Prashant Subhashchandra Salunke

Tragedy

4  

Prashant Subhashchandra Salunke

Tragedy

આખરે મંજીલ પામ્યા

આખરે મંજીલ પામ્યા

12 mins
382


“બેટા અંકુર, તને વિદેશ જઈ પુરા પાંચ વર્ષ થયાં છતાં તારું ભણતર હજુ પુરું નથી થયું ? હવે જલ્દી જલ્દી તારો અભ્યાસ પૂર્ણ કર અને આવી જા પાછો દેશમાં, તને ખબર છે તારો પેલો નાનપણનો મિત્ર કેદાર હમણાં આવેલો ન્યુઝીલેન્ડથી પાછો. અહીં આવી એણે લગ્ન કર્યા થોડા દિવસ રહ્યો અને પાછો ન્યુઝીલેન્ડ જતો રહ્યો. બેટા એ કહેતો હતો કે અમુક વર્ષે દેશમાં પાછા આવવું પડે છે. પણ તું તો એકેવાર નથી આવ્યો. એક મીનીટ લે પિતાજી જોડે વાત કર.”

રાઘવનભાઈ એ પત્ની શકુંતલાના હાથમાંથી ફોન લેતા કહ્યું “કેમ ગધેડા ? ક્યારે આવે છે ઇન્ડિયા ?”

અંકુરે કહ્યું, “પિતાજી અહીં નોકરી મળતાં જ મારો વિચાર છે ઇન્ડિયા આવવાનો, બસ આ કોલેજનું છેલ્લું વર્ષ પુરું થાય એટલે નોકરી મારા હાથમાં”

રાઘવનભાઈ એ કહ્યું “સારું બેટા સારું ખુબ મન લગાવી ભણો.”

અંકુર “પિતાજી, એક ૫૦,૦૦૦ રૂપિયાની જરૂર હતી અહીં જરા કોલેજની ફી ભરવાની હતી. એટલે.....”

રાઘવનભાઈ બોલ્યા “હજી કેટલીવાર પૈસા મોકલવાના બેટા ? તારો અભ્યાસ પુરો થવાનું નામ જ લેતો નથી ! હવે આ છેલ્લી વાર હું પૈસા મોકલું છું.”

અંકુર: “ઠીક છે. જય શ્રી કૃષ્ણ પિતાજી”

“જય શ્રી કૃષ્ણ” આમ બોલી રાઘવનભાઈ એ મોબાઈલ કટ કર્યો. શકુંતલાબેન તરફ આશ્ચર્યથી જોતાં રાઘવનભાઈએ કહ્યું “સાંભળો છો. તમને નથી લાગતું કે અંકુર વધારે પડતાં રૂપિયા માંગી રહ્યો છે?”

શકુંતલાબેન બોલ્યા, “અરે, આપણે દીકરાને અમેરિકા મોકલ્યો છે. અમરેલી નહિ ! અમેરિકાનો રૂપિયો એટલે ભારતના ૫૩ રૂપિયા, હવે એ બિચારાને ત્યાં ૧૦૦૦રૂપિયાની ફી પણ ભરવાની હોય તો સહેજે ૫૦૦૦૦ રૂપિયા લાગે.”

રાઘવનભાઈએ નિસાસા સાથે યાદ કરતાં કહ્યું, “પણ આપણે ખેતર વેચીને એની ૪૦ લાખ રૂપિયા ફી ભરી જ છે ને ! વળી પાછા થોડા થોડા દિવસે એણે શેની પાછી ફી ભરવાની થાય છે ?”

શકુંતલાબેન બોલ્યા “અરરે, મેં ફક્ત ફીનું ઉદાહરણ આપ્યું એણે ચોપડા ચોપડી કે ત્યાં ખાવા પીવાના ખર્ચરૂપે પૈસાની જરૂર પડે જ ને ? એ બિચારો ક્યાંથી લાવે ?”

રાઘવનભાઈ બોલ્યા “બાજુવાળા દિનેશભાઈની છોકરી મનીષા પણ ભણવા ઓસ્ટ્રેલિયા ગઈ જ છે ને? એ ત્યાં કોઈક મોલમાં પાર્ટ ટાઈમ જોબ કરીને પૈસા કમાવે છે. તે પૈસા માંગતી નથી પણ ઉલટાના ત્યાંથી પૈસા દિનેશભાઈને મોકલે છે. કાલે સવારે બગીચામાં મને દિનેશભાઈ મળ્યા હતાં કહેતા હતાં કે એમણે છોકરીના લગ્નની કોઈ ફિકર નથી. મનીષા એટલા પૈસા મોકલે છે કે તેઓ હવે આરામથી ધૂમધામમાં મનીષાના લગ્ન કરી શકે છે.”

શકુંતલાબેન બોલ્યા “એ ચિબાવલીને ભણવાની આમ પણ ક્યાં પડેલી છે ? વિદેશ ગઈ છે એ ભણવાના બહાને કમાવવા. આપણો દીકરો અંકુર ત્યાં મન લગાવી વાંચે છે ભણે છે. સમજ્યા ?”

રાઘવનભાઈ બોલ્યા, “હું તો સમજી ગયો છું પણ તું નથી સમજી !”

શકુંતલાબેન બોલ્યા, “એટલે ?”

રાઘવનભાઈ “કંઈ નહી શકુંતલા પણ હવે આ પછી એની માંગણીઓને હું સંતોષી નહિ શકું, હવે આપણી પાસે કોઈ સંપતિ નથી રહી, ખેતરો વેચાઈ ગયાં છે.”

સમય પસાર થતો ગયો અને એકદિવસ દુખદ ઘટના ઘટી ગઈ. રાઘવનભાઈ એક સવારે ઉઠ્યા જ નહિ ! આ ફાની દુનિયા છોડી તેઓ જતાં રહ્યા, દુખદ હૃદયે મા એ દીકરાને ફોન કર્યો “દીકરા તારા પિતાજી હવે આ દુનિયામાં નથી રહ્યા, તું જલ્દી ઇન્ડિયા આવી જા”

અંકુરે કહ્યું “મા, આમ અચાનક મારાથી નહિ અવાય, વિઝા મેળવવો પડે, કાર્યવાહી કરવી પડે. પણ તું બિલકુલ પણ ચિંતા ન કરતી હું ગમે તે રીતે ઇન્ડિયા આવીશ, તું ફક્ત પોતાને સાચવ મા હવે આ દુનિયામાં તારા સિવાય મારૂ કોણ છે ?”

શકુંતલાબેન રડી પડ્યા. અંકુર આગળ બોલ્યો “મા તમે પિતાજીની અંતિમવિધિ પતાવી દો બેસણા સુધી અમે આવી જઈએ છીએ”

શકુંતલા બેન બોલ્યા “અમે ?”

અંકુર “હા, મા અમે એટલે હું અને મારી ધર્મપત્ની સેન્ડી ! મા મેં પિતાજીના ડરથી તારાથી આ વાત છુપાવી રાખી”

શકુંતલાબેન બોલ્યા “સેન્ડી ?”

અંકુર “મા, તમારૂ નામ લજ્જાય એવું મેં કશું કર્યું નથી. સેન્ડીનું નામ ફક્ત ઈંગ્લીશ છે બાકી એ આપણી ગુજરાતી છોકરી જ છે હકીકતમાં એનું નામ સંધ્યા છે. પણ અહીં બધા એણે સેન્ડી કહે છે. મા, સંધ્યાને પણ ભારત જોવાની બહું ઈચ્છા છે તેથી તે પણ સાથે આવશે. ઇન્ડિયા આવીને માંડીને બધી વાત કરું છું.”

શકુંતલાબેને ફોન મુક્યો પળવાર માટે પુત્રવધુ જોવા મળશે એના ઉત્સાહમાં પતિના દેહાંતનું દુઃખ વિસરાઈ ગયું ! રાઘવનભાઈની અંતિમવિધિ થઇ ગઈ. સગા સંબંધીઓ આવ્યા. બધું સુમેરુ સંપન્ન થયું. હવે બેસણું માંડ બે દિવસ પર હતું. એટલે શકુંતલાબેને પાછો દીકરાને ફોન કર્યો “બેટા, બે દિવસ પર બેસણું છે, તું આવે છે ને ?”

અંકુરે કહ્યું, “મા તને શું લાગે છે ? મને પિતાજીના બેસણામાં આવવું નથી ? હું પણ અહીં રાત-દિવસ બેસણામાં આવવા માટેની જ મથામણ કરી રહ્યો છું. પણ વિઝા મળતા નથી. તું જ બોલ હું શું કરૂ ? પણ મા તું ચિંતા ન કર હું ભારત ગમે તે હિસાબે આવીશ જ”

ફોન મૂકી શકુંતલાબેને આંસુ લુંઝ્યા અને બેસણાની તૈયારીઓમાં લાગી ગયા. બેસણાના દિવસે કોઇપણ આવતાં લોકોના પગરવથી તેઓ અંકુર આવ્યો છે એમ વિચારી ખુશ થઇ જતાં પણ જેવો આવેલ આગંતુકનો ચેહેરો જોતાં તેઓ ઉદાસ થઇ જતાં. આવેલ આગંતુક પણ એમનો એ ઉદાસ ચહેરો જોઈ દુઃખી દુઃખી થઇ જતો અને વિચારતો “બિચારી બાને કેટલો પતિ પર પ્રેમ હતો!”

બેસણું થઇ દિવસો ગયાં. અને દિવસો પછી એક બાદ એક મહિનાઓ વીતી ગયાં. શકુંતલાબેને હવે દીકરાને ફોન કરી ક્યારે આવે છે એમ કહેવાનું પણ છોડી દીધું. અને એવામાં જ એક્દીવસે ઘરની સામે ટેક્સી આવી ઉભી રહી. શકુંતલાબેને બહાર આવી જોયું એમના આંનદનો પાર ન રહ્યો. ટેક્સીમાંથી અંકુર બહાર આવ્યો એની પાછળ પાછળ એક ગોરી મેડમ જેવી દેખાતી છોકરી ગાડીમાંથી નીચે ઉતરી. ટેક્સીવાળાને પૈસા ચૂકવી અંકુર સીધો માતા પાસે દોડી આવ્યો. સાથે આવેલ સ્ત્રી શકુંતલાબેનના પગે લાગતા બોલી “પ્રનામ માટાજી”

અંકુર હસતાં હસતાં બોલ્યો “સેન્ડી... મેં નહોતું કીધું ?”

શકુંતલાબેન બોલ્યા “એક મીનીટ બેટા, અહીં જ ઉભો રહે.”

શકુંતલાબેન દોડતાં અંદર ગયાં. અને એટલીજ ઝડપથી તેઓ પાછા આવ્યા. હાથમાં આરતીની થાળી હતી. સેન્ડીની આરતી અને કુમકુમ તિલક કર્યા બાદ શકુંતલાબેને એમણે ઘરમાં પ્રવેશવાનું કહ્યું. એ દિવસે શકુંતલાબેનનો આનંદ સમાતો નહોતો સેન્ડી આવતાં વેત ઘરનાં કામમાં લાગી ગઈ. શકુંતલાબેન વહાલથી દીકરાને બોલ્યા “તારા પર ગુસ્સો બહું હતો પણ આ સુશીલ પુત્રવધુને જોઈ મારો બધો ગુસ્સો ઓગળી ગયો. તારા જેવા બબુચકને એણે પસંદ કેવી રીતે કર્યો.”

અંકુર શરમાઈ ત્યાંથી જતો રહ્યો. બપોરે જમતી વખતે અંકુરે કહ્યું “મા અમે ફક્ત અઠવાડિયા માટે આવ્યા છીએ.”

શકુંતલાબેન ઉદાસ થઇ ગયાં. અંકુર આગળ બોલ્યો, “હા મા, અને અમે હવે એકલા નથી જવાના તને પણ સાથે લઇ જઈશું, અમને આવવામાં એટલે જ મોડું થયું કારણ અમે ત્યાં તને લાવવાની પણ મથામણ કરતાં હતાં. જયારે તારો વિઝા તૈયાર થયો ત્યારેજ અમે અહીં આવવા નીકળ્યા. હવે તું અહીં એકલી નહિ રહે. ત્યાં આપણો મોટો બંગલો છે. ગાડીઓ છે, નોકર ચાકર છે.”

શકુંતલાબેને કહ્યું “પણ બેટા તે આ બધું ક્યારે વસાવ્યું ? તારું તો ભણવાનું ચાલું હતું ને?”

અંકુરે શાંતિથી સમજાવતા કહ્યું “મા.. તને પિતાજીનો સ્વભાવ તો ખબર જ છે ને ? મેં કહ્યું હોત કે મારૂ ભણવાનું  ત્રણ  વર્ષમાં જ પુરું થઇ ગયું છે તો તે મને અહીં બોલાવી લેત અને મા તને તો ખબર જ છે ને ? અહીં કોઈનું ક્યાં ભલુ થયું છે ?”

શકુંતલાબેન બોલ્યા “ના બેટા, છેલ્લી ઘડીએ વિદેશ જઈ વસવાનો મને કોઈ શોખ નથી હું અહીં જ મજામાં છું.”

અંકુરે કહ્યું, “પણ મા તમે અહીં એકલા કેવી રીતે રહેશો ? આજકાલ તો કેટલા ખરાબ બનાવો બની રહ્યા છે ઇન્ડિયામાં! શહેરો-નગરોમાં એકલા રહેતા સિનિયર સિટિઝન ગુનેગારો માટે સોફ્ટ ટાર્ગેટ બનતા હોય છે અમે “ક્રાઈમ પેટ્રોલ” અને “સાવધાન ભારત” સીરીયલોમાં જોઇએ છીએ. ના મા ના... અમે તને એકલીને અહીં મુકીને નહિ જઈએ. ત્યાં ચાલો તો ખરા ત્યાં જ્યાં આપણે રહીએ છીએ ત્યાં ઇન્ડિયા જેવું જ છે.”

શકુંતલાબેન મક્કમ બની બોલ્યા “ના બેટા હું નહિ આવું”

અંકુરે કહ્યું “પણ તમે એકલપંડે અહીં કેવી રીતે રહેશો ?

શકુંતલાબેન “અહીં કોઈક વૃદ્ધાશ્રમોમાં રહીશ આજકાલ કેટલાય વૃદ્ધો છોકરા વિદેશમાં રહેતા હોય છે ત્યારે વૃદ્ધાશ્રમોમાં રહે જ છે ને ?

સેન્ડી બોલી, “આ શું બોલો છો માટાજી, અમે હોટા ટમે કેમ રહો ઓલ્ડએજ હોમમાં?”

શકુંતલાબેન બોલ્યા “બેટા અહીં કેટલાક લોકો પાસેથી કરજો લીધો છે તે ચૂકવવો પડશે ને ?”

અંકુર “બસ આટલી જ વાત કેટલા લોકોના પૈસા ચુકવવાના છે ? બધાના બીલો મને આપી દે હું એમના બધાના પૈસા ચૂકવી દઈશ હવે ખુશ ? હવે તો આવીશને અમારી જોડે ?”

સેન્ડી બોલી “ચાલોને માટાજી”

શકુંતલા બોલી “હા ભાઈ હા... આવીશ પણ બેટા તારી આ સેન્ડીને કહી દે કે મને માતાજી ના બોલાવે... મમ્મી ચાલશે !”

બધા ખડખડાટ હસી પડ્યા.

બીજા દિવસથી અંકુર અને સેન્ડી સવારથી જ બાહર નીકળી જતાં. અને જેમના જેમના પૈસા બાકી હોય તેમની ચુકવણી કરવામાં અને એક એક પાઈ પાઈનો હિસાબ ચુકવવામાં તેઓ વ્યસ્ત થઇ ગયાં. દિવસો વહેવા લાગ્યાં. એક દિવસ અંકુર અને સેન્ડી ઘુસુર-પુસુર કરી રહેલા અચાનક શકુંતલાબેન આવી જતાં તેઓ ચુપ થઇ ગયાં. શકુંતલાબેને પૂછ્યું “શું થયું ? આમ મોઢા કેમ ચઢાવીને ઊભા છો ?”

અંકુરે કહ્યું “મા.. લોચો થઇ ગયો, બધાની પૈસાની ચુકવણી કરવામાં અમે સાથે લાવેલ પૈસા પુરા થઇ ગયાં. અને હજીપણ કેટલાય લોકોને નાનીમોટી રક્મ આપવાની બાકી જ છે. હવે વિદેશ પાછા જવા માટે ટીકીટના પૈસા પણ ક્યાંથી લાવવા એની અમને ચિંતા સતાવે છે !”

શકુંતલાબેને કહ્યું “બસ બેટા આટલી વાત ? તું ચિંતા ન કર હવે તો આપણે બધા વિદેશ જ જવાના છીએ ને ? તો પછી આ ઘરનું શું કામ ? વેચી દઈએ એણે ? જે પૈસા આવશે એનાથી કર્જ પણ ચૂકવાઈ જશે, ટીકીટો પણ આવી જશે અને બાકીના પૈસા આપણને વિદેશમાં ધંધો વધારવાના કામમાં આવશે”

અંકુરે હસીને કહ્યું, “મા તું પણ ખરી વાતો કરે છે. આપણા પિતાજીના યાદગીરીરૂપ આ મકાન તો કંઈ વેચાતું હશે ? અને બધાનો કર્જો ચુકવ્યા પછી વધી વધીને કેટલા પૈસા વધશે ૫ થી ૬ લાખ ! વિદેશમાં એની કિંમત માંડ ૮ થી ૯ હજાર ડોલર થાય!” સેન્ડી તરફ વળીને અંકુરે કહ્યું “સેન્ડી તું તારા પિતાજીને ફોન કરી કહે તાત્કાલિક પૈસા તારા એકાઉન્ટમાં જમા કરે”

શકુંતલાબેન બોલ્યા “ખબરદાર....... જો.. સેન્ડીના પિતાજી પાસે પૈસા માંગ્યા છે તો, વિદેશમાં હું એમણે શું મોઢું દેખાડીશ ? ના અંકુર ના....હું તને કહું છું કે આ ઘર વેચી નાખ...”

અંકુરે કહ્યું “પણ .....”

શકુંતલાબેને કહ્યું “પણ...બણ... કંઈ નહિ...આ મારો હુકુમ છે...”

ગણતરીમાં જ મોકા પર આવેલું એ ઘર વેચાઈ ગયું! વિદેશ જવા નીકળીશું ત્યારે ઘરની ચાવી મળશે એ શરતે મકાન વેચાયેલું. પૈસા હાથમાં આવતાં જ અંકુર બોલ્યો “સેન્ડી ચાલ ફટાફટ લીસ્ટ કાઢ... કેટલા લોકો બાકી છે ? તે જો આજે એ કામ પતાવી દઈએ.. પછી નીકળવાની તૈયારી કરવાની છે.”

રોજની જેમ સવારેથી જ સેન્ડી અને અંકુર પૈસાની બેગ લઈ બાહર નીકળી ગયાં. સાંજ પડવા આવી છતાં અંકુર ઘરે આવ્યો નહિ તેથી શકુંતલાબેનનો જીવ અદ્ધર થઇ ગયો. તે બાહર ઓટલે આવી બેઠા. ત્યાંજ પડોશના દિનેશભાઈ બોલ્યા

“કેમ શકુંતલાબેન કાગડોળે કોની રાહ જુઓ છો ?”

શકુંતલાબેને કહ્યું “કાલે અમે બધા વિદેશ જતાં રહેવાના છીએ અને હજી સુધી અંકુર આવ્યો નથી તેથી મારો જીવ અદ્ધર થઇ ગયો છે.”

દિનેશભાઈ બોલ્યા “અરે વાહ! તો મારા ૧૭૦૦૦ રૂપિયા જે બેસણાના ફરાસખાનાવાળાને ચૂકવેલા તેનું શું ?”

શકુંતલાબેન બોલ્યા “કેમ અંકુરે તમારા પૈસા આપ્યા નહિ ?”

ત્યાંજ અંકુરનો અવાજ સંભળાયો “દુરના લોકોને પહેલા પૈસા પોહોચાડ્યા, કારણ જયારે સમય ઓછો હોય ત્યારે નજીકના લીકોને પૈસાની ફટાફટ ચુકવણી કરવાની સરળતા રહે. સેન્ડી ચિઠ્ઠીમાં જો દિનેશકાકાના કેટલા આપવાના છે તે ?”

સેન્ડી બોલી “૧૭ હજાર રૂપિયા”

અંકુર બોલ્યો “દિનેશકાકા આ રાખો પુરા ૨૦ હજાર રૂપિયા તમે મારી ગેરહાજરીમાં મારા માતાપિતાની જે કાળજી રાખી તેનો ઉપકાર હું કેવી રીત્તે વિસરી શકું ? મા આ બેગ રાખો બધાના પૈસાની ચુકવણી થઇ ગઈ. હવે આ બેગ સામાન પેક કરવાના કામમાં આવશે !”

દિનેશભાઈએ ત્રણ હજાર પાછા આપતા કહ્યું “ના...ના... મારા પૈસા મને મળી ગયાં એટલું બસ છે.”

શકુંતલાબેનની આંખો ભીની થઇ ગઈ. તેઓ આડું જોઈ ગયાં.

***

 સવારથી ઘરમાં ધાંધલ ધમાલ હતી. બધાની પેકિંગ થઇ ગઈ હતી. શકુંતલાબેન કમરામાંથી બાહર આવ્યા એમણે જોઈ અંકુર ગુસ્સે ભરાયો “મા આ શું તે આટલા ઘરેણાં પહેરી રાખ્યાં છે ? કોઈ ગુંડો મવાલી જોઈ જશે તો આફત આવી જશે ?”

શકુંતલાબેન બોલ્યા “બેટા બસ આ સોનાની બંગડી અને ચેન જ તો પહેરી છે ? મારે વિધવાને કેટલા ઘરેણા પહેરવા જોઈએ ? બાકીના બધાં ઘરેણાં મેં સાચવીને આ બેગમાં મુક્યા છે.”

અંકુર બોલ્યો “પણ મા આમ જોખમ ન લેવાય”

શકુંતલાબેને ઘરેણાં કાઢી સેન્ડીને આપતા કહ્યું “બેટા લે આને બેગમાં બીજા ઘરેણાઓ સાથે રાખી દે”

અંકુર ફરી બોલ્યો, “મા તારા પર્સમાં જ રહેવા દે હવે ક્યાં પાછી બેગ ખોલાવે છે ? પ્લેનમાં બેઠા પછી તું ઘરેણાં પહેરી લે જે પણ જ્યાં સુધી આપણે ઇન્ડિયામાં છીએ આમ જોખમ ન લેવાય કારણ અમે....” શકુંતલાબેન પર્સમાં ઘરેણાં મુકતા બોલ્યા “જાણું છું.. જાણું છું.. કે તમે ક્રાઈમ પેટ્રોલ અને સાવધાન ભારત સીરીયલો વિદેશમાં જુઓ છો” ટેક્સી આવી બધા એમાં બેઠા ગાડી એરપોર્ટ પર જવા ઉપડી. ત્યાંજ રસ્તામાં અંકુરનો મોબાઈલ રણક્યો. અંકુરે ફોન ઉપાડી વાત કરી પછી ફોન કટ કરતાં બોલ્યો “વોટ... અ ....નોનસેન્સ.”

સેન્ડી બોલી “વ્હોટ હેપન....”

અંકુરે કહ્યું “પ્લેન ત્રણ કલાક મોડું છે!”

શકુંતલાબેન બોલ્યા “તો હવે આપણે શું કરીશું ? ઘરની ચાવી પણ ખરીદનારને સોંપી દીધી”

અંકુરે કહ્યું “વાંધો નહિ, મા આ સામે જ હોટેલ છે એમાં રોકાઈ નાસ્તો -પાણી કરીએ પછી એરપોર્ટ પર જઈશું. ડ્રાઈવર તમે હવે અમારી સાથે જ રહો. જ્યાં સુધી અમે એરપોર્ટ પહોચતા નથી ત્યાં સુધી તમારી ગાડી અમે ભાડે લઈએ છીએ. ઓકે.”

ડ્રાઈવર બોલ્યો “ઓકે પાજી... અસ્સી ક્યાં હૈ ? પૈસા મિલતા હૈ તો ગાડી કહી ભી લે જાતે હૈ... એકદિન કયા હુઆં...”

અંકુરે કહ્યું “બસ...બસ... યહી પર રોક દે....”

ગાડી રોકાઈ શકુંતલાબેન નીચે ઉતર્યા ગાડીમાંથી ઉતરી એમણે હોટેલનું નામ વાચ્યું “વિસામો” શકુંતલાબેન મનમાં હસી પડ્યા. સાચે જ શહરથી દુર રસ્તામાં અટવાયેલ લોકો માટે આ જગ્યા વિસામો જ છે. પાછળથી આવી ધીમેથી સેન્ડી બોલી “માજી પર્સ પકડોને આમાં મારી કિંમતી વસ્તુઓ અને ઘર વેચીને બચેલા બે લાખ રૂપિયા છે. મારે જરા ટોઇલેટ જવું છે પર્સ આમ રેઢી ન મુકાય.”

શકુંતલાબેને સેન્ડીનું પર્સ પકડી બોલ્યા “હા...હા.. કેમ નહિ વહુ બેટા તમે શાંતિથી ફ્રેશ થઇ આવો..”

અંકુર અંદર જઈ મેનેજર જોડે વાત કરવા લાગ્યો. ત્યાંજ સેન્ડી આવી શકુંતલાબેને એણે એનું પર્સ આપ્યું. સેન્ડી હસીને બોલી “માજી ડર લાગે છે ? ચિંતિત છો?”

શકુંતલાબેન બોલ્યા “કેમ બેટા ?”

સેન્ડી બોલી “માજી તમે તમારી પર્સ મને આપી !”

શકુંતલાબેન સેન્ડીની પર્સ આપતાં બોલ્યા “સોરી બેટા એ બન્ને પર્સ સરખી છે ને એટલે જરા....”

સેન્ડી એ કહ્યું “ધ્યાન રાખો માજી એમાં તમારા ઘરેણાં છે. અને કોઈ ટેન્શન ન લો પ્લેનમાં શુરુઆતમાં ડર લાગશે પછી બસમાં બેઠા હોઈએ એમ જ લાગશે!”

અંકુર આવી બોલ્યો “સેન્ડી તું મમ્મી જોડે બેસી નાસ્તો પાણી કર ત્યાં સુધી હું ટેક્સી લઇ એરપોર્ટ જાઉં છું, ત્યાં તપાસ કરી જોઉં કદાચ એ જો બીજા પ્લેનમાં જવાની વ્યવસ્થા કરી આપે તો ?”

અંકુર જવા લાગ્યો ત્યાંજ સેન્ડી શંકુતલાબેનને કશું બોલી, શકુંતલાબેનના ચહેરાની રેખા તંગ થઇ એ બોલ્યા “અંકુર અહીં આવ” અંકુર નજીક આવતા શકુંતલાબેન બોલ્યા “તું એરપોર્ટમાં તપાસ કરવા જઈશ ત્યારે ટેક્સી બાહર રેઢી રહેશે એમાં આપણો બધો સામાન છે ખબર છે ને ? પહેલા એ ઉતારી લે ?”

અંકુર બોલ્યો “પણ મા આટલો બધો સામાન પાછો કોણ ટેક્સીમાં ચઢાવશે ?”

શકુંતલાબેન બોલ્યા “તો તું વહુબેટાને સાથે લઇ જા.. તું એરપોર્ટમાં જઈશ ત્યારે એ બહાર ટેક્સીમાં બેસી રહેશે. ઠીક છે ?”

અંકુર ગુસ્સામાં બોલ્યો “જે કરવું હોય તે જલ્દીથી કરો નહીતો બીજું પ્લેન જો મળવાનું હશે તો એ પણ છૂટી જશે.”

અંકુર અને સેન્ડી ટેક્સીમાં બેસી એરપોર્ટ પર તપાસ કરવા નીકળી ગયાં. શકુંતલાબેન ત્યાંજ બેસી રહ્યા. થોડીવાર પછી એક માણસ આવ્યો અને બોલ્યો “માજી આ ફોર્મ પર સહી કરી દો.”

શકુંતલાબેન બોલ્યા “સહી શેની માટે ”

એ માણસ બોલ્યો “તમારો દીકરો વિદેશ જતો હોવાથી તમે આ વૃદ્ધાશ્રમમાં રહેશો એનો ફોર્મ છે. તમારા દીકરા એ તો સહી કરી દીધી છે ફક્ત તમારી બાકી છે.”

અસમંજસમાં શકુંતલાબેન બોલ્યા “આ વિસામો એ......”

એ માણસ બોલ્યો “શહરનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે માજી તમે નસીબ વાલા છો કે તમારા દીકરાએ તમને અહીં રાખી. હવે, ફટાફટ કાઉન્ટર પર ૪૦૦૦ ભરી દો એટલે હું તમને તમારી રૂમ બતાવી દઉં”

ભીની આંખોએ શકુંતલાબેને પર્સ ખોલ્યું તો એમાં ચુકવણી કર્યા વગરના બીલો હતાં ! એમની પર્સ સેન્ડી ચાલાકીથી ઉડાવી ગયેલી! ત્યાંજ આસમાનમાં ઘરઘરાટી કરતું એક પ્લેન પસાર થયું. અંદર બેસેલા અંકુરને કદાચ ખબર પણ નહિ હોય કે નિસાસો આપતી એની વૃદ્ધ માતા એનું સર્વસ લુંટી લઇ જઈ રહેલા પ્લેનને એકીટશે જોતી હતી. અંકુરે સેન્ડી તરફ જોયું. સેન્ડી એ ઓઢણીને કાઢીને ફેંકતા કહ્યું “સીલી ઈન્ડીયન ટ્રેડીશનલ ડ્રેસ...આઈ એમ ફેડઅપ..”

અંકુરે હસીને કહ્યું “ડાર્લિંગ કાલે આપણે જયારે ભાગી જતાં હતાં ત્યારેજ તે ઘરેણાની યાદ દેવડાવી ન હોત તો હું તો આટલા ઘરેણાં છોડીને જ પાછો વિદેશ જતો રહ્યો હોત.”

સેન્ડી હસી “કેમ ના કરટી મને એ હાર બહું ગમેલો!”

અંકુરે કહ્યું “ડાર્લિંગ ભારતમાં ફરવાનું ગમ્યું ને ? બેસણાના દિવસે આવ્યા હોત તો આપણે રોજ સવારથી જે ફરવા નીકળી જતાં હતાં એવો મોકો જ મળ્યો ન હોત. મહેમાનોની વચ્ચે ફરવા સાથે જે આપણે ઘરના પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા એનો પણ મોકો ન મળ્યો હોત!”

સેન્ડીએ કહ્યું, “આપણે કોઈને પૈસા નહિ આપ્યા ટો એ દિનેશભાઈને ટમે કેમ ૧૭,૦૦૦ રૂપિયા કાઢી આપ્યા ?”

અંકુરે કહ્યું,”અરે ડાર્લિંગ! મેં તે સમયે જો તુરંત પૈસા ન આપ્યા હોત તો માને શંકા ગઈ હોત અને સતર હજાર બચાવવા જતાં સીતેર લાખ ખોવાનો વારો આવ્યો હોત !”

સેન્ડીએ કહ્યું “૭૦ લાખ ?”

અંકુરે કહ્યું, “તો પુશ્તેની એ હવેલીનો ગ્રાહક તો ઇન્ડિયા આવવા પહેલા જ નક્કી થઇ ગયેલો બસ માને હવેલી વેચવા માટે રાજી કરાવવાની હતી.”

સેન્ડીએ અંકુરના ખભા પર માથું ઢાળી દીધું. અંકુરે કહ્યું “ડાર્લિંગ હું તને કોઈ વાતની કમી આવવા નહિ દઉં. રાણી બનાવી રાખીશ..”

≈≈≈

હવામાં ઉડતાં અંકુરના કાન પર ધરતીના કોઈક ખૂણેથી આવતો અવાજ ક્યાંથી સંભળાય? “ભિખારણ પૈસા નથી તો અહીં કેમ આવી? જા જઈ સડક પર રહે”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy