Nayanaben Shah

Romance

4  

Nayanaben Shah

Romance

આનંદ મુક્તિનો

આનંદ મુક્તિનો

3 mins
334


આજથી વીસ વર્ષ પહેલાં એ સોસાયટીનો દરેક બંગલો લગભગ એક કરોડમાં તૈયાર થયેલો. અંદરનું રાચરચીલું જુદુ. લેટેસ્ટ કાર તો સ્વાભાવિક રીતે બધા પાસે હોય જ પણ કુટુંબના દરેક સભ્યની કાર જુદી. જોતાંની સાથે જ આંખોને ગમે તેવા નયનરમ્ય બંગલાઓ.

દરેક રહેવાસી પૈસે ટકે ખૂબ સુખી હતા. જો કે બધા પોતપોતાના કામમાં જ હોય. સોસાયટીની મિટીંગમાં બધા હાય હેલ્લો કરતાં.

ઉપર છલ્લો પરિચય હતો. એમાં ય લગભગ બધાની ઉંમર સરખી જ હતી. આમ તો સોસાયટી માત્ર દસ બંગલાની જ હતી. બધાના છોકરાં છોકરીઓ કોલેજમાં હતાં. કયાં તો કોલેજ પુરી કરી હોય અથવા તો ભારતની બહાર હોય. એમાં ય બે બંગલાને તાળુ હતુંં.

એવું ન હતું કે અભિમાનને કારણે બધા એકબીજા જોડે બોલતાં ન હતાં. પરંતુ દરેક જણ જવાબદારીથી દબાયેલા હતા. ખરેખર તો ક્યારે સવાર પડતી અને કયારે સાંજ પડતી એ જ ખબર ના પડતી.

પરંતુ એક પ્રસંગ એવો બન્યો કે સોસાયટીના બધા સભ્ય ભેગા થઈ ગયા. જો કે પ્રસંગ આનંદનો જ હતો. સોસાયટીના યુવકના મેરેજ હતા. જાન અમદાવાદથી નવસારી જવાની હતી અને બધી વિધિ મળી ચાર દિવસ થાય બધાને જાનની બસમાં જવા આવવાનું.

આખરે નક્કી થયું કે એક દિવસ સવારે બધી વિધિમાં હાજર રહેવું અને બીજે દિવસે સવારે લગ્નવિધિ પતે કે તરત અમદાવાદ આવી જવું. બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે આમાં તો સ્ત્રીઓ જાય એ જ શોભે.

છેવટે સોસાયટીની દરેક ઘરની એકએક વ્યક્તિ તૈયાર થઈ. લોપાએ કહ્યું,"મારી કાર ઘણીમોટી છે. હું જ ચલાવીશ. કારણ લોપાને તો ફરવું પડતું. એ ઈન્વેસ્ટમેન્ટ, એલ . આઈ. સી નું કામ, મ્યુચ્યુઅલફંડ, બેંકમાં એફ. ડી. નું, શેરબજારનું ઘણું કામ કરતી હતી. આળસ અને થાક બે શબ્દએ એના જીવનમાંથી વિદાય લીધી હતી.

સ્ત્રીઓના એકલા જવાના નિર્ણય સામે સુનિતાના સાસુએ વિરોધ કર્યો ત્યારે દિપાલી એ કહ્યું,"અમારી સાથે નિલીમા છે એ અવકાશમાં રોકેટ પણ ઉડાવી શકે છે. "નિલીમા ઈસરોમાં સાયન્ટીસ તરીકે કામ કરતી હતી. જયારે સંગીતા શિક્ષક હોવાથી એને દસમા તથા બારમાના પેપર કાઢવાના તથા તપાસવાના રહેતા એ કયારેય વેકેશન ભોગવી શકતી જ નહીં. નમિતાની પોતાની 

સી. એ. ની ફર્મ હતી. સતત કામ ચાલુ જ રહેતું. દિપાલી ડૉક્ટર હતી તેથી રાત મધરાતે પણ દર્દીઓના ફોન ચાલુ રહેતા અને કિલનીક પર દોડવું પડતું. સુનીતાના માથે તો ઘરડાં સાસુ સસરાની જવાબદારી હતી તથા વારંવાર સાસુ બિમાર થાય એટલે હોસ્પિટલ લઈ જવા પડે.

એવું ન હતું કે બધા બહારગામ જતાં ન હતાંં. જો કે એ લોકો બધાય ભારતની બહાર જ જતાં. ભારતમાં ખાસ જતાં નહીં. એની પાછળ એકખાસ કારણ હતું કે ભારતમાં ધંધાની જંજાળ રહે છે. બધા પતિ તથા બાળકો સાથે જતાં. આ પહેલો પ્રસંગ હતો કે બધા એકલાં જતાં હતાં. બાળકો સાથે જાય તો બાળકોની બેગ તૈયાર કરવી તથા પતિ તથા બાળકોના મૂડને અનુકૂળ થવું.

હાઈવે પર દરેક જણે પોતાની પસંદની વાનગીઓ મંગાવી. અત્યાર સુધી તો પતિ તથા બાળકોને તો ફાઈવસ્ટાર હોટલમાં જવું હોય. એને થતું કયારકે ઢાબાસ્ટાઈલ જમવાનું જમવું જોઈએ. એમાં પણ મજા હોય છે. અત્યાર સુધી કોઈએ પણ ઢાબાની વાનગીઓ ચાખી ન હતી.

રસ્તામાં તો એમણે લારીની પાણીપુરી તથા દાબેલી તથા વડાપાંઉ પણ લારી પરના ખાધા. પોતે જે અમીરીનો મુખવટો પહેરેલો એ ફગાવી દીધેલો. દરેક વ્યક્તિ પોતાની પસંદ મુજબ જીવવા ઈચ્છતી હતી.

કહેવાય છે કે સ્ત્રીઓ એકબીજા સાથે જલદીથી આત્મિયતા કેળવી લે છે. દરેક જણ પોતપોતાની પસંદગી મુજબ વર્તન કરતાં હતાં. નવસારી પહોંચીને પણ દરેક જણ શાંતિથી તૈયાર થયા. હવે એમને પતિની બેગમાંથી કપડાં કાઢવાની માથાકૂટ ન હતી કે ન તો પતિની પસંદના રંગનો વિચાર કરવાનો. આવી પણ જિંદગી હોય એવું એમને સ્વપ્ને પણ કયાં વિચારેલું !

બીજે દિવસેે સવારે સર્વાનુમતે નક્કી થયું કે દરિયાકિનારે દાંડીબીચ પર જઈએ. અમદાવાદમાં દરેકને એક મર્યાદા હતી. અહીં તો એમને એમના પદની ગરિમા જાળવવાની ન હતી. બધા મીનીસ્કર્ટ પહેરીને નીકળી પડ્યા.

એટલું જ નહીં પણ દરિયાના પાણીમાં ઊભા રહ્યા. આવતાં જતાં મોજાની મજા માણી રહ્યા હતાં. દરિયાકિનારે નાનાબાળકની જેમ જેને જેવું આવડ્યું એવું મસ્તીથી નાચ્યાકૂદ્યા. બાળપણની જેમ ફેરફુદરડી ફર્યા. બધાની ઉંમર રાતોરાત ઘટી ગઈ હતી.

લગ્નની મજા માણી રહ્યા હતાં. આ પહેલું લગ્ન એવુંં હતું કે જેમાં મુક્તપણે બધાએ આનંદ અનુભવ્યો હતો. જિંદગીમાં ઘણા વર્ષોબાદ મુક્ત મને બધી સહેલીઓએ મુક્તિનો આનંદ માણ્યો હતો.

છૂટા પડતી વખતે બધાએ નક્કી કર્યું કે દર વર્ષે આમ જ આવવું ભલે એક દિવસ કેમ ના હોય ? રોજિંદી ઘટમાળમાંથી મુક્તિનો આનંદ તો ખરેખર અવર્ણનીય હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance