Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kedarsinghji Jadeja

Others

2  

Kedarsinghji Jadeja

Others

શિવ વિવાહ

શિવ વિવાહ

2 mins
7.1K


સાખી..

મસાણ રાખ પીઠી કરી, સર્પ કર્યા શણગાર      

જટા જૂટ ગંગા ધરી, શિવજી થયા તૈયાર

રૂપ કુરૂપ ભૂત ભયંકર, ડાકણ વિધ વિધ જાત      

નર પિશાચ નવતર ઘણાં, ચાલી શિવની બરાત              

ઢાળ-કાગ બાપુનું ભજન

"માતાજી કે બિવે મારો માવો રે, ડાઢિયાળો બાવો આવ્યો." જેવો.

 

 પિનાકીન પરણવાને આવ્યાં રે, મોંઘેરા મહેમાન સાથમાં. 

હિમાચલ હરખે ઘેરાયા રે, રહે નહીં હૈયું હાથમાં...

 

જાન આવી ઝાંપે,  લોક સૌ ટાંપે. 

મોંઘાં મૂલા મહેમાનોને મળશું રે,  સામૈયાં કરશું સાથમાં...

 

આવે જે ઉમાને વરવા,   હશે કોઈ ગુણિયલ ગરવા.

દોડ્યા સૌ દર્શન કરવા ઉમંગે રે, અનેરાં જનની આશમાં...

 

ભાળ્યો જ્યાં ભભૂતી ધારી, શિવજીની સૂરત ન્યારી. 

માથે મોટી જટાયું વધારી રે, વીંટાયો જાણે મૃગ ખાલમાં...

 

ભસ્મ છે લગાડી અંગે,  ફણીધર રાખ્યા સંગે. 

ભેળા ભૂત કરે છે ભેંકારા રે, ગોકીરો આખા ગામમાં...

 

બળદે સવારી કિધી, ગાંજો ભાંગ પ્યાલી પિધી.  

ભાગીરથી ભોળે શીશ પર લીધી રે, સજાવ્યો સોમને સાથમાં...

 

ગળે મૂંડકાની માળા,  કંઠે વિષ રાખ્યાં કાળ. 

ત્રિનેત્રી આવ્યાં છે ત્રિશૂલ વાળા રે, તાણ્યું છે ત્રિપુંડ ભાલમાં...

 

ભૂંડા ભૂત નાચે,  રક્તમાં રાચે.

શિવજીના દેખી નયનો નાચે રે,  બેસાડે લઈને બાથમાં...

 

ભૂતડાને આનંદ આજે,  કરે નાદ અંબર ગાજે. 

ડાકલા ને ડમરુ વગાડે રે,  રણશિંગા વાગે સાથમાં...

 

આવ્યા મૈયા સ્વાગત કરવા, ભાળ્યા રૂપ શિવના વરવા.

ભામિની ના ભાવિને વિચારે રે, સોંપુ કેમ શિવના હાથમાં...

 

નથી કોઈ માતા તેની,  નથી કોઈ બાંધવ બહેની. 

નથી કોઈ પિતાજીની ઓળખાણુ રે, જનમ્યો છે જોગી કઈ જાતમાં...

 

નથી કોઈ મહેલો બાંધ્યા,  નથી કોઈ સગપણ સાંધ્યા.  

નથી કોઈ ઠરવાના ઠેકાણા રે, રહે છે જઈને શ્મશાનમાં...

 

સુખ શું ઉમાને આપે,  ભાળી જ્યાં કલેજાં કાંપે.  

સંસારીની રીતો ને શું જાણે રે, રહે જે ભૂતની સાથમાં...

 

જાઓ સૌ જાઓ,  સ્વામીને સમજાવો.  

ઉમિયા અભાગી થઈ જાશે રે, જાશે જો જોગીની જાતમાં...

 

નારદ વદે છે વાણી,  જોગીને શક્યા નહીં જાણી.  

ત્રિલોકનો તારણ હારો રે,  આવ્યો છે આપના ધામમાં...

 

ત્રિપુરારિ તારણ હારો,   દેવાધિ દેવ છે ન્યારો. 

નહીં જન્મ મરણ કેરો જેને વારો રે,  અજન્મા શિવ પરમાત્મા...

 

ભામિની ભવાની તમારી,  શિવ કેરી શિવા પ્યારી. 

કરો તમે વાતો કૈંક તો વિચારી રે, સમજાવું શિવ રૂપ સાનમાં...

 

જાણ્યો શિવ મહિમા જ્યારે,  આવ્યો ઉર આનંદ ત્યારે.   

દોડ્યાં સૌ દર્શન કરવાને દ્વારે રે, ઝુકાવ્યું શીશ શિવ માનમાં...

 

શિવના સામૈયાં કીધાં,  મોતીડે વધાવી લીધાં.  

હરખે રૂડાં આસન શિવજી ને દીધાં રે, બેસાડ્યા શિવ ગણ સાથમાં...

 

ઉમીયાજી ચોરી ચડિયાં,  શિવ સંગે ફેરા ફર્યા. 

ભોળો ને ભવાની આજે ફરી મળિયા રે, શોભે છે શિવા શિવ સાથમાં...

 

આનંદ અનેરો આજે,   હિલોળે હિમાળો ગાજે. 

"કેદાર"ની કરુણતા એ કેવી રે, ભળ્યો નહી ભૂતની સાથમાં...

 


Rate this content
Log in

More gujarati poem from Kedarsinghji Jadeja