તને કહું છું કૃષ્ણ...
તને કહું છું કૃષ્ણ...
તું સાંભળે છે કૃષ્ણ તને કહુ છું,
આજે ફરી તારી એ મોરલીની ધૂન સાંભળવી છે,
તું વગાડને તારી મોરલીની મીઠી મધુરી કોઈ ધૂન,
તારી એ ધૂનમાં મારે ફરી મંત્રમુગ્ધ થઈ જવું છે.
તું સાંભળે છે કૃષ્ણ તને કહુ છું,
આજે ફરી તારી સાથે મારે રાસ રમવો,
તું આવને મારી સાથે એ રાસલીલા રચવા,
તારી સાથેની રાસલીલામાં ફરી ખોવાઈ જવું છે.
તું સાંભળે છે કૃષ્ણ તને કહુ છું,
આજે ફરી તારી સાથે યમુના તટે જવું છે,
તું આવને મારી સાથે યમુના તટે જઈએ,
યમુનાના નીરમાં આજે ફરી એકબીજાને નિહાળીએ.
તું સાંભળે છે કૃષ્ણ તને કહુ છું,
આજે ફરી તારો શૃંગાર મારે કરવો છે,
તું આવને મારી પાસે મોરપીંછ લગાવું તારે માથે,
મારા પ્રેમનું પ્રતિક આજે ફરી તારી માથે સજાવું.
તું સાંભળે છે કૃષ્ણ તને કહુ છું,
આજે ફરી તારી સાથે પ્રેમની વાતો કરવી છે,
તું આવને મારી પાસે પ્રેમભરી વાતો કરવા,
મારે તારા પ્રેમમાં આજે પોતાને ભૂલવી છે.