એવું ક્યારેય નહીં બને. સૂર્યવંશી રાજપરિવારનાં ઇતિહસમાં આ પાનું ક્યારેય ન લેખાય એની જવાબદારી તારી રહેશે.”

આત્માજાબા હજુ બેભાન હતા. એ ભાનમાં આવે એ પહેલાં બધાં રોટલા શેકાય ચૂક્યા હતા. રણધીરસિંહે આખા સ્ટાફને પચ્ચીસ-પચ્ચીસ હજાર રૂપિયાની લ્હાણી કરી અને ક્યારેય પણ ભવિષ્યમાં પણ મોં ન ખોલવાની ચીમકી પણ સાથે આપી દીધી. અને પોતાનાં જીદ્દી અવાજમાં બોલ્યાં, “ક્યારેય પણ કોઇનું પણ મોં ખૂલ્યું તો એની ખેર નથી. ગોળીએ વીંધી દઈશ.” રણધીરસિંહનો દબદબો દૂર-દૂર સુધીનાં વિસ્તારોમાં પ્રસરેલો હોય કોઈની પણ હિંમત ખરી કે એમની સાથે બગાવત કરે. અને હુકમ પણ કરી દીધો.

“આત્માજાબા એ માત્ર એક જ દીકરીને જન્મ આપ્યો છે.” એવું જણાવવા બધાંને ફરમાવી દીધું.

તાબોટા પાડી હસીમજાક કરી રહેલાં કિન્નરોનાં ગઢમાં રણધીરસિંહની ગાડી પ્રવેશી. કિન્નરોનાં વડીલ અને મુખી એવાં ચંદનમાસીબાનાં એકમાત્ર ઇશારાથી બધાં કિન્નરો પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. રણધીરસિંહ એક ડોશી સાથે ચંદનમાસીબા પાસે ગયા. એમણે એક લાખ રૂપિયા રોકડા અને ડોશીમાં એ પોતાનાં હાથમાંનું નવજાતશિશુ ચંદનમાસીબાનાં ખોળામાં મૂકી દીધું. ચંદનમાસીબા આખી વાત સમજી ગયા. રણધીરસિંહ ક્યારેય મોં ન ખોલવાની ચીમકી આપી દમામભેર બહાર નીકળી રહ્યા હતા.

ત્યાં તાબેટા પાડી ચંદનમાસીબા બોલ્યાં- “હાય રે હાય! મૂઆ! તારી પાસે શું નથી. ભગવાને તને ઘણી ધનદૌલત આપી છે. તું એક તો શું આખાં રાજ્યનાં બધાં કિન્નરોને નવજીવન બક્ષી શકે તેમ છે. ખેર! તું ફક્ત તારા બાળકનું ઓપરેશન થકી લીંગપરિવર્તન કરાવી શકે તેમ છે. આમ છતાં કંઈક વાંધો આવશે તો હું બેઠી છું તારું બાળક એ મારું બાળક. જા, આ મારું વચન છે.” માસીબા આક્રંદ કરી રણધીરસિંહને સમજાવી રહ્યા હતા. “બેટા, સાંભળ! આ અમારા કબીલામાં ફક્ત વેદના છે. અમારે-કિન્નરોએ લોકોની ધિક્કારભરી નજરથી આખું જીવન વિતાવવું પડે છે. અમને કોઇ સ્વીકારતું નથી. અમારું કોઇ ભવિષ્ય નથી. અમારી મહત્વકાંક્ષા કે મહેચ્છાઓનું સમાજમાં કોઇ સ્થાન નથી. અમારું આકળવકળ ભર્યું જીવન કોઈ સમજી ન શકે. સાહેબ, મારી વાત માની લો. આ બાળકને તમારી પાસે રાખો. એને બાળપણ માણવા દો.

એને માનું દૂધ પીવા દો. બહુચરમાની કસમ તમને આ બાળક ક્યારેય ભારે નહીં પડે. તમારાં રાજ-રજવાડા વધારે દેશે. અને જો માને એવું જ મંજૂર હશે તો સમજ આવ્યે હું સામે ચાલીને એને તેડી જઈશ. પણ, હમણાં એનું બાળપણ નહીં છીનવો.” માસીબા રણધીરસિંહનાં પગે પડી આજીજી કરતા રહ્યા. પણ માસીબાની વ્યાકુળતા કે આક્રંદ સાંભળે એ બીજા. રણધીરસિંહ પોતાનાં ગળાની ચેઇન ચંદનમાસી પર ઘા કરી ચાલતા થયા. માસીબા રણધીરસિંહની પાછળ દોડતાં રહ્યા. રણધીરસિંહે એક હાથ ઊંચો કરી મોં બંધ કરવા સૂચન કર્યું. આટલી આજીજી પછી પણ રણધીરસિંહ જરાપણ ભાવનાત્મક બન્યા નહીં. તાબોટા પાડી બોલ્યાં “મૂઆ! જા તારું નખ્ખોદ જાય.” રણધીરસિંહનો પારો સાતમે આસમાને પહોંચ્યો એ ત્રાટુક્યા. “બંધ કર તારો તમાશો. તમારા આ તાબોટાનાં તમાશાથી તો મને ભારે નફરત છે.” રણધીરસિંહ ત્યાંથી સડસડાટ નીકળી ગયા.

માસીબાનાં ગઢમાં બાળક દિનપ્રતિદિન મોટું થઇ રહ્યું હતું. માસીબા એ બાળકને પોતે જન્મ આપ્યો. હોય એવું હેત વરસાવતા. એનાં અસલી મા-બાપ કોણ હશે? એની ગંધ સુધ્ધાં ગઢમાં કોઇને આવવા દીધી નહિં. માસીબાએ એનું નામ યુવરાજસિંહ રાખ્યું હતું. આખા ગઢમાં યુવરાજસિંહનું રાજ ચાલતું સૌ કોઇનો માનીતો અને લાડલો હતો.

વીસ વર્ષાનાં વ્હાણાં વીતી ગયા. રણધીરસિંહ દીકરી નવેલીને કોલેજ લેવા મૂકવા જતાં ડ્રાઇવરે નવેલીનું અપહરણ કર્યું. એ વાત આખા પંથકમાં વાયુવેગે પ્રસરી ગઈ. યુવરાજસિંહને પણ આ વાતની જાણ થઈ. એનું લોહી ઉકળી ઉઠ્યું. આક્રોશમાં આવી એણે આકાશપાતાળ એક કરી નાંખ્યા.

નવેલીને હેમખેમ ડ્રાઇવરનાં સકંજામાંથી છોડાવી અને સહીસલામત રણધીરસિંહની હવેલીએ પહોંચાડી. યુવરાજસિંહનાં ગળામાંની ચેઈન જોઈને રણધીરસિંહ એને ઓળખી ગયા. રણધીરસિંહે નહીં તો યુવરાનો આભાર માન્યો કે નહીં તો ઇજાગ્રસ્ત એવાં યુવરાજ માટે સારવાર સુધ્ધાંની દરકાર કરી. ઇજાગ્રસ્ત, લોહીલુહાણ નવેલીને હવેલીમાં છોડી પરત થઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં ફસડાઇ પડ્યો. યુવરાજને લોકટોળાંએ હોસ્પીટલમાં ખસેડ્યો. માસીબાનાં ગઢમાં જાણ થતાં માસીબા સહિત હોસ્પીટલમાં બધાં હોંચી ગયા.

આત્મજાબાને જાણ થતાં એમણે યુવરાજની ખબર-અંતર અને આભાર વ્યક્ત કરવા માટે હોસ્પીટલ જવાની જીદ્દ કરી. પરંતુ રણધીરસિંહનાં પેટમાં ફાળ પડી એમણે આત્મજાબા સાથે પોતેજ સાથે જવાનું નક્કી કર્યું. હોસ્પીટલનાં બિછાને માસીબા યુવરાજસિંહની સેવાચાકરી કરી રહ્યા હતા.

માસીબાની તીરછી નજર રણધીરસિંહને વીંધી રહી હતી. આત્મજાબા હજુ તો યુવરાજસિંહને મળ્યા ન મળ્યાં. ત્યાં રણધીરસિંહે ત્યાંથી નીકળી જવા આત્મજાબાને ઇશારો કર્યો.

યુવરાજસિંહને અલપઝલપ જોતાં જ આત્મજાબાની અણજાણી મમતા ઉભરી રહી હતી. આત્મજાબા કંઈ સમજે વિચારે એ પહેલાં ત્યાંથી નીકળી ગયા.

યુવરાજસિંહ બેહોશ હોસ્પીટલનાં બિછાને પડ્યો હતો. આજે માસીબાની વ્યથા પરાકાષ્ઠા તોડી આરપાર વહી રહી હતી. વર્ષોથી પોતાનાં પેટમાં દાબી રાખેલ વાત આજે એમની જીભે આવી પહોંચી. એમની સાથે હોસ્પીટલમાં રોકાયેલ રાખીમાસીબાને યુવરાજસિંહ અને રણધીરસિંહનાં સંબંધની વાત કરી.

અર્ધબેભાન એવાં યુવરાજે ચંદનમાસીબાની વાત સાંભળી લીધી. પરંતુ એ સમયે એણે કોઇ પ્રતિસાદ આપ્યો નહીં. અઠવાડિયાની સારવાર પછી યુવરાજની તબિયત સારી હતી એને હોસ્પીટલમાંથી ઘેર લઇ ગયા.

થોડાં દિવસ પછી શહેરમાં વાત પ્રસરી નવેલીનાં લગ્ન લેવાયા છે. આખી હવેલી રોશનીથી ઝગમગી રહી છે. બધાં કિન્નરોને હવેલીમાં જવાની ખૂબ ઇચ્છા થઇ રહી હતી. પરંતુ બધાં જાણતાં હતાં કે આજદિન સુધી વારે-તહેવારે ક્યારેય પણ આ હવેલીમાં ચંદનમાસીબાએ ડાફું લેવા જવાં દીધા નથી.

આખા શહેરનાં નાનામાં નાની ઘર, દુકાન કે ગરીબને ત્યાં ડાફું માટે જતા પરંતુ આ ધનવાન, શહેરની સૌથી માટી હવેલીમાં ક્યારેય નહીં. આ વખતે બધાં કિન્નરો ભેગાં મળી માસીબાને મનાવી લેવાની જીદ્દ લઇને બેઠા હતા. કારણ જો કોઈ પૂછે તો માસીબા ગુસ્સાથી લાલધૂમ થઇ જતા હતા.

છેવટે યુવરાજે લીડરશીપ લીધી. માસીબાની મંજૂરી વગર એક બપોરે બધાં કિન્નરો ભેગાં મળી હવેલીએ નવદુલ્હનને આશીર્વાદ આપવા અને હવેલીનાં જાહોજલાલીનાં દર્શન કરવા પહોંચી ગયા.

તાબોટાનાં આવાજથી રણધીરસિંહનાં કાન સરવા થઈ ગયા એમણે સિક્યુરીટી ગાર્ડને ત્યાંથી બધાંને ખદેડી પાડવાનો હુકમ કર્યો જરૂર પડ્યે લાઠીચાર્જ માટે પણ જણાવી દીધું.

તાબોટાં પાડી-પાડી કિન્નરો નવદુલ્હનને આશિર્વાદ આપતાં ગીતો ગાય રહ્યા હતા. મહેંદી રસમમાંથી ઊભાં થઈ બધી મહિલાઓ કિન્નરોને જોવા ચોકમાં આવી. સિક્યુરીટી ગાર્ડનાં મારથી કિન્નરો પાછાં વળી રહ્યા હતા.

યુવરાજસિંહની નજર નવેલી પર પડતાં એણે પોતાની ગળાની ચેઇન પોતાની બહેનને લગ્નભેટ માટે ફેંકી. એ ચેઈન આત્મજાબાનાં પગ પાસે આવી પડી. ચેઈન જોઇ આત્મજાબા ચોંકી ગયા આ ચેઈન એક સમયે રણધીરસિંહનાં ગળામાં હતી એમણે ઊંચકી બરાબર જોઈ તો રાજઘરાનાનાં ચિહનો જોતાં એ વિચારે ચડ્યા. એ વિચારે ચડ્યા આ ચેઇન આ કિન્નર પાસે ક્યાંથી પહોંચી હશે? આખી હવેલીમાં આ વાત ચકડોળે ચઢી.

આત્મજાબા એ વાતનાં મૂળમાં જવાની ટેક લીધી. આખરે જીવનનાં અંત ભણી જઈ રહેલાં દાદી રાજશ્રીબાએ એમનું મૌન તોડ્યું અને પસ્તાવા સાથે આખી હકીકતની જાણ કરી.

સત્યહકિકતની જાણ થતાં આત્મજાબાએ ઘરનાં બધાં સભ્યોની એ જ દિવસે મીટીંગ બોલાવી. આત્મજાબાએ જીવનમાં પહેલીવાર પોતાનો હક્ક અને રૂઆબ જમાવ્યા. એકત્રીત બધાંની ગેરસમજ દૂર કરી.

એમણે કહ્યું, "આ ભૂલ એ માનવસર્જીત નથી. આ ભૂલ કુદરત થકી થઈ છે. જો શરમાવું હોય તો કુદરત પોતે શરમાય. એમાં રણધીરસિંહ, રજશ્રીબા કે અન્યએ શરમાવાની જરૂર નથી. એ બાળકને આપણે જન્મ આપ્યો છે તો એને હૂંફ આપવાથી માંડી એને મુશ્કેલીનો સામનો કરવાનું આપણે જ શીખવવું પડે. આપણે એનાં માતાપિતા છીએ. આપણે આવી રીતે નહીં તો મોં સંતાડી શકીએ કે નહિં તો જવાબદારીમાંથી છટકી શકીએ.

હા! અગાઉના સમયમાં આવી જન્મજાત ખોડ ધરાવતાં બાળકોને સમાજથી દૂર મૂકી દેવામાં આવતા. તો એમાં જે તે સમયની એવી માંગ હશે. એમની વિચારધારા એવી હશે કે બાળક સામાન્ય જિંદગી ન જીવી શકવાને કારણે અપરાધભાવ કે લધુતાગ્રંથિથી ન પીડાય એ માટે એમને એમનાં જેવાં બીજા લોકોની વચ્ચે રાખવા જોઇએ. જેથી, પોતાનાં જેવાં બીજાને જોઇ બાળક આનંદથી પોતાની જીંદગી જીવી શકે. પરંતુ આપણે એવું કરવાની શી જરૂર હતી? આપણે સાધનસંપન્ન અને ભણેલાગણેલા છીએ.

આધુનિક વિચારસરણી કેળવી શકીએ એમ છીએ. આપણે બાળકને સાયકોલોજીકલ ટ્રીટ રીતે શકીએ એમ છીએ. આપણે બાળકને બીજાં બાળકની જેમ નોર્મલ લાઇફ આપી શકીએ એમ છીએ. તો પછી એને શું કામ પરિવારથી દૂર રહેવાની ફરજ પાડી?

પોતાનાં જ બાળકને દૂર કરવાનું પ્રયોજન તમારું શું હતું? ખેર! તમારી નાસમજ કે અહમથી તમે જેમ જે કર્યું તે કર્યું. પરંતુ હવેથી હું નહીં ચલાવી લઉં. હું બાળકની મા છું. હવે મારે આડે કોઇ પણ નહીં આવે. ખુદ રણધીરસિંહ પણ નહીં કે ખુદ ઇશ્વર પણ નહિં. હું મારાં સંતાનને નોર્મલ જીવન આપીને જ જંપીશ."

બધાંની બોલતી બંધ થઇ ગઇ. આત્મજાબા યુવરાજસિંહને લઇ અમેરિકા ગયા ત્યાં લીંગપરિવર્તનનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન સાઠ-સિત્તેર ટકા સુધી સફળ રહ્યું. યુવરાજને સાયકોલોજીકલ ટ્રીટ કર્યો એનાંમાં આત્મવિશ્વાસ ભરપૂર ભરી દીધો. દુનિયામાં માથું ઊંચુ કરી સામી છાતીએ જીવી શકે એવો થનગનતો યુવાન બનાવ્યો. છ મહિનાની આકરી મહેનત પછી આત્મજાબા યુવરાજસિંહને લઇ હવેલીમાં આવ્યા. એક થનગનતો નવયુવાન જોઇ રણધીરસિંહ છોભીલાં પડી ગયા. એમને પોતાના પર ખૂબ પસ્તાવો થયો. યુવરાજસિંહનાં ચારે તરફ ફેલાયેલ બહોળા ધંધાને સંભાળી લીધા. ધંધાઓ પણ સફળતાનાં આકાશને ચૂમવા લાગ્યા.

આત્મજાબાનો સ્ત્રીઆર્થ ફળ્યો. આત્મજાબાનાં સ્ત્રીઆર્થ સામે રણધીરસિંહનાં પુરુષપણાનો અહમ્ ઓગળી ગયો. આત્મજાબાના સ્ત્રીઆર્થ થકી સમાજને એક નવી દિશા મળી. ખોખલી અને સમજ્યા વિના અનુકરણ કરી રહેલ એક પરંપરા તુટી.

તાબોટા પ્રત્યે નફરત કરનાર રણધીરસિંહ તાળીઓનાં ગડગડાટ કરી બોલ્યાં, “પરિવર્તન હી સંસાર કા નિયમ હૈ.”


Rate this content
Log in