સપ્તપદી
સપ્તપદી
સપ્તપદીના સાત વચન કહો કે જીવનનાં સાત રંગ,
જીવો ખંતથી તો રંગીન અને ના જીવો તો બેરંગ,
પ્રથમ વચન લાલ રંગની લાલિમા,
સિંચાયેલા અમારાં સંબંધની ગરિમા,
બીજું વચન સફેદ રંગની સાદગી,
જ્યાંથી શરૂ થાય તાલમેલવાળી જિંદગી;
ત્રીજું વચન લીલા રંગનો ચંદરવો,
જ્યાં બંધાય અમારાં વચ્ચે મનનો માંડવો,
ચોથું વચન ગુલાબી રંગની નાજુકતા,
પુરવાર થાય જ્યાં સંસ્કારની સાર્થકતા,
પાંચમું વચન આસમાની રંગનું નભ,
જ્યાં મંડાણ થાય જીવનનાં શુભ અને લાભ,
છઠ્ઠું વચન પીળા રંગની પાવન પ્રીત,
અડગ રહે દરેક સંજોગોમાં દુનિયાદારીની રીત,
સાતમું વચન સપ્તરંગી સપનાંનાં સાક્ષી,
કૌટુંબિક સંબધો હોય અમારાં હિતાક્ષી,
કોઈ માપદંડ નથી અમારાં પ્રીતના રંગનું,
સ્થાન છે માત્ર અમારા સદાબહાર સંગનું.
