વિદ્યા મળે ભૂખથી
વિદ્યા મળે ભૂખથી
વિદ્યા કેવળ જો નિશાળે મળે
સુગરી સુંદર માળે ના મળે
કોયલ કુંજે સંગીત વિદ્યાલયે
મોર સજાવે પીંછ રંગારે,
યંત્ર બજારે જ જો થાય ઉપલબ્ધ
મધુ મક્ષિકા કરડે પહેલી શેઠને
સૂંઢ લેવા જાય ઊડતી દુકાને
તાલીમ ચૂસવાની લેવા નિશાળે,
ઉંદર દળણુ દળાવે ઘંટીએ
કોઢે જઈ સમડી પાંખ ઘડાવે
વળતા દવાખાને આંખ સજાવે
પોપટ સીતાને રામ રામ બોલાવે,
સાપ મદારીને તાલીમ આપે
હું મોરલી વગાડું તું નાચ ડોલતાં
સ્નાનાગારે દેડકાં તાલીમ લઈ
ગુરુને ડ્રાંઉં ડ્રાંઉં બોલાવે,
વિદ્યા કેવળ જો નિશાળે મળે
કોઈ બેકાર ના રહે
બજાર ભેંકાર ના હોય
ક્યાંથી હોય ચિક્કાર મધુશાળા,
વિદ્યા મળે અંતઃ ભૂખથી
હૃદયની સૂઝ ને ધગશથી
નમ્રતા આત્મવિશ્વાસ સૂઝબૂઝથી
ધીરજ ને રિયાઝથી.